________________
૪૫૨
જિનમાર્ગનું અનુશીલન જોઈએ, તે થવું હજુ બાકી છે – એટલો પ્રાસંગિક ઉલ્લેખ જૈનસાહિત્યના ઐતિહાસિક દૃષ્ટિવાળા અભ્યાસ અંગે અહીં કરવો ઉચિત ગણાય.
બાકી અહીં પ્રસ્તુત વાત છે આપણા શિલ્પસ્થાપત્યોના અવશેષોનું સંરક્ષણ. આવા અવશેષોના સંરક્ષણ માટે આપણા દેશમાં ૪-૫ સ્થળોએ જૈન સંગ્રહાલયો (મ્યુઝિયમો) ઊભાં કરવાનો વિચાર ગંભીરપણે કરવો જોઈએ. એક દષ્ટિએ વિચારીએ તો ધર્મભાવનાની દૃષ્ટિએ આપણાં જિનમંદિરોનું જેવું મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ જૈન ધર્મ અને સંસ્કૃતિના અધ્યયનની દૃષ્ટિએ આવાં સંગ્રહાલયોનું ગણાય.
અત્યાર લગી આવા સંગ્રહાલયના સદંતર અભાવને લીધે આપણા ઘણા અવશેષો રખડતા રહ્યા છે, એટલું જ નહીં, નામશેષ પણ થઈ ગયા છે. જો પચાસેક વર્ષ પહેલાં આવું એકાદ સંગ્રહાલય આપણે ઊભું કરી શક્યા હોત, તો ચંદ્રાવતી જેવી ઇતિહાસપ્રસિદ્ધ ગૌરવભરી નગરીના સંગેમરમરમાંથી ઘડાયેલા અનેક અવશેષોને આપણે સાચવી શક્યા હોત અને એના ગૌરવવંતા ઇતિહાસનું દર્શન કરી શક્યા હોત. આવું તો અનેક સ્થળે બન્યું છે. પણ હવે તેનો ઝાઝો અફસોસ ન કરતાં, “જાગ્યા ત્યારથી સવાર' એ ન્યાયે આજે મોડામોડા પણ આપણે જાગીએ તો સારું; આ કામ ભારે મહત્ત્વનું અને વહેલામાં વહેલી તકે હાથ ધરવા જેવું છે. તેથી જૈનસંઘનું અને આપણી આગેવાન સંસ્થાઓનું અમે આ તરફ ધ્યાન દોરીએ છીએ.
આવાં સંગ્રહાલયો ઊભાં કરવામાં બે બાબતો ખાસ વિચારવાની રહે છે : આર્થિક સગવડની અને આવાં સંગ્રહાલયો માટે યોગ્ય સ્થળોની પસંદગી કરવાની.
આ બેમાંની આર્થિક સગવડ માટે ચિંતા કરવાનું કશું કારણ નથી; કારણ કે એ કામ કરવાનો આપણે સંકલ્પ કરીએ કે નાણાંની જોગવાઈ આપોઆપ થઈ જાય એ રીતે આપણી સંસ્થાઓ અને શ્રીમંતો સધ્ધર છે, વળી ધર્માદા ટ્રસ્ટ જેવા ધારાઓના કારણે પૈસાને બાંધી રાખવાના બદલે ખરચી નાખવાની વૃત્તિ પણ આજે સમાજમાં પ્રવર્તી રહી છે. પૂજ્ય મુનિવરોને અમે વિનવીએ છીએ કે આવાં સંગ્રહાલયોનું મહત્ત્વ આપ આપણા આગેવાનો અને સંસ્થાઓના ગળે ઉતારવાનો પ્રયત્ન આદરશો તો જૈન સંસ્કૃતિ અને ઇતિહાસની એક ભારે સેવા બજાવી ગણાશે.
બીજી વાત સ્થળોની પસંદગીની; આ માટે પાલીતાણા, ગિરનાર, બનારસ, હસ્તિનાપુર, સમેતશિખર, પાવાપુરી, અયોધ્યા વગેરે તીર્થધામોમાંથી યોગ્ય લાગે તે સ્થળો પસંદ થઈ શકે. તીર્થધામોની સંગ્રહાલયના સ્થળ તરીકે પસંદગી કરવાથી એનો લાભ હજારો જૈનો લઈ શકે; એ કારણે એને આર્થિક સગવડ પણ વિશેષ મળી શકે.
અહીં મુખ્ય મુદ્દો તો આવાં સંગ્રહાલયોની ઉપયોગિતા સ્વીકારીને તેની સ્થાપનાનો આપણે વિચાર કરતા થઈએ એ જ છે. આવાં સંગ્રહાલયો ઊભાં થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org