________________
૪૪૬
જિનમાર્ગનું અનુશીલન દુઃખ સાથે લઈ શકાય એવી એની સ્થિતિ છે. જરૂરી દેખરેખ અને સાચવણીની પૂરતી સગવડના અભાવે થોડા વખત પહેલાં જ આ ભંડારની દોઢસો-બસો જેટલી હસ્તપ્રતો નષ્ટ થઈ ગઈ. એના જવાબદાર સંચાલકો કે ટ્રસ્ટી-મહાનુભાવો આ બાબતમાં પોતાનું ધર્મકર્તવ્ય બજાવવા તરફ પૂરતું ધ્યાન આપે એ જરૂરી છે. છતાં એકંદરે, આપણે હસ્તલિખિત પુસ્તકોના જતન માટે ઠીકઠીક સજાગ અને પ્રયત્નશીલ છીએ એ આનંદ અને સંતોષની વાત છે.
આમ અત્યારે પુરાતત્ત્વના અવશેષો અને પ્રાચીન હસ્તપ્રતો વિનાશના મોંમાંથી તો મોટા ભાગે ઊગરી ગયાં છે, પણ હવે એ ચોરાઈ જવાનો બીજો મોટો ભય ઊભો થયો છે. એ માટે લાગતા-વળગતા સૌ કોઈએ સવિશેષ જાગૃત રહેવાની જરૂર છે.
જેમજેમ લાકડાની, પથ્થરની કે ધાતુની પ્રાચીન મૂર્તિઓ, પૂતળીઓ (શાલભંજિકાઓ) કે એવા બીજા કળા-કોતરણીવાળા પુરાતત્ત્વના નાના-મોટા અવશેષોનું તેમ જ જીર્ણ છતાં સચિત્ર, અલભ્ય કે કળામય પ્રાચીન હસ્તપ્રતોનું મૂલ્ય આપણને સમજાતું ગયું, તેમતેમ દેશભરમાં એના ખરીદ-વેચાણનું એક પ્રકારનું બજાર ઊભું થઈ ગયું. એના સીમાડા કેટલેક અંશે છેક વિદેશ સુધી પહોંચ્યા. તેથી આવી સામગ્રી કેવળ સાર્વજનિક સંગ્રહાલયોમાં જ એકત્ર થવાને બદલે કેટલાક સામાન્ય કળાપ્રેમીઓ અને કળાપ્રેમી શ્રીમંતોનાં ઘરોમાં પણ કીમતી સંગ્રહરૂપે સંગ્રહાવા લાગી. આથી આ બજારને વિશેષ વેગ મળ્યો, દેશ-વિદેશમાં એના કેટલાક નામાંકિત વેપારીઓ પણ ઊભા થયા, અને ધીમેધીમે ઉપલા વર્ગમાં આ શોખ વધુ ને વધુ કેળવાતો ગયો. અહીં સુધી તો બધું ઠીક હતું.
પણ પછી તો કાળાબજારનો કાળો યુગ બેઠો ! આ કાળો પૈસો દેવમંદિરોમાં સુરક્ષિત એવી પૂજાતી મૂર્તિઓ વગેરેને અને ગ્રંથભંડારોમાં સચવાયેલી અને સમયે સમયે ઉપયોગમાં લેવાતી કળામય અને વિરલ હસ્તપ્રતોને પણ આભડી ગયો. આવી દેવમૂર્તિઓની અને હસ્તપ્રતોની, તેમ જ ઇતિહાસ, પુરાતત્ત્વ કળાની દૃષ્ટિએ કીમતી તેમ જ ઉપયોગી એવી પ્રાચીન સિક્કાઓ, ચિત્રો વગેરે સામગ્રીની ચોરી થવા લાગી અને એમાં ક્રમશ: વધારો થવા લાગ્યો ! અરે, આ વેપાર અને આ કળશોખ એવો તો ગોઝારો બન્યો, કે એણે મધ્યપ્રદેશમાંના એક પ્રાચીન દિગંબર તીર્થમાંની રોજ પૂજાતી પ્રાચીન સંખ્યાબંધ જિનપ્રતિમાઓનાં મસ્તકો ખંડિત કરાવીને પૈસાને માટે એને છપી રીતે પરદેશ મોકલી આપવા સુધીનું પાપ કરાવ્યું ! વળી હમણાં-હમણાં તો આ ચેપ વધુ વ્યાપક બનતો જાય છે, અને એમાં ધારી ન શકાય એવી વ્યક્તિઓ પણ સંડોવાયેલી ક્યારેક માલૂમ પડે છે. આવા કિસ્સાઓ અવારનવાર છાપાંઓમાં પ્રગટ થતા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org