SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ જિનમાર્ગનું અનુશીલન ધર્મ, રાજ્ય અને સમાજ સંસ્થાઓનો દોષ ન ગણવો જોઈએ. આ સંસ્થાઓ ધાર્યું આવકારપાત્ર પરિણામ ન નિપજાવી શકી એમાં ખરેખરો દોષ તો માનવમાં હજી નામશેષ ન થયેલી ચંચળતાઓનો જ ગણવો જોઈએ. માનવી જેમ ખૂબીઓનો, તેમ ખામીઓનો પણ ભંડાર છે. એને લીધે એ ગમે તેવી સારી અને ન્યાયી વ્યવસ્થાને પણ દૂષિત કરીને પોતાના અંગત લાભ માટે એનો દુરુપયોગ કરી લે છે. માનવીની આવી સ્વાર્થપરાયણતાનો અંજામ એ આવ્યો છે કે કોઈ પણ સુવ્યવસ્થા ખામીવાળી ઠરે છે; અજબ છે માર્ગ ભૂલેલા માનવીની અક્કલ અને આવડત ! ભૂલ માનવી પોતે કરે છે અને વગોવાય છે ધર્મ, રાજ્ય અને સમાજ, પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવી આ વાત છે. વસ્તુતઃ આ ત્રણે ય વ્યવસ્થાઓની વિશ્વામ્યતાને લચીલા ઉપાયોથી ટકાવી રાખવામાં જ આપણો જ્યવારો છે. દાખલા તરીકે : આપણી ધર્મવ્યવસ્થા અને સંઘવ્યવસ્થા માટેનાં નિયમો અને નિયંત્રણો કેટલાં બધાં ઉપયોગી અને કારગત બની શકે એવાં છે ! સમતા, અહિંસા અને મૈત્રીભાવનાના અમૃતમય સિદ્ધાંતોની આપણને ભેટ મળી છે. મતભેદોનું મૂલ્ય આંકી શકે, વેરિવરોધનું શમન કરી શકે અને સત્યના એક-એક અંશને સ્વીકારી શકે એવી અનેકાંત-પદ્ધતિ આપણને વારસામાં મળી છે. વળી, પલટાતી પરિસ્થિતિમાં આચાર-વિચારના નિયમોમાં જરૂરી પરિવર્તન કરીને ધર્મ અને જીવન વચ્ચેની ગાંઠને વધારે દૃઢ કરી શકીએ અને દંભથી બચી શકીએ એટલા માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પારખતાં રહેવાનું વિધાન પણ ઠેર-ઠેર કરાયું છે. છતાં શ્રીસંઘમાં ચિંતા ઉપજાવે એટલા પ્રમાણમાં શિથિલતાને સ્થાન મળવા લાગે, સંગ્રહશીલતા માઝા મૂકવા માંડે, રાગદ્વેષને છુટ્ટો દોર મળી જતો દેખાય, નાના કે નજીવા પ્રશ્નોને, કાગનો વાઘ કરીને, વિકૃત અને વિકરાળ રૂપ આપીને સંઘમાં ક્લેશ-કલહનો આતશ ફેલાવવામાં આવે અને ધર્મની રક્ષાના નામે જ અધર્મી વૃત્તિઓ તથા પ્રવૃત્તિઓને વધારી મૂકવામાં આવે ત્યારે શું સમજવું ? શું આપણને મળેલો આ સંસ્કારવારસો એળે ગયો ? ઉપર્યુક્ત દુર્દશાનું મુખ્ય કા૨ણ એ છે કે શ્રમણસંસ્કૃતિએ ઉદ્બોધેલી સાધનાપદ્ધતિના સાધનરૂપ સમતાનાં ગુણગાન પુષ્કળ ગાવા છતાં એ તરફથી આપણું ધ્યાન હઠી ગયું છે; અને જેના વગર સમતાની પ્રાપ્તિ અશક્ય બની જાય એ સહિષ્ણુતાને તો આપણે જાહે૨ દેશવટો દઈ દીધો છે ! પરિણામે, આપણે વાતવાતમાં લડવા ટેવાઈ ગયા છીએ. છેવટે આપણને સહુને જ રક્ષનારા એવા ધર્મ અને સંઘને જો દોષમુક્ત અને પ્રાણવાન્ બનાવવા હશે, તો સહિષ્ણુતાને કેળવીને સમતાની સાધના કરવી જ પડશે. (તા. ૨૪-૮-૧૯૭૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy