________________
૩૦૪
જિનમાર્ગનું અનુશીલન
(૨) વિજ્ઞાન અને અધ્યાત્મ – બે પાંખો
સવા મહિના કરતાં પણ ટૂંકા ગાળામાં, ફક્ત ચાર જ દિવસના અંતરે, જે બે બહુ જ મહત્ત્વની અને નોંધપાત્ર ઘટનાઓ બની છે, તે માનવશક્તિના ઉચ્ચ – કદાચ સર્વોચ્ચ – શિખરની નિર્દેશક અને ઉન્નત વિચારસરણીની પ્રેરક હોવાથી એ અંગે થોડુંક નિરૂપણ કરવું ઉપકારક બનશે. આ બે ઘટનાઓમાંની એક તે અમેરિકાને સ્વતંત્ર થયે બરાબર બસો વર્ષ પૂરાં થયાં એ તા. ૨૦-૭-૧૯૭૬ના ઐતિહાસિક દિવસે જ, અમેરિકાની ધરતી ઉપર બનાવવામાં આવેલી અવકાશ સંશોધન માટેની અદ્ભુત પ્રયોગશાળાના સંચાલન-કેન્દ્રમાં રહ્યાં-રહ્યાં જ એના વૈજ્ઞાનિકોએ “વાઇકિંગ-૧' નામના અવકાશયાનનું ઉતરાણ પૃથ્વીથી આશરે ચોવીસ કરોડ માઈલ જેટલા અંતરે રહેલા મંગળ ગ્રહ ઉપર સફળતાથી કરાવ્યું તે.
અને બીજી ઘટના તે, તા. ૨૩-૨૪ જુલાઈ ૧૯૭૬ના રોજ, મધ્યરાત્રિ બાદ રાતના દોઢ વાગે, ફાજલપુરની નદીના કિનારે આવેલ એક બંગલામાં, શ્રી મોટાએ. જાણે ઈચ્છામૃત્યુનો સફળ પ્રયોગ કરતા હોય એ રીતે, પોતાનો જીવનપટ સંકેલી લીધો તે. અનેક રોગોનું ઘર બનેલ પોતાની ૭૮ વર્ષની જઈફ, જર્જરિત કાયાનો હવે લોકકલ્યાણ માટે ઉપયોગ થઈ શકે એમ નથી એવી પોતાને ખાતરી થતાં, દેહમુક્ત થવાના પોતાના સંકલ્પની જાણ પોતાના અતિનિકટના અંતેવાસીઓને ચાર દિવસ અગાઉ કરીને એમણે જે રીતે મૃત્યુને વધાવી લીધું એ કંઈ સાધારણ ઘટના ન કહેવાય.
આ બંને ઘટનાઓનું થોડુંક મર્મગ્રાહી અને વ્યાપક અવલોકન તથા પૃથક્કરણ કરવા જેવું છે.
માનવ વગરનું અને મંગળ પર અનેક પ્રકારનાં સંશોધનો અને પ્રયોગો કરીને એની માહિતી તથા વિવિધ પ્રકારની તસ્વીરો ધરતી ઉપરની પ્રયોગશાળામાં વ્યવસ્થિત રીતે અને નિયમિતપણે મોકલવાની વિપુલ યાંત્રિક સામગ્રીથી સજ્જ, તેરસો રતલ વજનનું આ અવકાશયાન, સચેતન વ્યક્તિના કોઈ પણ જાતના પ્રત્યક્ષ સંપર્ક વગર, એક જીવંત આજ્ઞાંકિત વ્યક્તિની જેમ, સંચાલન-કેન્દ્રમાં રહેલ વૈજ્ઞાનિકોની આજ્ઞાને અનુસરે, અગિયાર મહિના જેટલી લાંબી સફર ખેડીને વૈજ્ઞાનિકોએ પસંદ કરેલ સ્થાનમાં નિર્વિને ઉતરાણ કરીને એમની સૂચના મુજબ કામગીરી બજાવવા લાગે અને એનું સંચાલન કરનાર વૈજ્ઞાનિકો કરોડો માઈલ દૂર રહેલ એ અવકાશયાનમાં કોઈ યાંત્રિક ખરાબી થઈ જાય, તો અહીં બેઠાં બેઠાં એને દૂર કરે – આ બધું એટલું આશ્ચર્યકારક, વિલક્ષણ અને રોમાંચક છે, કે પહેલી દૃષ્ટિએ તો એ કોઈ કાલ્પનિક કથા જ લાગે ! અને છતાં, સૌ કોઈ જાણે છે, કે આ એક નક્કર હકીકત છે અને આ અવકાશયાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org