________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૩
૨૬૩
તેરાપંથી પ્રચારકોએ સૌરાષ્ટ્રમાં આરંભેલ કાર્યની વિશેષ અસર સ્થાનકવાસી સંપ્રદાય ઉપર થઈ છે, અને એની ચિંતા પણ તેમને જ વધુ થવા લાગી છે. એમ છતાં આ પ્રચારની થોડીઘણી અસર છે. મૂર્તિપૂજક સંપ્રદાય ઉપર પણ થઈ છે – ભલે પછી કોઈએ પોતાના સંપ્રદાયનું ખુલ્લે-ખુલ્લું પરિવર્તન ને સ્વીકાર્યું હોય.
- તેરાપંથી પ્રચારકો જો પંથ-પરિવર્તન કરાવવાની ઘેલછાથી અળગા રહીને, માત્ર ધર્મોપદેશ પૂરતી જ પોતાની પ્રવૃત્તિને મર્યાદિત રાખી શક્યા હોત, તો તેમની સામે વિશેષ કહેવાપણું ન રહેત. પણ સૌરાષ્ટ્રમાં તેઓએ જે રીતે કાર્ય કરવા માંડ્યું છે, તે જોઈને તેમની દાનતમાં સહેજે શંકા ઉત્પન્ન થાય તેમ છે. એટલે તેમના આ પંથપ્રચારની સામે યોગ્ય ઉપાય જરૂરી થઈ પડે છે.
આવા યોગ્ય ઉપાયની વિચારણા માટે, અમારા જેન”ના તા. ૭-૧૦-૧૯૫૦ના. અંકમાં તેરાપંથના પ્રચાર અંગે જે વિગતવાર સમાચાર છપાયા છે, તેમાંથી નીચેની બાબત અહીં રજૂ કરવી ઉચિત સમજીએ છીએ :
“મોરબીમાં અમુક દેરાવાસી અને સ્થાનકવાસી બહેનો હવે કહે છે, કે તેરાપંથી સાધુ બહુ જ ગરીબ સ્વભાવના છે; આપણા પેઠે ખટપટી અને શિથિલ નથી. આપણા કરતાં તેરાપંથી સાધુઓ ઘણો જ ઓછો પરિગ્રહ રાખે છે... જામનગરમાં તેરાપંથનો પાયો નખાયો છે. લોકો ઉપર અસર થઈ છે. જતે દહાડે જેમ બીજે બન્યું, તેમ સૌરાષ્ટ્રભરમાં મૂર્તિપૂજક સંપ્રદાય ભયમાં આવી પડશે. જે મારવાડમાં બન્યું, વાવમાં બન્યું, સુરતમાં બન્યું, તે જ સૌરાષ્ટ્રની પુણ્યભૂમિમાં બનશે. બની શકે, તો મૂર્તિપૂજક જૈનોએ સ્થાનકવાસી જૈનોની સાથે ખંભેખંભો મિલાવીને તેરાપંથીનો સામનો કરવો
જોઈએ.”
ઉપરનું લખાણ ખૂબ મહત્ત્વનું છે. તેમાં સૌરાષ્ટ્રમાં તેરાપંથના પ્રચારની વિગતો ઉપરાંત એ પ્રચારનાં કારણો સ્પષ્ટ રીતે જાણવા મળે છે. સાથે સાથે એ પ્રચારને અટકાવવાના સાચા ઉપાયનું ગર્ભિત સૂચન પણ એમાંથી જ મળી રહે છે.
એમાં દર્શાવ્યા મુજબ સૌરાષ્ટ્રના મૂર્તિપૂજકો અને સ્થાનકવાસીઓ સંગઠિત બને તો જરૂર આ કાર્ય સારી રીતે થઈ શકે એ ખરું, છતાં આ પ્રચારને અટકાવવાનો વધુ સબળ ઉપાય તો એ છે, કે આપણે આપણી ત્યાગની ભૂમિકાને ઉન્નત બનાવવી. સ્થાનકવાસી સાધુઓ કરતાં પણ શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુઓમાં પરિગ્રહ પ્રત્યેનો અનુરાગ વિશેષપણે જોવા મળે છે. બીજી બાજુ જૈનસંઘના સામાન્ય જનસમૂહની આર્થિક સ્થિતિ દિવસે-દિવસે ઘસાતી જાય છે. એ સ્થિતિમાં અલ્પપરિગ્રહી અને ત્યાગપરાયણ સાધુઓના જીવનની અસર જનતા ઉપર વધારે થાય એ સ્વાભાવિક છે. એટલે તેરાપંથી કે અન્ય સંપ્રદાયના પ્રચારને અટકાવવાનો ધરમૂળનો ઉપાય ત્યાગભાવના, નિષ્પરિગ્રહવૃત્તિ અને સાદાઈને વધુ ને વધુ અપનાવવી એ જ છે.
(તા. ૩૦-૧૨-૧૯૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org