________________
૨૧૬
જિનમાર્ગનું અનુશીલન અનુભવોના સંદર્ભમાં જો સ્થિર ચિત્તે વિચારે કે વિકાસોન્મુખ જીવનનો આધાર કામ છે કે સંયમ, તો એને સમજાશે કે ફ્રોઈડનો સિદ્ધાંત તો પૂર્વાર્ધ-માત્ર છે, તે અડધ અટકી જાય છે. એનાથી આગળના સત્ય સુધી ફ્રોઈડની નજર પહોંચતી નથી. જ્યારે આપણા આર્ષદ્રષ્ટાઓ કામને જીવનના અદમ્ય આવેગ તરીકેના પિછાણી શક્યા હતા; પણ એથી આગળનું તથ્ય પણ એમણે અનુભવ્યું હતું. તેઓ એ જોઈ શક્યા હતા, કે નાનો-મોટો દરેક સંસારી જીવ ચાર અદમ્ય ઉત્તઓ – આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ – થી પ્રેરાઈને જીવનસંઘર્ષ ચલાવી રહ્યો છે. છતાં, “એ પ્રાકૃતિક આવેગો છે' એમ કહીને, એ વૃત્તિઓને તાબે થઈ જવાની વાત એમણે ન કરી. “કામને જીતી શકાય કે નહિ ? જો જીતી શકાય, તો કઈ રીતે ?' – આ પ્રશ્નો પણ એમણે ઉઠાવ્યા હતા અને એના ઉત્તર મેળવ્યા હતા – માત્ર બૌદ્ધિક તર્કોમાં જ નહિ, પણ જીવનના અનુભવમાં પણ. આથી, અદમ્ય આવેગ ગણી લઈ કામને જીવનમાં છૂટો દોર આપવાની વાત કોઈ જ્ઞાની પુરુષે કદી કરી નથી.”
આ પછી અધ્યાત્મસાધના આવા પ્રાકૃતિક આવેગો અને વિકારોને કાબૂમાં લાવવામાં કેવી ઉપયોગી થઈ શકે છે તે અંગે તેઓ કહે છે –
“યોગ, અધ્યાત્મ કે સાચા ધર્મમાર્ગની નેમ જ સદા એ રહી છે, કે ક્રમશઃ સંયમ અને ઊર્ગીકરણ દ્વારા વાસનાના મૂળ સુધી પહોંચીને તેને જડમૂળથી નષ્ટ કેમ કરવી તે અંગે પથદર્શન કરવું. દબાયેલી કામવાસના એ ગ્રંથિઓની જન્મદાત્રી છે એ ખરું, પણ ખુદ કામવાસનાના મૂળમાં પણ એક ગ્રંથિ રહેલી છે. યોગ, અધ્યાત્મ ક્રમશઃ સંયમ અને ઊર્ધ્વકરણના માર્ગે થઈ એ ગ્રંથિ સુધી પહોંચીને એનો જ વિસ્ફોટ કરવાની પ્રક્રિયા ચીંધે છે. આધ્યાત્મિક સાધક એ પથદર્શનને અનુસરતો રહી, પ્રકૃતિ ઉપર વિજયનાં પદચિહનો મૂકતો આગળ વધે છે. કોઈ પ્રાકૃતિક આવેગને પોતાના જીવનનો સૂત્રધાર થવા દઈને યોગમાર્ગનાં શિખરો આંબવાની આશા તે ન રાખી શકે.”
અંતે યોગસાધનાના માર્ગે આગળ વધવા ઇચ્છતા સાધકને જરૂરી ચેતવણી આપતાં મુનિશ્રી અમરેન્દ્રવિજયજી સાચું જ કહે છે –
“કોઈ વ્યક્તિનું ગતજીવન વિલાસી હોય, અન્યાય, અનીતિ અને વાસનાઓથી ખરડાયેલું હોય, પણ એ દિશાએથી તે પાછી વળે અને ટૂંક સમયમાં જ સારો આત્મવિકાસ સાધી, જૂના સાધકોથી યે આગળ નીકળી જાય એની ના નથી; વ્યક્તિનો ભૂતકાળ ગમે તેવો હોય, પ્રશ્ન છે તેના વર્તમાન જીવનનો ઢાળ કેવો છે એનો. અનીતિમય જીવન અને ઇંદ્રિયોની નિરંકુશ પ્રવૃત્તિ ચાલુ રાખીને, કેવળ જ્ઞાનની શુષ્ક વાતો કે કહેવાતા ધ્યાનાભ્યાસના જોરે આત્મદર્શન સુધી પહોંચવાનો મનોરથ વિફળ જ રહેવાનો છે, એ વાત યોગમાર્ગે પગ મૂકનાર સાધક વેળાસર સમજી લે તે તેના હિતમાં છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org