________________
૨૧૪
જિનમાર્ગનું અનુશીલન એ પત્રિકામાં પણ એમણે જો આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી આ માટે શાસ્ત્રાર્થ કરવા માગતા હોય તો પોતે એ માટે તૈયાર હોવાનું લખ્યું હતું.
એમાં શાસ્ત્રાર્થની શરત તરીકે લખતાં પંન્યાસજીએ એટલું જ લખ્યું છે, કે “શાસ્ત્રાર્થની શરત એ છે કે ફેંસલો વાદીના (અમારા) તરફેણમાં આવશે, તો પ્રતિવાદી અમારી “શ્રી જિનપૂજાપદ્ધતિ' પુસ્તકને પ્રામાણિક રૂપે જાહેર કરશે અને ફેંસલો પ્રતિવાદીની તરફેણમાં હશે તો અમો અમારી આ કૃતિ(પુસ્તિકા)ને પાછી ખેંચી લઈશું.”
છેક ભૂતકાળથી જોઈશું તો શાસ્ત્રાર્થના માર્ગે કોઈ પણ પ્રશ્નનો, એકતાની સ્થાપના કરી શકે અને પ્રીતિનો વધારો કરી શકે એવો નિવેડો આવ્યો હોવાનું ભાગ્યે જ જાણી શકાય છે. એટલે જૈનસંઘની એક્તા અને ઉન્નતિની દૃષ્ટિએ શાસ્ત્રાર્થની વાતમાં અમે જરા ય રસ ધરાવતા નથી, અને એ માર્ગને ઉત્તેજન આપવામાં આવે એમ પણ ઇચ્છતા નથી.
આમ છતાં તિથિચર્ચાની બાબતમાં વારેવારે શાસ્ત્રાર્થનું ઉચ્ચારણ કરતા અને છેવટ સુધી એ વાતને વળગી રહેનાર આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી પંન્યાસજી મહારાજની શાસ્ત્રાર્થની આવી સ્પષ્ટ જાહેરાત સામે જે રીતે ચુપ થઈ ગયા એ વાત ખાસ નોંધપાત્ર છે.
આચાર્યશ્રીએ પોતાને માટે આવા કટુ શબ્દોનો પ્રયોગ કરવા છતાં પંન્યાસ કલ્યાણવિજયજીએ પોતાની પત્રિકામાં એમને માટે એક પણ કડવો શબ્દ વાપર્યો નથી એ બીના એ મુનિવરની સમતા અને મહાનુભાવતાનું સૂચન કરે છે. પંન્યાસજીએ પોતા પ્રત્યે કરવામાં આવેલ કટુ શબ્દપ્રયોગ માટે ફક્ત એટલું જ કહ્યું છે કે “શ્રી રામચંદ્રસૂરિજીએ શાસ્ત્રાર્થ માટેની તૈયારી ઉપરાંત સભામાં બે બીજાં પણ વાક્યો ઉચ્ચાર્યા છે, જેનું અમો કંઈ પણ મહત્ત્વ ગણતા નથી.”
આ બાબતમાં શાસ્ત્રાર્થ થાય કે ન થાય એ દૃષ્ટિએ અમે આ લખતા નથી. અમને પોતાને તો આવા મતભેદનો એકતાસાધક નિકાલ શાસ્ત્રાર્થને માર્ગે આવે એવી જરા પણ શ્રદ્ધા નથી. આમ છતાં, જો આવો શાસ્ત્રાર્થ થવાનો જ હોય, તો તે વિજિગીષ વૃત્તિથી પ્રેરિત નહીં પણ જિજ્ઞાસાપ્રેરિત અને સત્યશોધક જ હોવો જોઈએ.
અમારે અહીં જે કહેવું છે તે મુખ્યત્વે એટલું જ કે જરાક વિચાર-ભેદ થતાં આપણા મોટા ગણાતા આચાર્ય પણ જો આવા એક વિદ્વાનું અને સાધક મુનિવરને આવી રીતે ઉતારી પાડી શકે, તો માનવું રહ્યું કે આપણી સાંપ્રદાયિકતા અને રૂઢિચુસ્તતા આપણું પોતાનું જ અકલ્યાણ કરવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org