________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૬
૨૧૩
જો આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી ઈચ્છત, તો તેઓ શિષ્ટ શબ્દોમાં પણ પોતાના વિચાર વ્યક્ત કરી શકત. પણ જ્યાં પોતાનો દોષ જોવાની આત્મલક્ષી વૃત્તિના બદલે પોતાની કલ્પનાથી માની લીધેલા બીજાના દોષને મોટો બનાવીને રજૂ કરવાની દોષદર્શી વૃત્તિ કેળવાઈ ગઈ હોય, ત્યાં આવું જ બને !
એમણે જે કારણથી પ્રેરાઈને આવા કઠોર શબ્દો એક પવિત્ર વ્યક્તિને માટે ઉચ્ચાર્યા એ કારણનું થોડુંક પૃથક્કરણ કરવા જેવું છે.
પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીએ જિનપૂજાપદ્ધતિ' પુસ્તક લખીને પ્રભુપૂજાની અત્યારની પદ્ધતિમાં, પ્રાચીન પદ્ધતિ મુજબ ફેરફાર કરવાનું સૂચન કર્યું છે, એટલે કે છેલ્લાં વર્ષોથી આપણે ત્યાં જિનપૂજાની જે પદ્ધતિ રૂઢ થઈ ગઈ છે, તેમાં ફેરફાર કરવાનું એમણે સૂચન કર્યું છે.
આવું સૂચન કરવા માત્રથી જો પંન્યાસજી મહારાજનો તીવ્ર પાપોદય હોવાનું અને એમણે પોતાના ગુરુની પાટને કલંકિત કર્યાનું દોષારોપણ એમના ઉપર ઠડે કલેજે કરી શકાતું હોય, તો પર્વતિથિની ચાલી આવતી પરંપરાને દૂર કરીને નવી પરંપરા ઊભી કરનાર અને એવી નવી પરંપરાને નામે આખા તપગચ્છ સંઘમાં છિન્નભિન્નતાનું નિમિત્ત બનનાર અને ગામેગામ, શહેરે-શહેરે અને મહોલ્લે-મહોલ્લે તેમ જ ઘરે-ઘરે અને સાધુસાધ્વી-સમુદાય સુધ્ધાંમાં ક્લેશના હુતાશનનું કારણ બનનાર માટે શું કહેવું?
એ વાત સારી પેઠે જાણીતી છે કે પર્વતિથિના નવા મત માટેની સમર્થ દલીલો આશ્રી વિજયરામચંદ્રસૂરિજીને પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી પાસેથી જ મળી છે. એટલે છેવટે જો કૃતજ્ઞતા કે ગુણગ્રાહકદૃષ્ટિએ પણ આ વાતનો વિચાર કરવામાં આવ્યો હોત, તો આચાર્યશ્રી પંન્યાસજી માટે આવાં કઠોર વચનો ઉચ્ચારવાને બદલે એમ જ વિચારત કે જ્યારે આવા વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને સત્યશોધક મુનિવરે આ વાત કહી છે તો ચાલો, એના ઉપર સમભાવપૂર્વક, ગુણ-ગ્રાહક દૃષ્ટિએ વિચાર કરીએ.
“શ્રી જિનપૂજાપદ્ધતિ' પુસ્તક છપાયા બાદ તા. ૨-૨-૧૯૫૭ના “જૈન”ના, અંકમાં “શ્રી જિનપૂજાપદ્ધતિના પ્રત્યાઘાતો' શીર્ષકના લેખને અંતે પંન્યાસશ્રી કલ્યાણવિજયજીએ પોતે જ જાહેર કર્યું કે “આ સંબંધમાં કોઈ પણ વિદ્વાનું સાધુ, ગૃહસ્થ વ્યક્તિ રૂબરૂમાં શાસ્ત્રાર્થરૂપે ચર્ચા કરવા જણાવશે, તો અમો તૈયાર રહીશું.” | મુનિસંમેલનમાં આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ ઉપર પ્રમાણે કઠોર વચનો ઉચ્ચાર્યા બાદ ગત વર્ષના વિ. સં. ૨૦૧૪ના) ચાતુર્માસમાં પંન્યાસશ્રી કલ્યાણવિજયજીએ “શાસ્ત્રાર્થની ધગશવાળાઓએ અમારી સૂચનાનો સ્વીકાર કરવો જોઈએ” એ નામની એક પત્રિકા પ્રગટ કરી હતી. (આ લખાણ તે વખતના જૈનમાં પણ છપાયું હતું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org