________________
૧૭૬
જિનમાર્ગનું અનુશીલન
આપવાની બાબતમાં ગંભીરપણે વિચાર કરવામાં આવે એ અમને જરૂરી લાગે છે. ઇચ્છીએ કે આવી બાબતોનો વિચાર અને નિર્ણય કરી શકે એવી સમર્થ વ્યક્તિ શ્રીસંઘને માર્ગદર્શન આપવા આગળ આવે.
(તા. ૨૪-૯-૧૯૬૦ અને તા. ૮-૧-૧૯૭૭)
(૩૩) શ્રમણસમુદાયની નીહાર-વ્યવસ્થાનો પુનર્વિચાર
ધર્મનો હેતુ અશુદ્ધિને દૂર કરવાનો છે – મુખ્યત્વે ચિત્ત કે આત્માને મલિન કરતી આંતરિક અશુદ્ધિ. આમ છતાં, જ્યારે પણ આવી આંતરિક અશુદ્ધિઓનું નિવારણ કરવા માટે ઘડવામાં આવેલા શીલ-સંયમના પાલન માટેના નિયમો આસપાસ બાહ્ય ગંદગી કે અશુદ્ધિ ઊભી કરીને વાતાવરણને દૂષિત બનાવતા લાગે, ત્યારે સંઘના નાયકો તથા આગેવાનોએ એ બાબતનો વિચાર વિવેક, શાણપણ અને દૂરંદેશીથી કરીને, એનો સમયસ૨ ને સંતોષકારક નિકાલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. એમ કરવામાં આવે તો જ આપણું ધર્માચરણ બીજાઓની અપ્રીતિનું નિમિત્ત બનતું અટકી શકે અને ધર્મશાસનની હાંસી થતી પણ અટકે.
મોટે ભાગે શહેરોમાં સ્થિરતા કરતા મુનિરાજો તથા સાધ્વીજીઓના ઠલ્લામાત્રાના નિકાલનો પ્રશ્ન, સમયના વહેવા સાથે વધારે જટિલ, વધારે અપ્રીતિ જન્માવે એવો અને શાસનની નિંદા કરાવે એવો બનતો જાય છે. ગીચ વસતીમાં બનેલા ઉપાશ્રયોની આસપાસ રહેતા લોકોની સુખાકારીને નુકસાન પહોંચાડી રહેલ, અને, કેટલેક ઠેકાણે તો, ઉપાશ્રયોની નજીકમાં જ આવેલ દેરાસરોની આશાતનાનું પણ મોટું નિમિત્ત બનતા આ પ્રશ્નનો સત્વર વિચાર અને નિકાલ કરવાની ખાસ જરૂર છે. ગામડામાં અને ખાસ કરીને ગામ બહારના વસવાટમાં જ નભી શકે એવી આ પ્રથાને ગીચ વસ્તીવાળાં શહેરોની વચ્ચે પણ ચાલુ રાખીને આપણે આચારપાલનનો કેવો મહિમા સાચવી શકવાના છીએ ? આમ કરીને તો આપણે કેવળ આપણા જુનવાણી, જડ માનસને જ છતું કરીને જનસમૂહના અણગમાના નિમિત્ત બનીએ છીએ.
આ અંગેનો શ્રી ધનરાજ એન. ટોપીવાળાનો એક પત્ર અને તે ઉપર ‘પ્રબુદ્ધજીવન'ના તંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની નોંધ, તા. ૧-૨-૧૯૭૭ના ‘પ્રબુદ્ધજીવન'માં છપાયાં છે, તે વાંચવા-વિચારવા જેવાં હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ. પત્રલેખક લખે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org