________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૫
૧૨૭ મહાસાગરની જેમ એવું વિશાળ હોય કે એમાં દુનિયાનાં નાના-મોટા, ગરીબતવંગર કે ઊંચ-નીચ લેખાતા સર્વ કોઈ માનવીઓને સ્નેહ અને વાત્સલ્યભર્યું સમાન સ્થાન હોય, અને મારા-તારાપણાના વેરાવંચાને લેશ પણ અવકાશ ન હોય. શાસનના એકેએક અંગનાં સુખ-દુઃખના સાથી બનવા જેટલું તીવ્ર એમનું સંવેદન હોય અને શ્રીસંઘને તેમ જ સામાન્ય જનસમૂહને અભ્યદયને માર્ગે દોરવાની એમની ક્ષમતા હોય. ધર્મપ્રભાવના અને લોકકલ્યાણના મનોરથોથી ભર્યું-ભર્યું એમનું અંતર હોય, દીર્ઘદ્રષ્ટિ અને સમયજ્ઞતાથી વેધક બનેલી અને કોઈ પણ પ્રવૃત્તિના પરિણામને પારખી લેનારી એમની બુદ્ધિ હોય. આવા મહાપુરુષ જ શાસનના સાચા જ્યોતિર્ધર બનીને શાસનની સાચી પ્રભાવના કરી શકે અને સ્વ-પર-કલ્યાણના કર્તા બની શકે.
અલબત્ત, આચાર્યપદના મહિમાનો ખ્યાલ આપતું આ શબ્દચિત્ર બધા ય આચાર્ય મહારાજોની બાબતમાં સંપૂર્ણ સાચું પડવું જ જોઈએ એવો આગ્રહ આપણે ન સેવી શકીએ. આ ચિત્ર તો એક સાચા ધર્મનાક કે આચાર્યના મહત્તમ વિકાસનો ખ્યાલ આપવા માટે જ છે. આમ છતાં, એ પણ સાચું, કે આ ગુણો, આ શક્તિ અને આ મનોવૃત્તિમાં જેટલા પ્રમાણમાં ખામી હોય એટલા પ્રમાણમાં એ વ્યક્તિનું આચાર્યપણું ઝંખવાયા વગર ન રહે, અને શાસનરક્ષા અને શાસનપ્રભાવનાના કાર્યમાં પણ એનો અનિચ્છનીય પડઘો પડ્યા વગર ન રહે. છેવટે તો વ્યક્તિમાં પ્રગટ થયેલી ઓછીવધતી શક્તિ, બુદ્ધિ અને વૃત્તિ જ સંઘ કે સમાજને ખામીભરેલી કે યથાર્થ દોરવણી આપીને એની પીછેહઠ કે પ્રગતિનું નિમિત્ત બની શકે છે.
આજે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના હજાર-અગિયારસોની સંખ્યા ધરાવતા સાધુસમુદાયમાં પંચાવન-સાઠ જેટલા આચાર્ય મહારાજો વિદ્યમાન છે. એ સંખ્યા કંઈ નાનીસૂની ન ગણાય. સંઘમાં આટલા બધા આચાર્યો વિદ્યમાન હોવા છતાં આપણે ત્યાં અત્યારે જાણે કોઈ ધણીધોરી જ ન હોય એવી નિર્ણાયક સ્થિતિ પ્રવર્તે છે ! આચાર્યપદની અસરકારક છાયા આખા સંઘ ઉપર અને એથી આગળ વધીને ઇતર સમાજ ઉપર પડવાની વાત તો બાજુએ રહી, પોતપોતાના સાધુસમુદાય ઉપર પણ બહુ જ ઓછી પડે છે. સંઘ કે શાસન ઉપરના સંકટ વખતે કેટલીય વાર આપણે કેવી લાચાર સ્થિતિનો અનુભવ કર્યો છે ! અને શાસનના અંગરૂપ વ્યક્તિઓની આબાદી માટે આપણે ત્યાં કેટલા આછાપાતળા પ્રયત્નો થાય છે !
આનો ખુલાસો સ્પષ્ટ છે કે આવી મોટી પદવી મેળવવા માટેની યોગ્યતાનો યોગ થયા પછી જ આવી પદવી આપવી જોઈએ – એ પાયાની વાતને જ આપણે સારા પ્રમાણમાં વિસારી મૂકી છે. જે આચાર્યપદ સંઘની શક્તિ, એકતા અને અસ્મિતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org