________________
૧૧૦
જિનમાર્ગનું અનુશીલન આજના અતિ-પ્રવૃત્તિમય, અતિ-દોડધામથી ભરેલા અને અતિ આડંબરપ્રિય સાધુજીવનમાં આ ધ્યાન-મૌન-સ્વાધ્યાયની એકાગ્ર સાધના અતિવિરલ બની ગઈ છે. ઊંડું, વ્યાપક, સત્યશોધક, ગુણગ્રાહક અને આત્મચિંતનપૂર્ણ શાસ્ત્ર-અધ્યયન પણ અતિવિરલ બનતું જાય છે; એનું સ્થાન છીછરા, મનોરંજક કે અલ્પપ્રયત્નસાધ્ય વાચનલેખન-પ્રવચને લીધું છે. પરિણામે, મહાવ્રતોની આરાધના નામમાત્રની રહી ગઈ છે. આમાંથી જ શિથિલતાનો જન્મ થાય છે અને એ કંચન, કામિની અને કીર્તિ તરફની અભિરુચિરૂપે વ્યક્ત થાય છે.
ગૃહસ્થો-વ્યાપારીઓ જેમ ગુનો કરવા છતાં કાયદાની પકડમાં સપડાઈ ન જવાય એવી ખબરદારી રાખીને પોતાની લોભવૃત્તિને પોષે છે, એવી જ સ્થિતિ આજે સાધુસંઘની સંગ્રહશીલતાની થઈ રહી છે. એ તો ફક્ત અપરિગ્રહમહાવ્રતનું દેખીતું ખંડન ન થાય એટલું જ ધ્યાન રાખીને પુસ્તક, ગ્રંથમાળા, પેટી-પટારા-કબાટ, જ્ઞાનશાળા કે એવાં અન્ય બહાનાં નીચે ધનસંચય કરવા લલચાય છે અને પોતાના નામે ભલે એ ન રખાય, છતાં એના ઉપર પોતાનો જ કાબૂ રહે અને પોતાને ફાવે તેવો એનો ઉપયોગ કરી શકાય એવી ગોઠવણ કરે છે. આ રીતે ભલે અપરિગ્રહ મહાવ્રતનું સ્થૂળ રીતે પાલન થયું માની લેવાય, પણ ચિત્તમાં આસક્તિનો દોષ પ્રવેશી જાય છે અને છેવટે આ મહાવ્રત ખંડિત થયા વગર રહેતું નથી. શ્રી ઉમાસ્વાતિ વાચકે આસક્તિને જ પરિગ્રહ કહેલ છે (મૂચ્છ પરિપ્રદ:).
કામિની તરફનું એટલે કે ભોગવાસના તરફનું આકર્ષણ પણ આજના સાધુસમુદાયને શિથિલતા તરફ ધકેલી રહેલ છે; મર્યાદા વગરના લોકસંપર્કનું આ દુષ્પરિણામ છે. જો બધી જાતના સંપર્કોમાં મગ્ન રહેવા છતાં, તેમ જ ખાન-પાનના નિયમોનું અતિક્રમણ કરવા છતાં, બ્રહ્મચર્યની સાધના શક્ય હોત, તો સાધકો અને શાસ્ત્રકારોએ એને અતિદુષ્કર ન કહ્યું હોત.
વળી, કીર્તિની કામનાએ તો કેવાકેવા દોષો જન્માવ્યા છે ! સૌથી પહેલાં તો એણે સાધુજીવનની ખુમારી અને નિરીહતાનું ભક્ષણ કરીને જીવનમાં પામરતાને પેસારી દીધી છે. દાંભિક્તા એ કીર્તિની લાલસાનું જ સંતાન છે, અને જ્યાં દાંભિકતા હોય ત્યાં સાધુતા ટકી જ શી રીતે શકે ? કામની સહજપણે કીર્તિ મળે એ એક વાત છે અને કીર્તિને ખાતર જ કામ કરવામાં આવે એ સાવ જુદી વાત છે.
આમ વિવિધ રીતે સાધુસંઘમાં જે શિથિલતા પ્રવેશી છે, એ માટે દોષનો બધો ટોપલો એને જ શિરે નાખવો બરાબર નથી. એક હાથે તાળી ન પડે એમ શ્રાવક-શ્રાવિકા-સમુદાયના સાથ વગર આવું બને જ નહીં. આ વાત જરા વિગતે જોઈએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org