________________
૫૯૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
અનુમાન શબ્દ અને અર્થની વ્યાપ્તિ ઉપર આશ્રિત છે. અર્થનું શબ્દથી અનુમાન થાય છે. શબ્દ અર્થનું લિંગ છે. ઉપમાન શાબ્દિક જ્ઞાન જ છે. એ કોઈ વિશ્વસ્ત વ્યક્તિના કથન ઉપર આધાર રાખે છે. એમાં કોઈ જ્ઞાત વસ્તુનું કોઈ અજ્ઞાત વસ્તુથી સાદશ્ય જણાય છે. શબ્દ અનુમાન જ છે, તેથી ઉપમાન પણ અનુમાન જ થાય છે. આ પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રમાણનો જ આ દર્શન સ્વીકાર કરે છે.
(III) તત્ત્વમીમાંસા
પદાર્થવિચારણા
શ્રી કણાદ મુનિના મત અનુસાર પદાર્થોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ‘પદાર્થ’ શબ્દનો વાચ્યાર્થ પદ + અર્થ. પદ = શબ્દ, અર્થાત્ પદાર્થ એટલે શબ્દનો અર્થ. જેનો વિચાર કરી શકાય અને જેના વિચારને શબ્દમાં મૂકી શકાય તેનું નામ પદાર્થ. એટલે જે કંઈ છે, જેને અનુભવી શકાય છે અને જેને શબ્દો દ્વારા નિર્દેશી શકાય છે તે બધું પદાર્થ જ છે.
વૈશેષિક દર્શન પદાર્થોને નીચે પ્રમાણે સાત વિભાગોમાં વહેંચે છે
૧) દ્રવ્ય, ૨) ગુણ, ૩) કર્મ, ૪) સામાન્ય, ૫) વિશેષ, ૬) સમવાય અને ૭) અભાવ. તેમાંના પહેલા ત્રણ એ ખરેખર દ્રવ્યાત્મક છે, એટલે કે તેનું નક્કર અસ્તિત્વ છે. પછીના ત્રણ એટલે સામાન્ય, વિશેષ અને સમવાય એ માત્ર વૈચારિક તત્ત્વો છે. એ કેવળ બૌદ્ધિક ક્ષેત્રનાં જ સર્જન છે. મહર્ષિ કણાદે પહેલાં માત્ર આ છ પદાર્થો વર્ણવેલા; પાછળથી વૈશેષિક દર્શને ‘અભાવ’ નામના સાતમા પદાર્થનો પણ સ્વીકાર કર્યો છે.
-
-
-
Jain Education International
દ્રવ્ય એટલે જે ગુણ અને કર્મથી અલગ હોવા છતાં ગુણ અને કર્મનો આશ્રય તે પદાર્થ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન એમ નવ દ્રવ્યો છે. એમાંના પહેલાં ચાર એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ તથા વાયુ અને છેલ્લું એટલે કે મન આ પાંચે અણુઓનાં બનેલાં છે. પહેલાં ચાર સનાતન પણ છે અને ક્ષણિક પણ છે, અર્થાત્ સમવાયરૂપે ક્ષણિક છે અને મૂળ અણુરૂપે સનાતન છે. મન સનાતન છે, પરંતુ તે વિભુ એટલે કે વ્યાપક નથી. એ પણ અણુઓથી નિર્માયેલું છે. તેમાં એકસાથે એક જ વિચાર આવી શકે છે.
-
ગુણ એક ભાવાત્મક પદાર્થ છે, જે હંમેશાં દ્રવ્યનો આશ્રય લઈને રહે છે. દા.ત. ગુલાબની સુગંધ. નવે દ્રવ્યોમાં કુલ ૨૪ ગુણો છે, તે આ પ્રમાણે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ઘનતા, પ્રવાહિતા, મિશ્રતા, શુદ્ધતા, પુણ્ય, પાપ અને ધ્વનિ.
For Private & Personal Use Only
-
www.jainelibrary.org