________________
૫૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પાલનમાં ગૃહસ્થો માટે થોડીક છૂટ મૂકવામાં આવી છે. ગૃહસ્થ પાળવાનાં એ પાંચ વતો અણુવ્રત તરીકે ઓળખાય છે. એ પાંચ અણુવ્રતો ઉપરાંત ગૃહસ્થો (શ્રાવકો)એ ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવતો એમ બધાં મળીને બાર વ્રતોનું પાલન કરવાનું હોય છે.
સાધુઓએ અને ગૃહસ્થોએ પોતાનાં વ્રતોનું પાલન મન, વચન અને કાયાથી કરવાનું હોય છે. વળી કરવું, કરાવવું અને અનુમોદવું એ રીતે પણ આ વ્રતો પાળવાનાં હોય છે. સર્વવિરતિ ચારિત્રનું પાલન કરનાર સાધુઓએ પંચ મહાવ્રતોનાં પાલન ઉપરાંત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરિષહ, બાર ભાવના, દસ યતિધર્મ ઇત્યાદિનું પાલન કરવું પણ આવશ્યક છે.
સંપૂર્ણ કર્મક્ષય કરીને આત્મા મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. કેટલાક મહાન જીવાત્માઓ પુરુષાર્થ વડે ખૂબ ઊંચેની ભૂમિકા સુધી પહોંચે છે, પરંતુ પ્રમાદ, કષાય વગેરેના કારણે ફરી નીચેની ભૂમિકાએ આવી જાય છે. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ નીચામાં નીચા સ્તરથી મોક્ષપદપ્રાપ્તિ સુધીના માર્ગમાં અસંખ્ય ભૂમિકાઓ છે, જેનું મુખ્ય ૧૪ ભૂમિકામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને ગુણસ્થાનક અથવા ગુણશ્રેણી કહેવામાં આવે છે. આત્મશુદ્ધિના વિકાસક્રમના ૧૪ ગુણસ્થાન આ પ્રમાણે બતાવવામાં આવ્યાં છે – (૧) મિથ્યાત્વ ગુણસ્થાન -- આ ગુણસ્થાને વર્તતા જીવને દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાયની પ્રબળતા હોવાના કારણે તેને આત્મતત્ત્વ તરફ રુચિ થતી નથી. (૨) સાસ્વાદન ગુણસ્થાન – સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી જીવ જો પતિત થાય છે તો પહેલા ગુણસ્થાને જતાં પહેલાં આ ગુણસ્થાને અલ્પ સમય માટે અટકે છે અને ત્યારે સમ્યગ્દર્શનના સ્વલ્પ આસ્વાદવાળી ભૂમિકા તે પ્રાપ્ત કરે છે. આમ, આ ગુણસ્થાન જીવના વિકાસના ચડતા ક્રમમાં નથી આવતું, પરંતુ પતનના ક્રમમાં આવે છે. (૩) મિશ્ર ગુણસ્થાન – મિથ્યાત્વમાંથી નીકળી સમ્યગ્દર્શન પામતા પહેલાં આ ગુણસ્થાને જીવને વીતરાગકથિત ધર્મ પ્રતિ રાગ કે દ્વેષ બન્નેમાંથી એક પણ હોતા નથી. (૪) અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન – આ ગુણસ્થાને જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. અહીં અનંતાનુબંધી કષાયનો વેગ નથી રહેતો, પણ ચારિત્રશક્તિને રોકનાર સંસ્કારોનો વેગ રહે છે, તેથી તે વિરતિ ગ્રહણ કરી શકતો નથી. (૫) દેશવિરતિ ગુણસ્થાન - સમ્યગ્દર્શનના બળે આગળ વધતા જીવને આ ગુણસ્થાને અલ્પાંશે વિરતિ ઉત્પન્ન થાય છે. એક પચ્ચખાણથી માંડીને ૧૨ અણુવ્રત અને શ્રાવકની ૧૧ પ્રતિમા સુધીમાંનું જેટલું પાળી શકે તેટલું તે આદરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org