________________
૨૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
બહાર હોવું અને બહાર જ ભટકવું એના કરતાં મોટું દરદ બીજું કોઈ નથી. જેઓ પરથી ભિન્ન પોતાને જાણે છે, તેઓ જ પોતામાં સ્થિત થાય છે અને તેઓ જ સ્વસ્થ છે. અનાદિ કાળથી આજ પર્યંત અજ્ઞાની જીવને પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યનું ભાન થયું નથી. તેને જન્મોજન્મથી ભ્રાંતિ છે, વિપરીત માન્યતા છે કે ‘હું શરીર છું'. પોતે શરીર છે એવી ગાઢ માન્યતા તેને થઈ છે અને તેથી તે આત્મત્ક્રાંતિરૂપ રોગથી પિડાય છે.
આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે, જ્યારે શરીર જડત્વ લક્ષણથી લક્ષિત છે. શરીરમાં ક્ષણે ક્ષણે અનંતા પરમાણુઓ જોડાય છે અને છૂટાં પડે છે, પણ એકક્ષેત્રાવાહે રહેલા પુદ્ગલપિંડથી ચૈતન્યપિંડ તદ્દન જુદો હોવાથી આત્મામાં કાંઈ વધ-ઘટ થતી નથી. આત્મા અને શરીરની ભિન્નતાનું ભાન ન હોવાથી અજ્ઞાની જીવ શરીરની અવસ્થાઓને જ પોતાની અવસ્થા માને છે. તે દેહને પોતાથી ભિન્ન નથી માનતો, તે દેહને પોતાપણે માને છે.
જીવને જેમાં પોતાપણું લાગે છે, તેમાં જ તેને રુચિ થાય છે. અજ્ઞાની પોતાના સ્વભાવને ઓળખતો નથી, આત્મામાં પોતાપણું સ્થાપતો નથી અને દેહાદ પરપદાર્થોમાં પોતાપણું સ્થાપે છે, તેથી તેને એની જ રુચિ રહ્યા કરે છે. અજ્ઞાનદશામાં પોતાપણું દેહાદિ પદાર્થોમાં સ્થાપેલું હોય છે અને તેથી તેની રુચિ, તેનું વીર્ય આદિ તે દિશામાં વહે છે. પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં પોતાપણું સ્થાપિત કર્યું ન હોવાથી આત્મા પ્રત્યે વીર્ય ઉલ્લસતું નથી.
જીવ દેહાદિ પદાર્થોમાં પોતાપણું સ્થાપે અને આત્મામાં પોતાપણું ન સ્થાપે તો તેથી કંઈ દેહાદિ પદાર્થ પોતાના નથી થઈ જતા અને આત્મા પરાયો નથી થઈ જતો. જીવ અનાદિ કાળથી દેહાદિ પરપદાર્થોને પોતાના માને છે અને નિજ આત્માને પોતાનો નથી માનતો, પણ ન તો દેહાદિ પદાર્થ પોતાના થયા છે કે ન તો આત્મા પરાયો થયો છે. દેહાદિ નિકટ અને પરિચિત લાગવાથી તેને પોતાના માનવામાં આવે તોપણ તે પોતાના નથી બનતા અને આત્મા દૂર અને અપરિચિત લાગવાથી તેને પરાયો માનવામાં આવે તોપણ તે પરાયો નથી બનતો. જે પોતાના છે તેને પરાયા માનવાથી તે પરાયા નથી થઈ જતા અને જે પરાયા છે તેને પોતાના માનવાથી તે પોતાના નથી થઈ જતા, કેમ કે જે પોતાના છે તે ત્રિકાળ પોતાના જ છે અને જે પરાયા છે તે ત્રિકાળ પરાયા જ છે. જે પોતાના નથી તેને માટે જીવ ગમે તેટલો રાગ કરે, છતાં રાગ કરવાથી તે પોતાના નથી થઈ જતા. જે પોતાના છે તેને માટે જીવ ગમે તેટલો દ્વેષ કરે, છતાં દ્વેષ કરવાથી તે પરાયા નથી થઈ જતા. રાગનો ભ્રાંતિજન્ય સંબંધ સ્વપરના વાસ્તવિક સંબંધને કોઈ પણ રીતે પ્રભાવિત કરી શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org