________________
૫૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
દર્શનરૂપ ઉપયોગ જેનામાં હોય, સુખ-દુઃખની અનુભૂતિ જેનામાં હોય તે જીવ કહેવાય છે. તે કદી ઉત્પન્ન થતો નથી કે મૃત્યુ પણ પામતો નથી. તે નિત્યજ્ઞાનમય છે. જીવો અનંત છે અને પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. શરીરથી આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર છે. આત્મા ન તો પુદ્ગલોથી ઉત્પન્ન થાય છે, ન તો તેની સાથે નષ્ટ થાય છે. વળી, તે દેહપરિમાણ છે, અર્થાત્ તે રૂપરહિત અમૂર્ત હોવા છતાં દેહ જેટલો જ વિસ્તાર ધરાવે છે. જે દેહમાં પોતે રહ્યો હોય તે દેહના પરિમાણ પ્રમાણે જીવ સંકોચ-વિસ્તારનું ભાજન થાય છે. દીવો નાના પાત્રમાં મૂકવામાં આવે કે મોટા ખંડમાં મૂકવામાં આવે તોપણ પોતાના પ્રકાશથી તે આખું સ્થળ ભરી દે છે, તેમ આત્મા કીડીના શરીરમાં કીડી જેટલું અને હાથીના શરીરમાં હાથી જેટલું પરિમાણ ધારણ કરે છે.
આત્મા પોતાનાં કર્મનો કર્તા અને તેનાં ફળનો ભોક્તા છે. આત્મા ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તેનું કર્તાપણું ચાર પ્રકારે બતાવવામાં આવ્યું છે. સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે, વિભાવપરિણતિએ રાગ-દ્વેષાદિનો કર્તા છે, અનુપચરિત વ્યવહારનયે દ્રવ્યકર્મનો કર્તા છે અને ઉપચરિત વ્યવહારનયે ઘર-નગર આદિનો કર્તા છે. વળી, કર્મનો ભોક્તા હોવાથી, જેમ વિષ ખાવાથી વિષનું ફળ અને સાકર ખાવાથી સાકરનું ફળ પ્રાપ્ત થાય છે, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે; અર્થાત્ આત્મા જે શુભાશુભ ભાવ કરે છે તેના ફળરૂપે પોતે સુખ-દુઃખ અવશ્ય ભોગવે છે. વળી, કર્મ કરવું અને ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી, તેથી તે ટળી શકે છે. સર્વ કર્મનો આત્યંતિક અભાવ થાય ત્યારે આત્મા મોક્ષપદને પામે છે.
આમ હોવાથી જૈન ગ્રંથોમાં જીવોના બે પ્રકાર બતાવ્યા છે - મુક્ત અથવા સિદ્ધ અને બદ્ધ અથવા સંસારી. જે જીવો સર્વથા કર્મક્ષય કરી કર્મરહિત થયા હોય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ ચાર ગુણોથી યુક્ત હોય તથા જન્મ-મરણના પરિભ્રમણમાંથી સદાને માટે મુક્ત થઈ સિદ્ધાત્મા બન્યા હોય, તે જીવો સિદ્ધ (મુક્ત) છે. જે જીવો કર્મબંધનના કારણે દેહ ધારણ કરી, જન્મ-મરણરૂપી સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે, તે સંસારી (બદ્ધ) જીવો છે. સંસારી જીવોની ચાર પ્રકારની ગતિ હોય છે - મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક જીવો જ્યાં સુધી મુક્ત થતા નથી, ત્યાં સુધી પોતાના કર્મ પ્રમાણે આ ચાર ગતિઓમાં જન્મ ધારણ કરે છે, આયુષ્ય પૂર્ણ થાય ત્યારે મૃત્યુ પામે છે અને ફરી નવો જન્મ ધારણ કરે છે અને એ પ્રમાણે તેઓ સંસારમાં સતત પરિભ્રમણ કર્યા કરે છે.
સંસારી જીવોના બે પ્રકાર છે - સ્થાવર અને ત્રસ. જે જીવો પોતાની ઇચ્છાથી ગતિ કરી શકતા નથી તે સ્થાવર કહેવાય છે. જે જીવો પોતાની ઇચ્છાથી હાલી-ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org