________________
૫૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ભગવંતો આહાર કરે કે કેમ અને તેઓ આહાર કરે તો તે કવલ આહાર હોય કે લોમ આહાર હોય એ વિષે બન્ને સંપ્રદાયોના પૂર્વાચાર્યોએ બહુ વિગતવાર ચર્ચા કરી છે. બન્ને પક્ષના આચાર્યોએ પોતપોતાના પક્ષના સમર્થન માટે સબળ દલીલો કરી છે.
શ્વેતાંબર અને દિગંબરો વચ્ચે આચારના અને બીજા નાના નાના ૮૪ જેટલા મતભેદો છે. એમાંથી કેટલાક નીચે મુજબ છે - શ્વેતાંબરો માને છે કે શ્રી ઋષભદેવ ભગવાનનાં માતા મરુદેવીને ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થયું હતું અને આ અવસર્પિણીમાં મોક્ષે જનાર સૌ પ્રથમ તેઓ જ હતાં. દિગંબરો સ્ત્રી મોક્ષ ન પામી શકે એવું માનતા હોવાથી આ વાતને સ્વીકારતા નથી. તેઓ માને છે પ્રથમ મોક્ષે જનાર શ્રી બાહુબલિજી હતા. એટલે દિગંબરોમાં શ્રી બાહુબલિજીની પૂજાનું મહત્ત્વ વિશેષ છે. શ્વેતાંબરો માને છે કે ભગવાન મહાવીરે ગૃહસ્થપણામાં લગ્ન કર્યા હતા અને એમને પ્રિયદર્શના નામની એક પુત્રી હતી, જેના લગ્ન જમાલી સાથે થયા હતા. દિગંબરો માને છે કે ભગવાન મહાવીરે લગ્ન કર્યા જ ન હતા, એટલે સંતાનનો પ્રશ્ન રહેતો નથી. શ્વેતાંબરો ૪૫ આગમોને માન્ય રાખે છે. દિગંબરો આ આગમોને માન્ય રાખતા નથી. તેમનું કહેવું છે કે પહેલા દુકાળ પછી આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના કાળધર્મ સાથે શ્રુતજ્ઞાન વેરવિખેર થઈ ગયું હતું. જે ૪૫ આગમો હાલ ઉપલબ્ધ છે તે તો તેનું નવસંસ્કરણ છે.
દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયના સમન્વયરૂપ યાપનીય નામનો એક સંપ્રદાય પ્રવર્તો હતો. એનો પ્રાદુર્ભાવ ક્યાં અને ક્યારે થયો હતો તે વિષે સંશોધકોમાં જુદા જુદા મત પ્રવર્તે છે. એક મત પ્રમાણે એની સ્થાપના ઈ.સ. ૧૪૮માં થઈ હોવાનું મનાય છે. કર્ણાટકમાં બેલગામ જિલ્લામાં આ યાપનીય સંઘ સવિશેષ પ્રચલિત રહ્યો હતો. અન્ય મત પ્રમાણે એની સ્થાપના ઉત્તર ભારતમાં થઈ હતી. આ સંઘ સ્ત્રીમુક્તિ અને કેવલીના આહારને માન્ય રાખતો હતો. તે મુનિઓની દિગંબર અવસ્થાને સ્વીકારતો હતો, પણ વસ્ત્રવાળા સાધુઓનો વિરોધ કરતો ન હતો. નગ્નતાથી જ મોક્ષ છે એવો આગ્રહ આ સંઘે છોડી દીધો હતો. આ સંઘ કેટલાક સૈકાઓ સુધી પ્રચલિત રહ્યો હતો. તે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં ફેલાયો હતો.
શ્વેતાંબરોમાં ઈ.સ.ના છઠ્ઠા-સાતમા સૈકામાં એક મહાન આચાર્ય થઈ ગયા. એમનું નામ આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજી. એમના ૮૪ જેટલા મુખ્ય સમર્થ શિષ્યો હતા. તે બધા શિષ્યો આચાર્યની પદવી ધરાવતા હતા અને તે દરેકનો શિષ્ય-પ્રશિષ્યનો મોટો સમુદાય હતો. આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજીએ બધા જ ક્ષેત્રોને લાભ મળે એ દૃષ્ટિએ પોતાના આ મુખ્ય શિષ્યોને વિહાર માટે ક્ષેત્રો વહેંચી આપ્યાં. સમય જતાં એ શિષ્યોના શિષ્યો-પ્રશિષ્યોની પરંપરામાં સમાચારીમાં થોડો થોડો ફરક પડતો ગયો અને તે બધા સમુદાયો ગચ્છ તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે એક કાળે ૮૪ જેટલા ગચ્છો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org