________________ 474 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે, નાશ પામે છે. તત્ત્વરસિક સજ્જન આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ જાહ્નવીમાં નિમજ્જન કરી, તત્ત્વસુધારસપાનનો આસ્વાદ લઈ ધન્યતા અનુભવે છે. આ વિશિષ્ટ ગ્રંથથી જ્ઞાનયોગના રસિકોને અપૂર્વ આનંદ સાથે એક અગત્યની પૂર્તિ થયાનો અનુભવ થાય છે. અસાધારણ તેજસ્વિતા અને બુદ્ધિના સ્રોતરૂપ શ્રીમનો આ ગ્રંથ પૃથ્વી ઉપર સુપાત્ર જીવોને સંપત્તિરૂપ થઈ પડ્યો છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' તાત્ત્વિક તેમજ બોધદાયી છે, જે જિજ્ઞાસુઓને અનેક રીતે તત્ત્વગ્રહણ કરાવનાર તથા પ્રેરણાદાયી બને તેમ છે. તે ખૂબ જ સુંદર તથા વેધક પ્રકાશ પાડનાર અને તત્ત્વચિંતનને પ્રોત્સાહન આપનાર સતુશાસ્ત્ર છે. તે તત્ત્વજિજ્ઞાસુ વર્ગની જિજ્ઞાસાઓને સંતોષી શકે એવું સમૃદ્ધ અને ચિંતનસભર છે, જેના ઉપરથી શ્રીમનાં અભ્યાસ, ચિંતન-મનનનો સુંદર પરિપાક સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. વિશાળ જ્ઞાન અને અનુભવ વગર આટલી ઉચ્ચ કોટિનો બોધ આવી શકે નહીં. તેમના જ્ઞાનયોગના પ્રભુત્વ દ્વારા આ ગ્રંથ અતિ ઉચ્ચ કોટિનો રચાયો છે. જીવોને વૈરાગ્યવાસિત કરી, જ્ઞાન પમાડી, સંસારદુ:ખમાંથી મુક્ત કરવાના હેતુથી શ્રીમદે આ ઉપદેશ આપ્યો છે. અન્ય આત્માઓ સદ્ધર્મસમ્મુખ બને, શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે તે અર્થે તેમણે જ્ઞાનયોગના વિવિધ વિષયોને આ ગ્રંથમાં આવરી લીધા છે. તેમણે જે જાણ્યું, માણ્યું અને અનુભવ્યું, તે તેમણે વર્ણવ્યું છે. શ્રીમદ્દ સાધનાના ક્ષેત્રમાં જે અનુભવ થયો, તેનું તેમણે આ ગ્રંથમાં નિરૂપણ કર્યું છે. જે જ્ઞાનપ્રાપ્તિ તેમણે કરી, તેને તેમણે અક્ષરબદ્ધ કરી પોતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. આ શાસ્ત્ર માત્ર અઠ્યાવીસ વર્ષની યુવાન ઉંમરે રચાયું છે, જે તેમની અદ્વિતીય સર્જનપ્રતિભાને આભારી છે. પંડિત સુખલાલજી લખે છે કે - મેં પ્રથમ પણ અનેક વાર “આત્મસિદ્ધિ' વાંચેલી અને વિચારેલી, પરંતુ છેલ્લે છેલ્લે આ લખું છું ત્યારે વિશેષ સ્થિરતા અને વિશેષ તટસ્થતાથી એ વાંચી, એના અર્થો વિચાર્યા, એના વક્તવ્યનું યથાશક્તિ મનન અને પૃથક્કરણ કર્યું, ત્યારે મને લાગ્યું કે આ “આત્મસિદ્ધિ' એ એક જ ગ્રંથ એવો છે કે તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારણા અને સાધનાનું ઊંડામાં ઊંડું રહસ્ય આવી જાય છે. જે ઉંમરે અને જેટલા ટૂંક વખતમાં શ્રી રાજચંદ્ર “આત્મસિદ્ધિ'માં પોતે પચાવેલ જ્ઞાન ગૂંચ્યું છે તેનો વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડો વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રન્થરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે.૧ 1- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org