________________
૧૫
ગાથા-૧૨૮ નિશ્ચયથી સાધનામાં ઊંડાણ આવે છે. આત્મસ્વરૂપનો નિર્ણય કરવાની નિષ્ઠા ન હોય તો ગમે તેટલાં વ્રત-તપાદિ કરવામાં આવે પણ સાધનામાં ઊંડાણ આવતું નથી, આત્મસ્વરૂપ પ્રગટતું નથી.
જીવ વ્રતાદિ કરીને અનંત વાર સ્વર્ગે ગયો, પણ આત્માને ઓળખ્યો ન હોવાથી કલ્યાણ થયું નહીં. આત્માની સમજણ વિના તેને પરમ આનંદનું કારણ એવી આત્માની પ્રસિદ્ધિ ન થઈ, પણ રાગની જ પ્રસિદ્ધિ થઈ. તેણે વ્રતાદિ કર્યા પણ તેને અંતરમાં આત્માનો મહિમા આવ્યો નહીં. “અહો! આ તો મારા આત્માની કોઈ અપૂર્વ વાત છે, અનંત શક્તિસંપન્ન મારા આત્માની આ વાત છે' એમ જીવ ઉલ્લાસપૂર્વક પોતાના આત્માની વાતનું શ્રવણ કરી આત્માનો યથાર્થ નિર્ણય કરે તો અનંત કાળથી અપ્રસિદ્ધ રહેલો એવો આત્મા જરૂર પ્રસિદ્ધ થાય. કેવળ બાહ્ય ક્રિયાઓ કરવાથી આત્મપ્રસિદ્ધિ થતી નથી,
અજ્ઞાની જીવ આત્માની યથાર્થ શ્રદ્ધા કરતો નથી અને કેવળ બાહ્ય સાધનોને જ ધર્મ માની તેમાં અટકી જાય છે, અંતર્મુખ થતો નથી. તે રૂઢિગતપણે, આત્મજાગૃતિના અભાવપૂર્વક એ ક્રિયાઓમાં પરોવાઈ જાય છે, સંતોષાઈ જાય છે અને તેથી તેને ધર્મ થતો નથી. તેની પૂજા, તપ, ત્યાગ, વ્રત, દાન, યાત્રા આદિ આત્માના લક્ષ વિનાની પ્રવૃત્તિઓ, ઊંધા અભિપ્રાયના સદ્ભાવમાં નિષ્ફળ જાય છે. યથાર્થ પ્રકારે નિર્ણય ન કર્યો હોવાથી અનાદિ વિપરીત અભિપ્રાય યથાવત્ રહે છે અને સર્વ ક્રિયાઓ નિરર્થક જાય છે.
વસ્તુસ્થિતિ એવી છે કે અભિપ્રાયમાં જરાક પણ વિપર્યા હોય તો સમ્યકત્વની પ્રાપ્તિ નિતાંત અસંભવ છે, તેથી પોતાની સર્વ શક્તિ બધા જ પ્રકારના વિપર્યાસોને ટાળવામાં લગાવવી શ્રેયસ્કર છે. પ્રથમ અભિપ્રાયની ભૂલ ટાળવી ઘટે છે. જીવનો અભિપ્રાય મિથ્યા છે, ખોટો છે. તેણે પોતાનું જેવું સ્વરૂપ છે તેવું માન્યું નથી. દરેક જીવ પોતાની અભિપ્રાયની ભૂલના કારણે જ અનંત સંસારનું પરિભ્રમણ કરી રહ્યો છે. તે પોતે પોતાની ભૂલ સુધારીને અનંત પરિભ્રમણનો નાશ કરી શકે છે અને તેથી જ જીવે અભિપ્રાયની ભૂલ સુધારવી ઘટે છે, પોતાની વિપરીત માન્યતાઓ સુધારવી ઘટે છે. જીવે અનાદિ કાળથી ચાલી આવેલી પોતાની મિથ્યા માન્યતાઓને બદલવાની છે. મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે. એને પ્રથમ ગાળવાનું છે. જો એમ કરવામાં ન આવે તો વિપરીત સમજણના કારણે મહા અનર્થ થાય છે. માટે જીવે યથાર્થ નિર્ણય દ્વારા મિથ્યાત્વનો નાશ કરવો ઘટે છે. જે જીવ સમ્યક્ નિર્ણય અર્થે છ પદનો અભ્યાસ કરે છે, તે જીવનો મિથ્યાત્વભાવ ક્ષણે ક્ષણે મંદ પડતો જાય છે. છ પદની સમજણ વડે પોતાની અનાદિની અભિપ્રાયની ભૂલ ટળતાં જીવનું કલ્યાણ થાય છે. સત્ય માર્ગ પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org