________________
આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૪૨૯
‘એવી આ નિરૂપમ કૃતિ કર્તા પુરુષની અનુભવવાણી છે. આત્મોપનિષદ્ છે, આગમોનો સુગમ તત્ત્વસાર છે, શાસ્ત્રોનો અજોડ નિચોડ છે. એમાં ષગ્દર્શનનો સાર છે, આધ્યાત્મિક જીવનનું પરમ ઉત્કૃષ્ટ રહસ્ય છે, આત્મધર્મનો અગમ્ય મર્મ છે. મતાગ્રહને તેમાં સ્થાન નથી. સંપ્રદાયની તેમાં ગંધ નથી, વિરોધને અવકાશ નથી. પવિત્ર જિનાગમનો પવિત્ર સાર હોવા છતાં તેમાં માત્ર અમુક જ પારિભાષિક શબ્દપ્રયોગના અપવાદ સિવાય સર્વ ધર્મને માન્ય થાય એવી અદ્ભુત ચમત્કારિક શૈલીથી લખાયેલા આ ગ્રંથની ચમત્કૃતિ પણ અદ્ભુત છે.’૧
(૨) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - ષડ્દર્શનનો સાર
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અનન્ય ભાવપૂર્ણ ગુરુશિષ્યસંવાદથી છ પદનો અપૂર્વ નિશ્ચય કરાવતાં શ્રીમદે અત્યંત અલ્પ શબ્દોમાં ષડ્દર્શનનું શાબ્દિક ચિત્ર ખડું કર્યું છે અને છ પદમાં દરેક દર્શન કઈ રીતે સમાવિષ્ટ થાય તેનો ઉકેલ પણ આપ્યો છે. અધ્યાત્મના ઊંડા રહસ્યની અનુભૂતિ કરનાર શ્રીમદે જૈન, બૌદ્ધ, સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક, પૂર્વ મીમાંસા ઉત્તરમીમાંસા અને ચાર્વાક એ છ દર્શનોનો સમન્વય સાધ્યો છે.
આ ગ્રંથમાં શ્રીમદે આત્માનું સ્વરૂપ સમજાવવા જૈન સિદ્ધાંતની નજરે છ પદની તલસ્પર્શી ગૂંથણી કરી છે. અન્ય દર્શનોના વિચારોના નિદર્શન સાથે જૈન દર્શનની દૃષ્ટિએ છ પદનું સ્વરૂપ તેમણે અતિશય સ્પષ્ટતાપૂર્વક અને સચોટતાપૂર્વક પ્રગટ કર્યું છે. તેમણે ષડ્દર્શન અંતર્ગત આત્મા સંબંધી વિચારણાની આમૂલાગ્ન અને સમન્વયકારી રજૂઆત કરી છે. દર્શનો વચ્ચેના મતભેદમાં ન પડતાં આત્મા તરફ લક્ષ દોરાઈ શુદ્ધાત્મતત્ત્વ યથાર્થ સ્વરૂપે સમજાય તે અર્થે શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છએ દર્શનોનો તાત્ત્વિક સમન્વય સાધ્યો છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે શ્રીમદ્ જેવા અધ્યાત્મયોગી પુરુષે દાર્શનિક ગ્રંથની રચના શા માટે કરી હશે? દર્શન અને અધ્યાત્મનો શો સંબંધ છે? તેનો ઉત્તર એ છે કે જેને શુદ્ધ સ્વરૂપમાં જ સ્થિર થવાનું લક્ષ્ય હોય તે સાધક માટે આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની વર્તમાન અવસ્થા વગેરે વિષયનું જ્ઞાન આવશ્યક છે. આ આત્મતત્ત્વનું જ્ઞાન દર્શનશાસ્ત્રોના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે છે. દર્શનશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન દાર્શનિકો પોતાની અપેક્ષાએ જીવ, જગત અને ઈશ્વરનાં સ્વરૂપને દર્શાવે છે. દર્શનશાસ્ત્રોના અધ્યયનથી સાધકને જીવાદિ સંબંધીનું જ્ઞાન મળે છે. આમ, દર્શનશાસ્ત્રનું જ્ઞાન તેને અધ્યાત્મમાર્ગમાં સહાયક નીવડે છે. આવા દીર્ઘ વિચારપૂર્વક જ અધ્યાત્મનિષ્ઠ પુરુષોએ ૧- શ્રી ભોગીલાલ ગ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', બીજી આવૃત્તિની પ્રસ્તાવના, પૃ.૧૮-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org