________________
ગાથા-૧૪૨
૩૬૧ આત્મા જ દેખાય. દૃષ્ટિનું ભેદક સામર્થ્ય પ્રગટ કરવાથી દેહદેવાલયમાં બિરાજમાન ભગવાન આત્મા દેખાય છે.
જેમ મંદિરમાં બિરાજમાન ભગવાનનાં દર્શન કરવા હોય તો મંદિરમાં જવું પડે છે. મંદિરને જોવું તો પડે છે, પણ જો ત્યાં જઈને મંદિર જ જોયા કરવામાં આવે તો ભગવાનનાં દર્શન ન થાય. જો ભગવાનનાં દર્શન કરવા હોય તો મંદિરને જોઈને, મંદિરને જોવાનું બંધ કરીને, ભગવાનને જોઈએ તો જ ભગવાનનાં દર્શન થાય; તેમ દેહદેવળમાં બિરાજમાન ભગવાન આત્માનાં દર્શન કરવા માટે દેહને પણ જોવો તો પડે છે, પરંતુ દેહને જોઈને, દેહને જોવાનું બંધ કરીને, ભગવાન આત્માને જોવાનો પ્રયત્ન કરવામાં આવે તો જ ભગવાન આત્માનાં દર્શન થાય છે. દેહને જોવામાં પણ દેહને જોવાનો ઉદ્દેશ નથી હોતો, પણ ભગવાન આત્માને જોવાનો જ ઉદ્દેશ હોય છે; તેથી દેહને જોવા ઉપરાંત દેહને જોવાનું બંધ કરીને, તેમાં વિદ્યમાન ભગવાન આત્માને જોવાનો અપૂર્વ રુચિપૂર્વક ઉઝ પુરુષાર્થ કરવામાં આવે છે ત્યારે ભગવાન આત્માનાં દર્શન અવશ્ય થાય છે.
આ બિલકુલ અસંભવ નથી. તીવ રુચિવાળા ઉગ પુરુષાર્થીને માટે બધું જ સંભવિત છે. પ્રબળ પ્રયત્ન કરવાથી તે શક્ય બની જાય છે. યથાર્થ અભ્યાસ કરતાં દષ્ટિ દેહ ઉપરથી ઊઠી નિજસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. જે જીવ તીવ્ર લગનીપૂર્વક આત્માનો અભ્યાસ કરે છે તેને આત્માનો અનુભવ થાય છે અને તે કર્મકૃત વ્યક્તિત્વને વીંધીને પોતાના વાસ્તવિક તત્ત્વને જ્ઞાયકરૂપે ઓળખી લે છે.
જીવને પોતાના સત્ય સ્વરૂપનો પ્રત્યક્ષ પરિચય મળતાં, અર્થાત્ પોતાના અલૌકિક અવિનાશી આત્મસ્વરૂપની અનુભૂતિ થતાં મુક્તિની લહેરનો સ્પર્શ અનુભવાય છે. નિજપદની ઉપલબ્ધિ થતાં સ્વયં અંગેનું અપૂર્વ ભાન પ્રગટે છે. જીવને અનુભવપૂર્વકની પ્રતીતિ થાય છે કે પોતે શુદ્ધ ચેતનારૂપ, રાગ-દ્વેષરહિત ચૈતન્યસ્વભાવી છે. તે બહારથી પહેલાંની જેમ જ દેખાતો હોવા છતાં, હવે તે એ જ નથી રહેતો કે જે પૂર્વે હતો. એક વાર પણ જીવને આત્માનો અનુભવ થઈ જાય તો તે એ જ વ્યક્તિ નથી રહેતી. તેનો બીજી વાર જન્મ થાય છે. એક નવું આંતરિક જીવન શરૂ થાય છે.
પહેલાં અજ્ઞાનાવસ્થામાં દેહથી તાદાભ્ય કર્યું હતું, પરંતુ પરિઘ ઉપરથી હટી કેન્દ્રમાં સ્થિતિ થતાં જ્ઞાનીને એ ગહન તથ્યનો સ્વાનુભવસિદ્ધ બોધ થાય છે કે પોતે પૂર્વે જેમાં પોતાપણું સ્થાપ્યું હતું એમાંનું કંઈ જ નિજાત્મામાં નથી. તે બધાથી પોતે સર્વથા ભિન્ન છે. પોતે દેહ નથી. દેહની પલટાતી અવસ્થાઓથી પોતે ભિન્ન છે એવી પ્રતીતિ થઈ હોવાથી તેઓ કર્મકૃત વ્યક્તિત્વથી ઉપર ઊઠે છે. દેહનાં પરિવર્તનો વચ્ચે તેઓ પોતાને એક અખંડ સત્તારૂપે જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org