________________
૨૭૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
ધારણ કરી અને તેને જ ધર્મારાધન માન્યું છે; પરંતુ નરકાદિ ભયથી, લાચારીથી કે અન્ય કોઈ લૌકિક હેતુથી રખાતી ક્ષમા તે તાત્ત્વિક ક્ષમા નથી. સ્વરૂપની સમજણપૂર્વકની ક્ષમા તે જ તાત્ત્વિક ક્ષમા છે. સાચી ક્ષમા તો તે જીવની જ કહેવાય કે જે જીવ સામી વ્યક્તિને મારી હટાવવાની તાકાત હોવા છતાં પણ, ‘ક્ષમા એ તો મારો સહજ સ્વભાવ છે, હું તેને છોડીને તેનાથી વિરુદ્ધ, એટલે કે ક્ષમા ગુણને ઘાત કરનાર એવા ક્રોધભાવને શા માટે આદરું?' એમ વિચારીને તે ક્ષમા ધારણ કરે છે. ક્રોધ ઉત્પન્ન થવાનું નિમિત્ત મળતાં ‘આ મારી સાધનાની પરીક્ષાનો અવસર છે તેથી મારે જાગૃત રહેવું જોઈએ', હું મુમુક્ષુ થઈને પણ જો જગતના જીવોની જેમ દુર્વચનાદિથી પ્રત્યુત્તર આપું તો હું પણ તેમના જેવો જ કરું, મારા મુમુક્ષપણાની શી વિશેષતા રહે?' ઇત્યાદિ યથાર્થ વિચારસરણીને અનુસરીને મુમુક્ષુ જીવ લોકોત્તર ક્ષમા ધારણ કરે છે. આમ, મુમુક્ષુના હૃદયમાં ક્ષમાભાવના સદા જાગૃત રહે છે. (૫) “સત્ય”
જે સાચું હોય તે સત્ય. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું જાણી તે પ્રમાણે કહેવું તે સત્ય કથન છે. વસ્તુ જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે તેને જાણવાવાળું જ્ઞાન સત્ય છે, માનવાવાળી શ્રદ્ધા સત્ય છે, કહેનારી વાણી સત્ય છે અને તદનુકૂળ પરિણમન કરવાવાળું આચરણ સત્ય છે.
અધ્યાત્મસાધનાનું ધ્યેય આત્મશુદ્ધિ છે. આત્મશુદ્ધિનો ઉપાય આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાનનો ઉપાય આત્મવિચારણા છે. આત્મવિચારણાના અભ્યાસ માટે અનાત્મવિચારણા છોડવી જોઈએ. જ્યાં સુધી અનાત્મસ્વરૂપ જગતના જડ પદાર્થોને સત્યસ્વરૂપે માનવામાં આવે ત્યાં સુધી વિચારની ધારા આત્મા તરફ વળવી વિકટ છે. દુનિયાના સર્વ પદાર્થો વિનાશી - ક્ષણભંગુર હોવાથી આત્મકલ્યાણની દૃષ્ટિએ અસત્ય છે અને એક શુદ્ધ આત્મા જ વાસ્તવિક સત્ય છે' એમ જે જાણે-માને અને સ્વાત્માને ભજે તે મુમુક્ષુને આત્મશુદ્ધિની પ્રાપ્તિ થાય છે.
ઉપાસવા યોગ્ય એવી સર્વસ્તુ માત્ર એક આત્મા જ છે. તે સહુના લક્ષ વિના, તેના આદર વિના, જે કાંઈ બોલાય છે તે પરમાર્થથી અસત્ય વચન જ છે. પરમાર્થસત્યને સમજાવતાં શ્રીમદ્ કહે છે કે -
પરમાર્થસત્ય' એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ..... બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી, એ ઉપયોગ રહેવો જોઈએ. ..... એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે. .... દષ્ટાંત : જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org