________________
૨૬૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હિંસાદિના ત્યાગમાં તે પ્રવર્તે છે. બીજા જીવોમાં પોતાતુલ્ય આત્મા વિલસી રહ્યો છે એવા ભાનપૂર્વકની આત્મીયતા, વાત્સલ્ય, પ્રેમ એ તેની અહિંસાનો મૂળ સોત હોય છે. પ્રેમ હોવાથી પ્રેમપાત્રને લેશમાત્ર દુઃખ ન થાય એ રીતની કાળજી સ્વાભાવિકપણે રહે છે. એની સાથે સહાનુભૂતિ, સહકાર અને સહિષ્ણુતાપૂર્વકનો વ્યવહાર સહજ હોય છે. બીજા જીવનાં હિત-સુખ અર્થે જાતે થોડી અગવડ કે કષ્ટ વેઠી લેવાની વૃત્તિપૂર્વકનો જીવનવ્યવહાર તે આવા પ્રેમની સહજ ફલશ્રુતિ હોય છે.
મુમુક્ષુ જીવનો પ્રેમ માત્ર કૌટુંબિક વ્યક્તિઓ કે મિત્રો પૂરતો સીમિત નથી હોતો, પણ સકલ વિશ્વમાં વ્યાપ્ત હોય છે. તેનું હૃદય એટલું વિશાળ હોય છે કે તેને સકળ વિશ્વ એક કુટુંબ જેવું લાગે છે. તેને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ હોય છે. તેનામાં કઠોરતા નથી હોતી. તેનું હૃદય કોમળ અને ઉદાર હોય છે. તે સદા પરોપકારમાં તત્પર હોય છે. તે પ્રેમપૂર્વક અન્યને મદદ કરે છે અને તેમની સેવા કરે છે.
આમ, પોતાના આત્માને બંધનમાંથી મુક્ત કરવાનો જેને નિર્ણય થયો છે એવા મુમુક્ષુ જીવમાં કારુણ્યવૃત્તિ વિકસેલી હોય છે અને ‘દુઃખ જેમ મને પ્રિય નથી તેમ અન્યને પણ પ્રિય ન હોય' એમ વિચારી તે બીજાને દુ:ખ આપતાં અટકે છે. કોઈ પણ જીવને તે શારીરિક કે માનસિક પીડા તો આપતો જ નથી અને કોઈ પણ દુઃખી જીવનું દુઃખ દૂર કરવા સદા તત્પર રહે છે. તે વિભાવદશાથી હટીને સ્વભાવ તરફ જેમ વધુ ને વધુ વળતો જાય છે, તેમ તેમ બીજાને પીડાકારક થાય એવાં તેનાં વૃત્તિ-પ્રવૃત્તિ, વિચાર-વાણી રહેતાં નથી, ઊલટાં બીજાને સુખરૂપ થાય એવાં બનતાં જાય છે. આ રીતે
જ્યાં સ્વદયા હોય છે ત્યાં પરદયા પણ વિદ્યમાન હોય છે. અન્ય જીવો પ્રત્યે અનુકંપાના ભાવ સહજરૂપે જાગે છે. અનુકંપાના ભાવ વિના જીવમાં ધાર્મિકતા પ્રગટતી નથી. અન્ય પ્રત્યેની અનુકંપા વિના, લાગણીશૂન્ય હૈયે વૈરાગ્ય કે અધ્યાત્મની કોરી વાતો કરવામાં ધાર્મિકતા સમાઈ જતી નથી.
ધર્મપ્રાપ્તિ અર્થે પાત્રતા કેળવવા શાસ્ત્રકારોએ જે ઉપાયો બતાવ્યા છે તેનું પરિશીલન કરતાં એ તથ્ય સ્પષ્ટ તરી આવે છે કે ધર્મનો પ્રારંભ બીજાનાં સુખ-દુઃખ પ્રત્યેની સભાનતામાં છે. અન્યનાં સુખ-દુઃખનો વિચાર કરવામાં ધર્મનો પ્રારંભ થાય છે. બીજાનું શું થાય છે એ ન જોતાં કેવળ પોતાનાં સુખ-દુ:ખને જ મહત્ત્વ આપવું એ ધર્મ નથી. ‘સ્વ'નો વિચાર, અર્થાત્ સ્વદેહ અને તેને સંબંધિત અન્ય બાબતોના વિચારો જીવ અનાદિ કાળથી કરતો આવ્યો છે અને એ જ સર્વ પાપનું બીજ છે. સર્વ પાપો સ્વાર્થમાંથી જ જન્મે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનાં જાળાં સ્વાર્થના આ બિંદુની આસપાસ જ ગૂંથાતાં રહે છે, તેથી પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિને નિર્મૂળ કરવા માટે સ્વાર્થવૃત્તિને જાકારો આપવો આવશ્યક થઈ પડે છે. મુમુક્ષુ જીવના હૃદયમાં પ્રગટતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org