________________
૨૫૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જગ્યાએ જતો નથી. તેવી જ રીતે શુષ્કજ્ઞાનીને જ્ઞાનીની મહાનતા સહન નથી થતી. પોતાની મહાનતા પુરવાર કરવા અને જ્ઞાની પુરુષનું ખરાબ દેખાડવા તે હલકી ચેષ્ટાઓ કરે છે. તે તેમના પ્રત્યે દ્વેષ, અસૂયા ઇત્યાદિ સેવે છે. તે તેમની નિંદા કરે છે. જ્ઞાની પુરુષનો અવર્ણવાદ કરવામાં તે અનંત જ્ઞાનીઓનો અનાદર કરે છે.
શુષ્કજ્ઞાનીને જ્ઞાની પુરુષની ઈર્ષ્યા આવે છે. તેમની પાસે કેટલા વધારે અનુયાયીઓ છે, તેમની કેટલી કીર્તિ-પ્રતિષ્ઠા છે એનો તે વિચાર કર્યા કરે છે અને ઈર્ષામાં બળ્યા કરે છે. પોતાની પાસે તેમનાથી ઓછું છે એના વિચારથી તે દુઃખી થાય છે. તે અનુયાયીઓની સંખ્યામાં, માન-સન્માનમાં જ્ઞાનીપુરુષથી આગળ નીકળી જવાનો પ્રયત્ન કરે છે. લોકો જ્ઞાની પુરુષનું સાંભળવા ન જાય પણ પોતાને સાંભળવા આવે એવા પ્રયત્નો તે કરે છે. તે જ્ઞાની પુરુષ સાથે અનુયાયીઓ આદિની વ્યર્થ હરીફાઈમાં પડે છે. તે જ્ઞાનીથી પણ ઊંચો દેખાવા પ્રયાસ કરે છે. આવું વલણ અતિશય હાનિકારક છે. તે પામર જીવ અનંત સંસાર વધારે છે. તે પોતાનું મહા અનર્થ આચરે છે. મહા અપરાધી થઈને તે અનંતા જ્ઞાનીઓનો દ્રોહ કરે છે.
જેને સાચી મુમુક્ષુદશા વર્તે છે તે સ્વપ્નમાં પણ કોઈનો દ્રોહ કરતો નથી. મુમુક્ષુ જીવ શાસ્ત્રાભ્યાસ કરે છે, પણ તે અહંકારાદિમાં ફસાતો નથી. ‘મારું આત્મસ્વરૂપ કઈ રીતે પ્રગટે?' એવા ઉલ્લાસપૂર્વક તે શાસ્ત્રાભ્યાસ કરે છે. આત્મપ્રાપ્તિ માટે તેના પ્રાણ આતુર હોય છે. તેને કેવળ મોક્ષાભિલાષા વર્તે છે. ક્યારે મુક્ત થાઉં?' એવી જ ભાવના રહે છે. સ્વરૂપલક્ષે, જિનાજ્ઞા આધીન થઈ, તે સ્વના પુરુષાર્થમાં વર્તે છે. પણ જેનામાં મુમુક્ષુતા પ્રગટી નથી અને જ્ઞાનની વાતો બોલવી ગમે છે; તે પ્રમાણે આચરણ કરવું નથી અને પોતાના અહંભાવ-મમત્વભાવને પોષવા છે - તે મહાપાપી પ્રાણી છે, જિનશાસનનો વેરી છે.
શાસ્ત્રજ્ઞાન જેને પરિણત થયું ન હોય તેવો સાધુ જેટલા પ્રમાણમાં ઘણું ભણ્યો હોય, ઘણા લોકોને માનવા યોગ્ય બન્યો હોય અને ઘણા શિષ્યોથી યુક્ત બન્યો હોય; તેટલા પ્રમાણમાં તે સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતની અવળી પ્રરૂપણા કરનારો હોવાથી જિનશાસનનો શત્રુ છે. શાસ્ત્ર શું કહે છે તે તરફ તેનું જરા પણ લક્ષ્ય હોતું નથી. આત્મહિતની દૃષ્ટિએ તેને કર્તવ્ય-અકર્તવ્યનું લક્ષ હોતું નથી. પૂર્વપુણ્યના યોગે જે શક્તિ, ક્ષયોપશમ અને સામગ્રી પ્રાપ્ત થઈ હોય, તેમાં તે મગ્ન બની જાય છે અને પોતાના કર્તવ્યઅકર્તવ્યને ભૂલી જાય છે. માન-સન્માન અને અનુકૂળતાનો તે અર્થી હોય છે અને એ માટે જે કરવું પડે તે કરવા તે તૈયાર થઈ જાય છે. પરિણામે તે શિથિલાચારી બને છે અને અસાર પ્રરૂપણા દ્વારા અનેક જીવોને ઉન્માર્ગે લઈ જાય છે. જગતની દૃષ્ટિએ જ્ઞાની બનેલો હોવા છતાં પણ વાસ્તવમાં તે અજ્ઞાની જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org