________________
૨૨૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરે છે અને સફળતા અપાવે છે. તેઓ સંસારની અંધારી વાટ છોડાવી, મોક્ષનો માર્ગ પકડાવે છે. તેમનો આશ્રય ગ્રહણ થતાં અધ્યાત્મયાત્રાની શરૂઆત થાય છે. સદ્ગુરુની આજ્ઞાનુસાર સાધનાના પથ ઉપર આરૂઢ થતાં જીવ અનાદિની પરિઘયાત્રા છોડી કેન્દ્ર તરફની યાત્રા આરંભે છે. સદ્દગુરુના આદેશ અનુસાર પૂર્ણપણે વર્તવાની તૈયારીવાળો જીવ જેવો છે તેવો રહી શકતો નથી, તેનામાં ક્રાંતિ થાય જ છે.
- સદ્દગુરુનો યોગ થાય એટલે જીવનમાં ક્રાંતિ આવે જ. જેમના સંગમાં રહીને જીવ પોતામાં ક્રાંતિ કરી શકે તે સદ્ગુરુ. સદ્ગુરુ એક એવું વાતાવરણ ઊભું કરે છે કે જેમાં રહીને જીવ પોતે જ પોતામાં ક્રાંતિ સર્જે છે. કોઈ કુશળ મૃદંગવાદક સુંદર રીતે પોતાનું મૃદંગ વગાડતો હોય ત્યારે જોર જોરથી પડતી તેની થાપટો એવું તાલબદ્ધ વાતાવરણ ઊભું કરે છે કે જેને મૃદંગ વગાડતાં આવડતું ન હોય તે પણ તેમાં સહેજે જોડાઈ જાય છે. તેમ સદ્ગુરુની ભાવમય મુદ્રા અને સ્વરૂપમય દશા નિહાળતાં જીવ પણ તે ભાવમાં આરૂઢ થઈ જાય છે.
ઍલાર્મ ઘડિયાળને જાગૃતિ સાથે કોઈ સીધો સંબંધ નથી, કારણ કે જાગરણ એ તો આંતરિક ઘટના છે. ઍલાર્મ ઘડિયાળ સ્વયં કોઈનો હાથ પકડીને ઉઠાડવા આવતું નથી, પણ એ પોતાના અવાજથી વાતાવરણને એવું ઉત્તેજિત કરે છે કે જાગી જવાય છે. જેને જાગવું હોય તેના ઉપર એનો પ્રભાવ કાર્યકારી નીવડે છે. ઘડિયાળની જેમ સદ્ગુરુ પણ જીવને પ્રેરણા આપી આત્મજાગૃતિના પંથે આગળ ધપાવે છે. સદ્ગુરુ પણ એક એવું અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે કે જેથી આત્મક્રાંતિની ઘટના તેનામાં ત્વરાથી ઘટે છે. પોતાનાં દિવ્યાતિદિવ્ય વચનામૃત, મુદ્રા અને સત્સમાગમથી સદ્ગુરુ એવું સ્પંદનયુક્ત અને જીવંત વાતાવરણ ઊભું કરે છે કે સુધરવું એ જીવની અદમ્ય પ્યાસ બની જાય છે, આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ જ તેની નિયતિ બની જાય છે.
સદ્ગુરુના સંગમાં જે અદ્ભુત અનુભવ થાય છે તેમાં કારણ તો જીવ સ્વયં જ છે. એ દશા જીવ પોતે જ ઉત્પન્ન કરે છે. એ કાર્ય જીવ પોતે જ કરે છે. જીવના અંતરના નિર્મળ ભાવ જાગૃત કરવા માટે તેમની વિદ્યમાનતા માત્ર ઉદ્દીપક(catalyst)નું કામ કરે છે. સદ્ગુરુ કંઈ જ કરતા નથી, પણ તેમની વિદ્યમાનતાનું અવલંબન લેવાથી જીવની ભાવદશામાં પરિવર્તન આવે છે. કાર્ય તેમની વિદ્યમાનતામાં થાય છે, પણ જે થાય છે તે પોતા વડે, પોતાથી, પોતામાં જ થાય છે. સદ્ગુરુ કોઈની ભીતર કંઈ કરતા નથી, પરંતુ તેમના સાનિધ્યમાં રહેવાથી જીવ સ્વયં અંતરમાં ક્રાંતિ સર્જવા સમર્થ બની જાય છે.
અસદ્ગુરુ કહે છે કે “મારી શક્તિથી તારામાં આ થયું.' પરંતુ સદ્ગુરુ કહે છે કે અન્યની શક્તિનો સવાલ જ નથી. તેં તારામાં થવા દીધું તેથી થયું છે. અમે તો કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org