________________
૨૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અર્થે કહેવામાં આવી નથી, પણ ઉપાદાન અજાગૃત રાખવાથી સાચાં નિમિત્ત મળવા છતાં કલ્યાણ થાય નહીં તેનું ભાન કરાવવા અર્થે કહી છે. જ્યારે સાચાં નિમિત્તનો યોગ થાય ત્યારે તેનું અવલંબન રહીને ઉપાદાનની સન્મુખ થવું જોઈએ અને પુરુષાર્થરહિત ન રહેવું જોઈએ એવો શાસ્ત્રકારે કહેલા કથનનો પરમાર્થ છે. ઉપાદાનનું માત્ર નામ લઈને નિમિત્તોને છોડી દે, સત્સાધન કરે નહીં તો કાર્ય થાય નહીં. આ તથ્યને નહીં સમજનારા જીવો સિદ્ધત્વને પામી શકતા નથી અને ભ્રાંતિમાં જ રહે છે, અર્થાત્ તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી અને તેથી તેઓ સંસારમાં રખડે છે. નિશ્ચયનયને એકાંતે ગ્રહીને કોઈ જીવ મોક્ષમાર્ગની યથાર્થ આરાધનાથી વંચિત ન રહે તે માટે આ ગાથા માર્ગદર્શક હોવાથી અત્યંત ઉપકારી છે.
આત્મકલ્યાણરૂપી કાર્યની સિદ્ધિ માટે આત્માર્થી જીવ આત્મપરિણામની શુદ્ધિ વિશેષાર્થ
1 અને આત્મપુરુષાર્થની વૃદ્ધિ કરતો રહે છે. આત્માર્થી જીવ સ્વલક્ષી પુરુષાર્થ કરતો હોવા છતાં પણ તેને વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રનો ઉપકારી નિમિત્તપણે સ્વીકાર તથા તેમનો મહિમા આદિ અવશ્ય હોય છે. તે ભક્તિ, સત્સંગ આદિનું ઉલ્લાસપૂર્વક આરાધન કરતો હોય છે. સરાગ સ્થિતિમાં તેને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે પ્રશસ્ત ભાવ થયા વિના રહેતો નથી. ઉપાદાનની ઓળખાણની પ્રક્રિયામાં, તેને બતાવનારાં નિમિત્તોનું જ્ઞાન અને બહુમાન આવ્યા વગર રહેતું નથી.
‘પ્રત્યક્ષ યોગ વિના દેશનાલબ્ધિની પ્રાપ્તિ થતી નથી અને તે વિના આત્મપ્રાપ્તિ થતી નથી' - આ સિદ્ધાંતને સાધક જીવ યથાર્થપણે સમજે છે, તેથી કુગુરુ આદિનો ત્યાગ કરી, સદ્ગુરુ આદિ નિમિત્તોનો સ્વીકાર કરે છે અને તેમનું અવલંબન લઈને પોતાના ઉપાદાનની સન્મુખ થાય છે. કાર્ય પોતાથી જ થાય છે તથા કાર્યમાં શુભ નિમિત્તોનું અવલંબન આવશ્યક છે' - આ બને તથ્યને તે બરાબર સમજતો હોવાથી સદ્દગુરુ આદિ પ્રત્યે તેને પરમ ભક્તિના ભાવ હોય છે અને સાથે સાથે ઉપાદાનનિમિત્તનું સંતુલન ગુમાવ્યા વિના તે સ્વલક્ષી પુરુષાર્થ વડે ઉદ્યમવંત રહે છે. નિમિત્ત અને ઉપાદાનનું સંતુલન બરાબર જાળવી, સદ્ગુરુના આશ્રયે, તેમના માર્ગદર્શન અનુસાર પુરુષાર્થ કરતાં કરતાં તે મોક્ષમાર્ગે આગળ વધે છે.
આત્મપુરુષાર્થ જાગૃત રાખવા માટે શાસ્ત્રમાં અનેક ઠેકાણે શુભ નિમિત્તનું અવલંબન ગ્રહણ કરવાની ભલામણ કરી છે. બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય પર્યત શ્રુતજ્ઞાનનું - સદ્ગુરુ તથા જિન ભગવાનનું અવલંબન જરૂરી છે એમ નિરૂપણ કર્યું છે. શુભ નિમિત્તના આશ્રયથી ઉપાદાનની શુદ્ધિ વધારતાં વધારતાં જીવે આગળ વધવું જોઈએ એવો જિનેશ્વરનો અભિપ્રાય છે.
જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલો નિમિત્ત-ઉપાદાનની સંધિવાળો માર્ગ અત્યંત સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org