________________
ગાથા-૧૩૫
૧૮૭ આકાશ તે બધાથી અલિપ્ત, પોતે પોતામાં જ સ્થિત છે; તેમ સર્વજ્ઞસ્વભાવી આત્મામાં શેયપણે અનંત પદાર્થો પ્રતિભાસે છે, છતાં આત્મા તે બધાથી અલિપ્ત, પોતે પોતાના જ્ઞાનસ્વભાવમાં જ રહેલો છે. આકાશ સદા આકાશપણે જ રહે છે, તેમ જ્ઞાયક સદા જ્ઞાયકપણે જ રહે છે, કેવળ જાણનાર જ રહે છે. આકાશ શુદ્ધ છે, તેમ આત્મા પણ પોતાના સ્વરૂપથી શુદ્ધ છે. તે શુદ્ધ, અરૂપી, જ્ઞાનરૂપ છે.
આનંદઘન એવું આત્મપદ નિર્દોષ છે. તે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય છે. જેને કોઈ ઉપમા નથી એવું અનુપમ છે. પોતાના આત્મા સિવાય બીજું કાંઈ ઉત્તમ નથી, મહાન નથી, પૂજ્ય નથી, પરમ ધામ નથી, અભિરામ નથી. જગતમાં સારરૂપ એક આત્મા જ છે. પૈસા, કીર્તિ વગેરે અસાર છે, માત્ર આત્મા જ સારરૂપ છે. રમવા માટે લાયક એવું એકમાત્ર પોતાનું પદ છે. પોતાનું પદ જ ઉપાદેય છે. દેવાધિદેવપણું ચૈતન્યપદમાં છે. તે પોતે પરમેશ્વરરૂપ છે. આત્મા અતીન્દ્રિય પ્રભુ છે. જેવી તાકાત સિદ્ધ ભગવાનમાં છે, તેવી જ તાકાત દરેક આત્મામાં છે.
શક્તિની અપેક્ષાએ જિનપદ તથા નિજપદમાં એકતા છે, પરંતુ તે બન્નેમાં ફરક પણ છે. તલમાં રહેલું તેલ અને બાટલીમાં રહેલું તેલ, એ બન્નેમાં ફરક છે. તલમાં તેલ શક્તિરૂપે છે અને પ્રયોગ વડે તેને પ્રગટ કરી શકાય છે, જ્યારે બાટલીમાં રહેલું તેલ પ્રગટ છે. સિદ્ધ પરમાત્મા બાટલીમાં રહેલા તેલની જેમ પ્રગટ છે, અર્થાત્ તેમની સત્તાગત શુદ્ધતા પ્રગટ થઈ ચૂકી છે; પરંતુ સંસારી જીવ સ્વભાવે - શક્તિએ શુદ્ધ, જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદમય, અમૂર્તિક, સ્વતંત્ર હોવા છતાં વર્તમાન અવસ્થાએ ક્રોધાદિ ભાવરૂપે પરિણમતો હોવાથી અશુદ્ધ છે.
શુભાશુભ કર્મના ઉદય આદિ વિકારના નિમિત્તો મળવાથી અને સ્વરૂપજાગૃતિના અભાવે કર્મના ઉદયમાં ઉપયોગની સંધિ થઈ જવાથી જીવ રાગાદિરૂપે પરિણમે છે. ચેતના પોતાની આદિમ શુદ્ધતામાં - પોતાના અનાદિ શુદ્ધાત્મસ્વભાવમાં સ્થિત ના હોવાથી તે શાંત રહેવાને બદલે ઉત્તેજિત થઈ જાય છે, રાગાદિ ભાવોમાં સરી પડે છે અને તેથી જીવને કર્મબંધન થાય છે. શુદ્ધ સ્વરૂપના વિસ્મરણના કારણે જીવને કર્મકૃત વ્યક્તિત્વની જ મુખ્યતા ભાસે છે. તેનો ચિત્તવૃત્તિપ્રવાહ કર્મકૃત વ્યક્તિત્વમાં જ અટકેલો રહે છે અને પરિણામે તે રાગાદિ અશુદ્ધતાથી ગ્રસ્ત રહે છે. આત્માની આ અશુદ્ધ અવસ્થા જે રીતે દૂર થાય અને તેનું સ્વભાવથી જે શુદ્ધપણું છે તે જે રીતે પ્રગટ થાય તે મોક્ષમાર્ગ છે. શુદ્ધતા પ્રગટ કરવાનો માર્ગ શ્રીમદે પ્રસ્તુત ગાથાની પહેલી પંક્તિના બીજા ચરણમાં જણાવ્યો છે. ગાથાની પહેલી પંક્તિના પ્રથમ ચરણમાં જીવનું સિદ્ધ સમાન સ્વરૂપ બતાવ્યા પછી તેની ગર્ભિત અનંત શક્તિ કઈ રીતે પ્રગટ થઈ શકે તે બીજા ચરણમાં બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org