________________
૧૮૨.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કેવળજ્ઞાનરૂપ ચોપડામાં બધી નોંધ છે, પણ તેમને કોઈનું કર્તાપણું કે કોઈ પ્રત્યે રાગ-દ્વેષ નથી. તેમને તો પરમજ્ઞાનાનંદરૂપ પરિપૂર્ણ શુદ્ધ દશા વર્તે છે. પરિપૂર્ણ જ્ઞાનાનંદ તેમને ખીલી ગયાં છે. તેમને આત્માના પરિપૂર્ણ આનંદમાં કોઈ વિઘ્ન નથી, જ્ઞાનમાં કોઈ આવરણ નથી. તેઓ પોતાના અતીન્દ્રિય આનંદના ભોગવટામાં લીન છે.
સિદ્ધાત્માને જડ શરીરનો સંયોગ હોતો નથી. તેમને અનાદિનો શરીરનો સંયોગ ટળી ગયો છે. તેમને શરીર, કર્મ કે રાગાદિ - કોઈ વિકાર સાથે સંબંધ રહ્યો નથી. તેઓ માત્ર આત્મસ્વરૂપે રહેલા હોય છે. તેઓ પરદ્રવ્ય અને પરભાવોથી રહિત એવા સ્વસ્વરૂપમાં અખંડપણે રમણતા કરે છે. તેઓ શરીરાદિથી રહિત અસંગ સ્વરૂપે મોક્ષમાં બિરાજે છે.
સિદ્ધ પરમાત્માએ સર્વ મેલનો નાશ કર્યો છે. તેમને પુણ્ય-પાપના મલિન ભાવો, આઠ કર્મનાં રજકણ, દેહ આદિ મળ પૂર્ણપણે છૂટી ગયા છે. તેમના મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ આદિ અંતરંગ મળ દૂર થયા છે તથા કર્મ, દેહ આદિ બાહ્ય મળ ટળ્યા છે, તેથી તેઓ સર્વમળરહિત - નિર્મળ છે. ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મરૂપ અશુદ્ધતા સર્વથા ક્ષય થઈ હોવાથી તેઓ પરમ વિશુદ્ધ છે.
સિદ્ધ ભગવંતને વીતરાગી પરમ શાંત ધારા પરિણમી ગઈ છે. કષાયનો કોઈ કોલાહલ તેમનામાં રહ્યો નથી. અકષાયપણે વીતરાગી શાંત રસની પૂર્ણ ધારા તેમનામાં વહે છે. તેમને અપૂર્વ શાંત રસ વેદાય છે. જેના કરતાં બીજી કોઈ ઉત્તમ દશા નથી એવી પરમ દશાને તેઓ પામ્યા છે. સંસારી સર્વ જીવોથી તેઓ ઉત્કૃષ્ટ છે.
ચૌદ રાજલોકમાં રહેલા જીવો સંસારી અને સિદ્ધ એમ બે પ્રકારમાં વિભક્ત થયેલા છે. અવસ્થાભેદે આ બે પ્રકાર પડે છે, પરંતુ શક્તિરૂપ સ્વભાવથી તો બધા આત્મા સરખા છે. તેઓ સ્વરૂપસત્તાથી સમાન છે, અર્થાત્ સર્વ જીવો શક્તિની અપેક્ષાએ સિદ્ધ ભગવંત સમાન છે. સિદ્ધ જીવોને શુદ્ધાત્મસ્વરૂપ કર્મકલંકના નાશથી પ્રગટ થયું છે, આવિર્ભાવ પામ્યું છે, વ્યક્ત થયું છે, જ્યારે સંસારી જીવોનું શુદ્ધાત્મસ્વરૂપ કર્મકલંકથી અવરાયેલું છે. ૧ ૧- જુઓ : (૧) આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૨૬
'जेहउ णिम्मलु णाणमउ सिद्धिहिँ णिवसइ देउ ।
तेहउ णिवसइ बंभु परु देहहँ म करि भेउ ।।' (૨) ગણિશ્રી દેવચંદ્રજીકૃત, ‘અધ્યાત્મગીતા', કડી ૨૨
આતમ સર્વ સમાન નિધાન મહાસુખકંદ; સિદ્ધ તણા સાધર્મી સત્તાયે ગુણવૃદ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org