________________
ગાથા-૧૩૫
૧૭૩
કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહેવામાં આવે છે. વિશ્વમાં કોઈ પણ કાર્ય કારણપૂર્વક જ થાય છે. જે જે કાર્યનું જે જે કારણ હોય છે, તે તે કારણ મળે ત્યારે, સમગ્ર સામગ્રીનો સંયોગ થાય ત્યારે તે તે કાર્ય સિદ્ધ થાય છે એવો અફર નિયમ છે. કારણ મળે ત્યારે જ કાર્ય નીપજે અને કારણ વિના કાર્ય થઈ શકે નહીં એ વાત નિર્વિવાદ છે. કાર્યની આ ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિત્તના રૂપમાં હોય છે, અર્થાત્ કારણ બે પ્રકારનાં છે (૧) ઉપાદાનકારણ અને (૨) નિમિત્તકારણ, (૧) ઉપાદાનકારણ જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણમે છે તે ઉપાદાનકારણ છે. જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપ પરિણમે તે ઉપાદાનકારણ છે. જે કાર્યની પૂર્વક્ષણોમાં હાજર હોય, જેના વગર કાર્ય થાય નહીં તથા જેના નાશથી કાર્યનો અવશ્ય નાશ થાય તેને ઉપાદાનકારણ કહે છે. ઉપાદાનકારણ એકમાત્ર દ્રવ્ય પોતે જ હોય છે. દા.ત. ઘટરૂપી કાર્યમાં ઉપાદાનકારણ માટી છે. આમ, વસ્તુનો સ્વભાવ, વસ્તુની શક્તિ તે ઉપાદાન છે. દ્રવ્યમાં અંતર્ગર્ભિત રહેલી તેની પર્યાયરૂપ પરિણમનશક્તિ તે ઉપાદાન છે.
(૨) નિમિત્તકારણ જે કારણ ઉપાદાનકારણથી ભિન્ન છે અને જેના મળ્યા વિના કાર્ય થાય નહીં, તેમજ જે પોતે કાર્યરૂપ હોય નહીં તે નિમિત્તકારણ છે. જે સ્વયં કાર્યરૂપે ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં જેના ઉપર કર્તાપણાનો આરોપ આવી શકે તે નિમિત્તકારણ છે. જે દ્રવ્ય પોતે કાર્યરૂપે ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થાય તે નિમિત્તકારણ છે. જે કાર્યની પૂર્વક્ષણોમાં હાજર હોય, જેની હાજરી વગર કાર્ય થાય નહીં તથા કાર્ય સમાપ્ત થયા પછી જેની વિદ્યમાનતા ન હોય તોપણ કાર્ય અખંડિત રહે તેને નિમિત્તકારણ કહે છે. નિમિત્તકારણો એક કરતાં વધારે હોઈ શકે છે. દા.ત. ઘટરૂપી કાર્યમાં દંડ, ચક્ર, કુંભાર આદિ અનેક નિમિત્તકારણો છે. દંડ, ચક્ર વગેરે નિમિત્ત ન મળે તો માટી પોતાની જાતે ઘડારૂપે પરિણમતી નથી. જો માત્ર માટીથી જ ઘડો બનતો હોય તો જગતમાં ઘણી જગ્યાએ માટી પડી છે, છતાં પણ તેના ઘડા બની જતા નથી. કાર્ય થાય તે સમયે અનેક પદાર્થો ઉપસ્થિત હોય છે, પરંતુ તે સઘળા નિમિત્ત બની શકતા નથી. ઉપસ્થિત પદાર્થોમાં કાર્યની ઉત્પત્તિમાં જે પદાર્થ અનુકૂળ હોય તેને જ નિમિત્ત કહેવાય છે. ઘડો બનવાના કાર્યસમયે ત્યાં કાતર ઉપસ્થિત હોય તોપણ તે ઘડો બનવામાં અનુકૂળ ન હોવાથી તે નિમિત્તકારણ નથી. આમ, હાજર, અનુકૂળ પરદ્રવ્ય તે નિમિત્ત છે. નિમિત્ત એટલે એવા પરદ્રવ્યનો સંયોગ કે જેની ઉપસ્થિતિમાં દ્રવ્ય પોતાની અંતર્ગર્ભિત પરિણમનશક્તિથી પોતાની પર્યાયરૂપ પરિણમિત થાય છે.
આ મીમાંસા આત્મામાં ઘટાવીએ તો સિદ્ધપણું તે કાર્ય છે. આત્માની સહજ શક્તિ એ ઉપાદાન છે. જીવમાં રહેલી રાગ-દ્વેષરૂપ વિભાવભાવમાં પરિણમવાની શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org