________________
૭૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શોધે છે. તે ભૂલનું ઉપરાણું લઈ, તર્કથી સિદ્ધ કરી આપે છે કે પોતે નિર્દોષ છે, દોષ તો કર્મનો છે.
અપરાધ સ્વયં કરે છે, પરંતુ તેની જવાબદારી તે કર્મ ઉપર આરોપી, કર્મને તેનું કારણ બનાવી, પોતાને નિરપરાધી સિદ્ધ કરવાની જીવને અનાદિથી આદત પડી ગઈ છે. પોતાની ભૂલનું કારણ શોધવા માટે જેની નજર કર્મ ઉપર જાય છે તે મહાજૂઠ આચરે છે. પોતાની ભૂલની જવાબદારી કર્મ ઉપર નાખવી એ તો મહા અનીતિ છે. જીવ કર્મને જ દોષ આપ્યા કરે તે અનાચાર છે. જે આવો અનાચાર આચરે છે તે જીવ સુધરી શકતો નથી. કર્મ ઉપર દોષારોપણ કરવાથી સુધરવાનો માર્ગ જ બંધ થઈ જાય છે. માટે જીવે પોતાની દૃષ્ટિ કર્મ ઉપરથી હટાવી પોતાની ભૂલનો સ્વીકાર કરવો જોઈએ. ભૂલનું ઉપરાણું ન લેવું જોઈએ. તેને છુપાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. ભૂલનો સ્વીકાર સાહસિક સાધકપણું માંગે છે. સ્વીકારવું કે ‘ભૂલ કાંઈ કર્મની નથી, પરંતુ મારી છે. કર્મ મને ભૂલ કરાવી શકતું નથી. આ મારી જ ભૂલ છે અને મારે એ સુધારવી જોઈએ.” “મારી નબળાઈ છે' એમ જીવ માને તો તે છૂટી શકે છે. ખામી જો સ્વયંમાં જણાય છે તો રૂપાંતરણ અર્થે પ્રયાસ થાય છે. જે કર્મની ભૂલ હોવાનું માનતો નથી અને સ્વયંની ભૂલ જોવાનું શરૂ કરે છે, તેનામાં પોતાની ચેતનાને બદલવાની તૈયારી જાગે છે, તેની અંતર્યાત્રા શરૂ થાય છે અને તેની ભૂલ નષ્ટ થઈ જાય છે. માટે ભૂલનો પ્રામાણિકતાથી સ્વીકાર કરવો જોઈએ.
ક્રોધાદિ વિકારી ભાવોનો જવાબદાર કર્મને માનવામાં આવે તો એનો અર્થ એ થાય કે આત્મા ક્રોધાદિ ભાવોને ઘટાડી શકે નહીં, વધારી શકે નહીં કે તેનો અભાવ કરી શકે નહીં. બધું કર્મ ઉપર નિર્ભર રહેશે. આમ માનવાથી કરવાથી તો ક્રોધાદિ ભાવોનો ક્ષય કરવાનો શાસ્ત્ર-ઉપદેશ પણ અયથાર્થ ઠરશે, પણ જિનવાણીનું અયથાર્થ હોવું તો અસંભવ છે. આથી સિદ્ધ થાય છે કે કર્મ જીવને વિકાર કરાવતું નથી, પુરુષાર્થ કરવામાં રોકતું નથી; જીવ પુરુષાર્થ કરવામાં સ્વાધીન છે, સ્વતંત્ર છે. આત્મા અનંત વીર્યનો ધણી છે, બેહદ અખૂટ સામર્થ્યનો ધારક છે. તે જ્યારે પોતાનું વીર્ય ફોરવે, પોતાની અચિંત્ય અનંત શક્તિ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે, ત્યારે જડ કર્મની તાકાત નથી કે તેને રોકી શકે. અનંત કાળનાં અનંતાનંત કર્મનો માત્ર બે ઘડીમાં પોતે પોતાના પુરુષાર્થ દ્વારા ક્ષય કરી શકે એવી જેનામાં સહજ શક્તિ ભરી છે એવા આત્માને રોકવા કોણ સમર્થ છે? શ્રીમદ્ કહે છે –
અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો. ..... અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org