________________
૫૧
અનાદિથી છે, પરંતુ તે અનાદિ સંબંધ છે ને તે જ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ સાથેનો નથી. જીવને અનાદિ કાળથી કર્મો લાગેલાં છે એ વાત સત્ય છે, પણ જે કર્મો અનાદિ કાળથી હતાં, તે જ કર્મો અત્યારે પણ જીવને લાગેલાં નથી. જીવ સાથે દરેક કર્મના સંબંધની અવધિ - મર્યાદા છે, તે અમુક મુદત સુધી જ જીવ સાથે રહે છે.
એટલું ખરું છે કે અનાદિની જીવની વિકારી અવસ્થામાં કર્મોનો સંયોગ થયા કરે છે. સંસારી જીવને વિકારી અવસ્થા અનાદિથી છે, તેથી કર્મોનો સંબંધ કોઈ નિયત કાળથી થયો નથી, પણ તે અનાદિ છે. પરંતુ આ તો સમુચ્ચય કર્મની અપેક્ષાએ વાત છે. એનો અર્થ એમ નથી કે અમુક કર્મનાં પુદ્ગલો અનાદિ કાળથી જીવની સાથે લાગેલાં જ છે. દરેક કર્મની ઉત્પત્તિ પણ હોય છે અને તેનો નાશ પણ હોય છે.
કર્મો બંધાય છે તેમ ખપે પણ છે. એક પણ કર્મ એવું નથી કે જે ખપે જ નહીં. તેનું કારણ એ છે કે જે જે કર્મ બંધાય છે, જ્યારે જ્યારે બંધાય છે; ત્યારે ત્યારે તે તે કર્મની સ્થિતિ પણ બંધાય છે. જઘન્ય, ઉત્કૃષ્ટ કે તે બન્ને વચ્ચેની - એમ ગમે તે સ્થિતિ બંધાય, પણ બંધાયેલાં કર્મની સ્થિતિ પૂરી થતાં તે કર્મ ખપે જ છે. દરેક કર્મની અવધિ નિયત હોય છે અને એ અવધિ પૂરી થતાં તે કર્મ ખપી જ જાય છે. કાં તો તે એના સમયે ઉદયમાં આવીને ખપે છે અને કાં તો ઉદીરણા કરીને જીવ તેને ખપાવે છે.
દરેક કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ નિશ્ચિત કાળમર્યાદાવાળો જ છે. મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૭૦ કોડાકોડી સાગરોપમનો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને વેદનીય – આ ચાર કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોડાકોડી સાગરોપમનો છે. નામ અને ગોત્ર કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોડાકોડી સાગરોપમનો છે અને આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૩ સાગરોપમનો છે. તેથી બધાં કર્મોનો એકસાથે વિચાર કરવામાં આવે તો કોઈ પણ કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમ કરતાં વિશેષ સ્થિતિબંધનું ન હોઈ શકે. જો આ પ્રમાણે કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે તો પછી આત્માનો કોઈ પણ નિયત કર્મની સાથે અનાદિ સંયોગ કેવી રીતે ઘટી શકે? આત્મા
જ્યારે કોઈ એક કર્મ બાંધે તો વધુમાં વધુ તેની કાળસ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમથી વિશેષ હોઈ જ ન શકે અને આ ૭0 કોડાકોડી સાગરોપમનો કાળ કંઈ અનાદિ કાળ તો નથી જ.
અત્રે કોઈને પ્રશ્ન ઉદ્ભવે કે તો પછી જીવ-કર્મનો સંયોગ અનાદિ કેવી રીતે સિદ્ધ થાય? તો તેનો ઉત્તર એમ છે કે આ ઉત્કૃષ્ટ કાળસ્થિતિ તો ફક્ત એક વાર બાંધેલાં કર્મની છે અને દર સમયે જીવ સાત કર્મ બાંધે છે અને આયુષ્ય બાંધે ત્યારે આઠ કર્મ બાંધે છે. જો કે દરેક સમયે બંધાતાં કર્મો ઉત્કૃષ્ટ સ્થિતિમાં નથી બંધાતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org