________________
૭૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બની જાય છે. જીવ ચૈતન્યજ્યોતિ છે અને શરીર તેનાથી ભિન્ન દ્રવ્ય છે, છતાં તેણે શરીરમાં માલિકીભાવ કરીને શરીરને પોતાનું આવરણ બનાવી દીધું છે. તે જરા પણ વિવેક રાખ્યા વિના, બેભાન બનીને પોતાના માલિકીપણાનું ક્ષેત્ર વધારતો જ જાય છે. માલિકીભાવનો વિસ્તાર જેટલો વધે છે, એટલું દુઃખ વધે છે. જીવ માલિકીભાવ ક્યાં ક્યાં વિસ્તારીને બેઠો છે એ તેણે ચકાસવું જોઈએ. અન્યનો માલિક થવા જે જતો નથી, તે જ પોતાના સ્વાધીન શાશ્વત આનંદનો સ્વામી બને છે.
ધર્મની શરૂઆત એ બોધની પ્રાપ્તિમાં છે કે “પોતે માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે, શુદ્ધ ચેતના છે.” જેટલો તે પોતાની શુદ્ધ ચેતના સાથે પરિચિત થતો જાય છે, એટલો શરીરાદિ જડ પદાર્થો સાથેનો તેનો સંબંધ તૂટતો જાય છે. આમ થાય છે ત્યારે એક એવી ઘડી આવે છે કે જ્યારે તેને દેહથી પૃથક્ જ્ઞાનની જ્યોતિનો અનુભવ થાય છે. ચેતના અને શરીર જો એક ક્ષણ માટે પણ અલગ જણાઈ જાય તો તેનું ફળ બહુ મોટું આવે છે. મૃત્યુ બાબતનો તમામ ભય એ જ ક્ષણથી સમાપ્ત થઈ જાય છે, કારણ કે હવે તેણે જાણી લીધું છે કે તે શરીર નથી, પણ શરીરથી પર એવું શાશ્વત દ્રવ્ય છે. શરીર નષ્ટ થઈ જાય તો પણ તે નષ્ટ થનાર નથી. આ પ્રતીતિ, અમરત્વનો આ અનુભવ, મૃત્યુથી પર એવા જગતમાં પ્રવેશ એ જ સાધનાનો સાર છે. શરીરથી હું ભિન્ન છું' એ તથ્યને અનુભવના સ્તરે જાણી લેવું એ જ ધર્મનો મર્મ છે.
આવો દેહથી ભિન્ન આત્માનો અનુભવ સદ્ગુરુની અનન્ય કૃપા દ્વારા પ્રગટે છે. સદ્ગુરુની કૃપાદૃષ્ટિથી જીવના દેહાત્મબુદ્ધિના અનાદિ ગાઢ પડળ છેદાઈ જાય છે. સગુરુની આજ્ઞાના એકનિષ્ઠ આરાધનથી દેહાધ્યાસના સંસ્કારોનો અવશ્ય નાશ થાય છે. કોઈ જીવને છીંકણી સુંઘવાની ટેવ હોય, દિવસમાં ૫૦-૧૦૦ વાર છીંકણી સુંઘતો હોય; તે જીવ આ ટેવ છોડવાનો સંકલ્પ કરે તો પણ તેને એકદમ છોડવી અત્યંત કષ્ટરૂપ છે; પણ જો તે અત્તર સુંઘવાની ટેવ પાડે તો તેની છીંકણી સુંઘવાની ટેવ આપોઆપ છૂટી જાય છે. એ પ્રમાણે જીવ જો સદ્ગુરુના બોધના ઘોલન વડે આત્મભાવના કરે તો તેના દેહાધ્યાસના કુસંસ્કાર ઝડપથી તૂટી જાય છે.
શ્રીગુરુએ શિષ્યને દેહથી ભિન્ન આત્મા બતાવ્યો. તેમણે શિષ્યને અનુભવપૂર્વકનો નિશ્ચય કરાવ્યો. તેને અનુભવ સહિતની પ્રતીતિ થઈ કે ‘હું દેહથી ભિન્ન છું. હું અચળ આત્મા, મારા સહજ પરમાત્મસ્વરૂપમાં જ નિવાસ કરી રહ્યો છું. ચલમાં રહ્યો હોવા છતાં પણ હું તો અચળ છું. આ દેહ ચલ છે, પણ તેની ભીતર રહેલો હું અચળ છું. દેહનો મારી સાથે કોઈ સંબંધ નથી. હું તો અમૂર્ત જ્ઞાનમાત્ર છું. ક્યારે પણ મારો વિનાશ થતો નથી. જેમ વસ્ત્ર નષ્ટ થતાં દેહ નષ્ટ નથી થતો, તેમ દેહ નષ્ટ થતાં હું નષ્ટ નથી થતો. હું જ્ઞાયક આત્મા છું, પરિપૂર્ણ છું, અવિનાશી છું, આનંદસ્વભાવી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org