________________
૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
સંવર પ્રગટતાં કર્મનો પ્રવેશ અટકી જાય છે. સંવર આસવના અભાવપૂર્વક થનારી દશા છે. આસવ અને સંવર પરસ્પર વિરોધી છે. આસવ અપવિત્ર છે, સંવર પવિત્ર છે; આસવ દુઃખમય છે, સંવર સુખમય છે; આસવ દુઃખનું કારણ છે, સંવર સુખનું કારણ છે. - નિર્જરા એટલે કર્મનું નિર્જરણ - ક્ષય થવું તે. જીવને વળગેલાં કર્મનો ક્ષય થવો એનું નામ નિર્જરા છે. પૂર્વે બંધાયેલાં કર્મોનો ક્ષય થવાની પ્રક્રિયા તે નિર્જરા છે. આત્માનો શુદ્ધોપયોગ એ ભાવનિર્જરા છે અને એ શુદ્ધોપયોગના પ્રભાવથી નીરસ થયેલ કર્મોનું આત્મપ્રદેશો ઉપરથી અંશે ખરી જવું એ દ્રવ્યનિર્જરા છે.
બંધાયેલાં કર્મોની નિર્જરા બે રીતે થાય છે. નિર્જરાના બે પ્રકાર છે - ૧) સવિપાક નિર્જરા અને ૨) અવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા એટલે કર્મ ભોગવાઈ જઈ આપોઆપ ખરી પડે છે. બંધાયેલાં કર્મો પરિપક્વ થઈ ભોગવાય છે અને એ રીતે કર્મક્ષય થાય છે તે સવિપાક નિર્જરા છે. કર્મ જીવની સાથે બંધાઈને જીવને વિવિધ ફળ ભોગવાવે અને એની ચોક્કસ મુદત પૂરી થાય પછી તે જીવનો ત્યાગ કરી જાય - આ સવિપાક નિર્જરા છે. અવિપાક નિર્જરા એટલે જે કર્મો ભોગવવાનો બાકી હોય તેનો તપ વડે ક્ષય કરવો તે. કર્મપુદ્ગલ ફળ આપવા તૈયાર થાય તે પહેલાં જ કઠોર તપશ્ચર્યાદિથી એનો ક્ષય કરી નાખવો એ અવિપાક નિર્જરા.
જેમ આંબાના ઝાડની ડાળી ઉપર રહેલી કેરી સમય આવે ત્યારે સ્વયં પાકે છે અને ક્યારેક તેને ઘાસમાં મૂકીને સમય પહેલાં પણ પકાવવામાં આવે છે; તેમ નિયત થયેલા સમય અનુસાર ઉદયમાં આવીને કર્મોનું સ્વયં ખરી જવું તે સવિપાક નિર્જરા છે અને ઉદયકાળ પાકતાં પહેલાં કર્મોનું આત્મપ્રદેશો ઉપરથી ખરી જવું તે અવિપાક નિર્જરા છે. આમાંથી સવિપાક નિર્જરા આત્મહિતમાં કાર્યકારી નથી. તે તો સર્વ સંસારી જીવને સમયે સમયે વિના ઉદ્યમે થતી હોય છે. તેનાથી આત્મકલ્યાણનું કાર્ય સિદ્ધ થતું નથી. અવિપાક નિર્જરા જ મોક્ષમાં કારણભૂત છે, કારણ કે તે ઉદ્યમપૂર્વક થાય છે. સંસારપરિભ્રમણ મિટાવી મોક્ષ પ્રાપ્ત કરાવનાર આ અવિપાક નિર્જરા માત્ર સાધકોને જ હોય છે. ૧- જુઓ : શ્રી માઈલ્લધવલજીકૃત, ‘દ્રવ્યસ્વભાવપ્રકાશક ન્યચક્ર', ગાથા ૧૫૭
'सयमेव कम्मगलणं इच्छारहियाण होइ सत्ताणं ।
सविपक्क णिज्जरा सा अविपक्कमुवायकरणादो ।।' ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘બારસ અણુવેમ્બા', ગાથા ૬૭
'सा पुण दुविहा णेया सकालपक्का तवेण कयमाणा । चद्गदियाणं पढमा वयजुत्ताणं हवे बिदिया ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org