________________
૬૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જ્ઞાનચેતના એ જ્ઞાનીનું ચિહ્ન છે. તે પોતાના શુદ્ધ સ્વભાવને સ્પર્શનારી છે. જ્ઞાનચેતનાનો સંબંધ શાસ્ત્રના ભણતર સાથે નથી. અમુક શાસ્ત્ર આવડે તો જ્ઞાનચેતના કહેવાય એમ નથી, પણ પોતાના શુદ્ધ સ્વભાવને સ્પર્શે - અનુભવે એનું નામ જ્ઞાનચેતના છે. અંતરમાં જ્ઞાનસ્વભાવને સ્પર્યા વિનાનું શાસ્ત્રાદિનું ગમે તેટલું જાણપણું હોય તો પણ તેને જ્ઞાનચેતના કહેવાતી નથી. જીવને નવ પૂર્વનું જ્ઞાન હોય, પણ જો આત્માને જાણે નહીં તો તેની ચેતના જ્ઞાનચેતનાની સંજ્ઞા પામતી નથી. એક આત્મસ્વરૂપને જાણ્યા વિના બધું જાણેલું નકામું છે.
- જ્ઞાનચેતનાનું કાર્ય વિકલ્પ કે વાણી નથી. કોઈને પ્રશ્ન થાય કે જ્ઞાનચેતના પ્રગટે એટલે શું બધાં શાસ્ત્રોના અર્થ ઉકેલતાં આવડી જાય? બીજાને ઉપદેશ આપીને સમજાવતાં આવડી જાય? તો એનો ઉત્તર એમ છે કે આમ થાય જ એવું અનિવાર્ય નથી. કારણ કે અહીં ‘જ્ઞાન' શબ્દ આત્માની અનુભૂતિના અર્થમાં વપરાયો છે. જ્ઞાનચેતનાના ફળમાં શાસ્ત્રના અર્થ ઉકેલતાં આવડે જ એવું કાંઈ અનિવાર્ય નથી, પણ આત્માના અનુભવનો ઉકેલ અવશ્ય પામી જવાય એવી જ્ઞાનચેતના છે. જે જીવ પોતાના આત્માને ચેતી લે છે, જાણી લે છે, આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કરી લે છે; તેને શાસ્ત્રોના અર્થ ઉકેલતાં ન પણ આવડે એવું બની શકે છે. કેટલાક જીવ એવા પણ હોય છે કે જેમને જ્ઞાનચેતના પ્રગટી હોય છે અને સાથે સાથે શાસ્ત્રોનાં અર્થને પામવાની અને ઉકેલવાની શક્તિ પણ પ્રગટી હોય છે. જ્ઞાનચેતના હોય ત્યાં શાસ્ત્રોનાં અર્થ પામવાની શક્તિ ન જ હોય એવું પણ નથી. પરંતુ શાસ્ત્રજ્ઞાન એ કાંઈ જ્ઞાનચેતનાનો માપદંડ નથી. કોઈ જીવ શાસ્ત્રોના અર્થોની ઝપટ બોલાવતો હોય એટલામાત્રથી તેને જ્ઞાનચેતના ઊઘડી ગઈ એમ કહી શકાય નહીં. બીજી બાજુ કોઈ જીવને ભાષાનો યોગ ન હોય કે શાસ્ત્ર તરફનો વિશેષ ઉઘાડ ન હોય, છતાં અંદર જ્ઞાનચેતના હોય એવું બને અને કોઈને જ્ઞાનચેતનાની સાથે તેવો વિશેષ ઉઘાડ હોય એવું પણ બને. જો કે તે ઉઘાડ કાંઈ જ્ઞાનચેતનાની નિશાની નથી. જ્ઞાનચેતનાનું કાર્ય અંતરમાં થાય છે, બહારમાં નહીં. જ્ઞાનચેતના અંતરમાં પોતાના આનંદસ્વરૂપી આત્માને ચેતે છે. પોતાને દેહપણે-રાગપણે જ ચેતે - અનુભવે તે અજ્ઞાનચેતના. અંદરમાં જ્ઞાનસ્વભાવને ચેતે - અનુભવે એનું નામ જ્ઞાનચેતના.
આવી જ્ઞાનચેતના તે જ્ઞાની ધર્માત્માનું લક્ષણ છે. તેમની ચેતના આત્માની પ્રસિદ્ધિ કરે છે. સર્વ અવસ્થામાં તેમની ચેતના આત્માને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાનીની ચેતના હાલતાં, ચાલતાં, ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં અનંત ગુણોના પુંજ એવા આત્માની પ્રસિદ્ધિ કરે છે. આથી વિપરીત, અજ્ઞાની જીવ પોતાના સ્વભાવને ભૂલીને ચેતના વડે પરની પ્રસિદ્ધિ કરે છે. અજ્ઞાનીની ચેતના વિકારની પ્રસિદ્ધિ કરે છે. અજ્ઞાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org