________________
૬૯૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
રસ અનુભવમાં સમાઈ જાય છે. અહો! આત્માના અનુભવનો શું મહિમા!
સ્વાનુભવ થતાં સાધક શુદ્ધ ચેતનારૂપ પરિણત થઈ જાય છે. તે શુદ્ધ ચેતનારૂપ નિજપરિણામોનો કર્તા-ભોક્તા બને છે. શુદ્ધ ચેતનાનું સ્વરૂપ સમજવા માટે પ્રથમ ચેતનાનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. ચેતના એટલે ચૈતન્યશક્તિ. જે ચેતે તે ચેતના. જે જાણે, વેદે તે ચેતના. જે સ્વરૂપથી સદા પ્રકાશમાન છે, અવિનાશી છે તે ચેતના છે.
-
આત્માનું સ્વરૂપ ચેતના છે. ચેતના તે જ આત્મા છે. આત્માની પ્રત્યેક પર્યાયમાં ચેતના વ્યાપેલી છે. સંસારી જીવોની દરેક સમયની પર્યાયમાં રાગ-દ્વેષ તો વ્યાપેલા હોય જ છે અને તે સાથે ચેતના પણ વ્યાપેલી હોય છે, જ્યારે સિદ્ધ ભગવંતોની દરેક પર્યાયમાં માત્ર ચેતના વ્યાપેલી હોય છે. રાગાદિ સઘળા આત્માની સર્વ પર્યાયોમાં વ્યાપીને પ્રવર્તતા નથી. રાગાદિ સર્વ આત્મામાં સર્વ કાળે હોતા નથી. આત્માની પર્યાય રાગાદિ રહિત હોઈ શકે છે, પણ ચેતનારહિત હોઈ શકતી જ નથી. અજ્ઞાનાવસ્થાની તારતમ્યતામાં પણ ચેતના તો સતત પ્રકાશમાન હોય છે. નિગોદવાસી જીવમાં પણ ચેતના સંપૂર્ણપણે આરિત થતી નથી. આમ, ચેતના આત્માની દરેક પર્યાયમાં હોય જ છે. એવું નથી કે કોઈમાં હોય અને કોઈમાં ન હોય. તેથી નક્કી થાય છે કે રાગ-દ્વેષ તે આત્મા નથી, ચેતના તે આત્મા છે. રાગ-દ્વેષાદિ વિકારો તે આત્માનો અંતઃસ્વભાવ નથી. ચેતના જ આત્માનો અંતરસ્વભાવ છે. જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં ચેતના છે અને જ્યાં જ્યાં ચેતના છે ત્યાં ત્યાં જીવ છે. ગુણ વિના દ્રવ્ય એકલું રહી શકે નહીં તથા દ્રવ્ય વિના ગુણ એકલો રહી શકે નહીં. જેમ પાણી વિના શીતળતા એકલી ન રહે, તેમ આત્મા વિના ચેતના એકલી ન રહે. ચેતના આત્મામાં જ પ્રસરે છે. ચેતના ત્રણે કાળે આત્માથી ભિન્ન એવા પરદ્રવ્યમાં પ્રગટતી નથી.
સંવેદનશક્તિ, અનુભવશક્તિ આત્મામાં જ છે, જડમાં નથી. જ્ઞાનનો અનુભવ, કર્તાભાવનો અનુભવ કે ભોક્તાભાવનો અનુભવ એ ત્રણે અનુભવ ચેતના દ્વારા જ થાય છે.૧ આત્માના ચેતના ગુણની પરિણતિને ઉપયોગ કહે છે. આત્માનો ઉપયોગ સ્વમાં લીન છે કે અન્યત્ર, તે અનુસાર ચેતનાના બે ભેદ પડે છે.ર
૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૧, સૂત્ર ૪-૧૪
'जीवस्वभावश्चेतना, यत्सन्निधानादात्मा ज्ञाता द्रष्टा कर्ता भोक्ता च भवति तल्लक्षणो जीवः । '
૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર'ની આચાર્યશ્રી જયસેનજીકૃત ટીકા, ‘તાત્પર્યવૃત્તિ', મૂળ ગાથા ૩૮૭ની ટીકા
'ज्ञानाज्ञानभेदेन चेतना तावद्विविधा भवति I अज्ञानचेतना । सा द्विधा कर्मचेतना कर्मफलचेतना च ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org