________________
ગાથા-૮૯
૩૯
કર્મોનું ફળ ભોગવે છે.
શિષ્ય આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ અને ભોક્નત્વ સ્વીકારે છે, પણ તેને મોક્ષપદ વિષે હજી સંશય છે. તેને શંકા છે કે આત્માની કર્મથી મુક્તિ હશે કે નહીં? શું કર્મનો ક્ષય થઈ શકે? મોક્ષનું અસ્તિત્વ માનવું કે નહીં એવા વિકલ્પોની જાળમાં તે ફસાઈ ગયો છે અને એ બાબતમાં તે કાંઈ નિર્ણય કરી શકતો નથી. પોતાનો સંશય છેદવા તે શ્રીગુરુને વિનંતી કરે છે કે “કૃપા કરી મારા સંશયનું નિવારણ કરો અને મને બતાવો કે મારી યુક્તિમાં શો દોષ છે, જીવનો મોક્ષ કેવી રીતે સંભવે છે.' શ્રીગુરુ હવે તેના સંશયનું નિવારણ કરે છે. સંક્ષેપમાં પણ સમર્થ અને મર્મવેધક ઉત્તર દ્વારા શ્રીગુરુ તેને મોક્ષપદની બાબતમાં નિર્ણય કરાવે છે.
આત્મા પોતાનાં કર્મનો કર્તા અને ભોક્તા છે એમ પ્રતિપાદન કર્યા પછી હવે આત્માનો મોક્ષ છે એમ શ્રીગુરુ ઉપદેશે છે. શિષ્યને નિશ્ચયપૂર્વક લક્ષમાં આવ્યું છે કે શુભાશુભ ભાવમાં પ્રવૃત્ત થયેલ જીવનો પુરુષાર્થ અફળ જતો નથી, અર્થાત્ શુભાશુભ ભાવમાં પ્રવૃત્ત થયેલો જીવ સુખ-દુ:ખરૂપ ફળને અવશ્ય પામે છે. શિષ્યને આ સિદ્ધાંત પ્રમાણ સહિત સિદ્ધ થયો છે, તેથી આ જ સિદ્ધાંત ઉપર વધુ પ્રકાશ નાખીને શ્રીગુરુ મોક્ષપદની સિદ્ધિ કરે છે.
શ્રીગુરુ કહે છે કે “જીવમાં થતાં શુભાશુભ પરિણામનાં કારણે શુભાશુભ કર્મબંધન થાય છે અને કર્મના કરવાપણાથી તેનું ભોક્તાપણું છે એમ તને યથાર્થપણે સમજાયું છે. હવે તું એ વાતનો નિર્ધાર કર કે શુભાશુભ ભાવ, એ દોષરૂપ છે અને તે કરવા - ન કરવામાં જીવ સ્વતંત્ર છે; તેથી જીવ શુભાશુભ ભાવથી નિવૃત્ત થઈ શકે છે. જેમ પ્રવૃત્તિનું સફળપણું છે, તેમ નિવૃત્તિનું પણ સફળપણું છે. જેમ શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; અર્થાત્ શુભાશુભ કર્મની નિવૃત્તિ કરવાથી મોક્ષફળ પ્રાપ્ત થાય છે.'
અજ્ઞાન અવસ્થામાં બાંધેલાં કર્મોનો જીવ કર્તા અને ભોક્તા છે. કષાયથી અનુરંજિત થયેલી યોગપ્રવૃત્તિ વડે જીવ દ્રવ્યકર્મને આકર્ષી, તે વડે બંધાય છે. તે બાંધેલાં કર્મ કાળ પાકતાં ફળ આપે છે અને ત્યારે જીવ સુખ-દુઃખને વેદે છે. વળી, તે વખતે તે રાગ-દ્વેષરૂપે પરિણમી નવાં કર્મ બાંધે છે. આ રીતે અનાદિ કાળથી જીવ કર્મનો વ્યવસાયી છે. જીવ રાગ, દ્વેષ, અજ્ઞાન વડે સતત કર્મો બાંધ્યા કરે છે, પરંતુ તે કર્મો ટાળી શકાય છે. શુદ્ધ ભાવ કરવાથી કમરહિત થવાય છે. કર્મનો નિઃશેષ - બીજ સહિત નાશ થતાં આત્મા પોતાનું સ્વાભાવિક સ્વરૂપ પ્રાપ્ત કરે છે. પોતાના સ્વભાવમાં આત્મા પરિણમે તે મોક્ષ છે. પરભાવમાં પરિણમવું તે બંધ છે અને પરભાવથી છૂટવું તે મોક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org