________________
૬૪૭
જંપે છે. જ્યાં સુધી આવું અંતરપરિણમન ન થાય ત્યાં સુધી પોતાના આત્માર્થની કચાશ સમજીને, સૂક્ષ્મ નિજાવલોકન કરીને તે આત્માર્થની ઉગ્રતા કરે છે.
ગાથા-૧૧૯
આત્માર્થી જીવને સંસારનાં કાર્યોમાંથી રસ ઊડી જાય છે. તેને આત્મા સિવાય બીજે બધે નીરસતા લાગે છે. તેને રૂંવાડે રૂંવાડે સ્વભાવ પ્રત્યેનો ઉત્સાહ જાગે છે. તેને તો માત્ર આત્મસન્મુખ થવાનું જ ગમે છે. તે દેહાદિથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ લક્ષમાં લઈને પોતાનાં પરિણામને વારંવાર આત્મસન્મુખ કરે છે. તેની વિચારધારા આત્મવસ્તુ તરફ જ પ્રવાહિત થાય છે. તેની રહેણીકરણી આત્મવસ્તુને અનુરૂપ થાય છે. કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે તે સતત આત્મજાગૃતિ સેવે છે. તેની પરિણિત વેગપૂર્વક સ્વધર તરફ વધતી જાય છે અને ઉપયોગની વધુ ને વધુ સૂક્ષ્મતા વડે તે બધી સૂક્ષ્મ વિપરીતતાઓને પણ તોડતો જાય છે. તેને ભેદજ્ઞાનના બળથી અંતરમાં શાંતિ આવતી જાય છે.
સતત ઘોલનના પ્રતાપે એક એવી ક્ષણ આવે છે કે ચિત્તવૃત્તિપ્રવાહ ચૈતન્યસત્તામાં લય પામે છે અને તેને આત્માનો અનુભવ થાય છે. આત્મા વિષય-કષાયોથી છૂટીને ચૈતન્યના પરમ ગંભીર શાંત રસમાં ઠરી જાય છે. તેને પોતાનું અત્યંત સુંદર મહાન અદ્ભુત આનંદમય અસ્તિત્વ સ્વસંવેદનપૂર્વક પ્રતીતિમાં આવી જાય છે. ઉપયોગ સ્વાનુભવમાં પ્રવર્તતાં નિર્વિકલ્પ આનંદદશા અનુભવાય છે. ત્યાં દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી, નય-પ્રમાણ વગેરે સંબંધી કોઈ પણ વિચાર હોતો નથી, સર્વ વિકલ્પો વિલય પામ્યા હોય છે. સ્વાનુભવ થતાં દૃષ્ટિમાં ગુંલાટ મારી તે અજ્ઞાનીમાંથી જ્ઞાની થાય છે, બેભાનમાંથી સભાન થાય છે. તેને આત્માનું અપૂર્વ ભાન પ્રગટે છે. શ્રીમદ્ લખે છે
‘પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે, બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. દૃઢ પ્રેમથી અને પરમોલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે.’૧
સદ્ગુરુના ઉપદેશના અવલંબને જીવનો ઉપયોગ જ્યારે સ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યારે તેને નિજપદની પ્રાપ્તિ થાય છે. અનાદિથી જીવ પુદ્ગલ સાથે એકતા માનતો હોવાથી, પોતાના સ્વતત્ત્વને જાણતો નહીં હોવાથી દુ:ખી થાય છે. પરંતુ તેનું સ્વતત્ત્વ તો પુદ્ગલથી અત્યંત જુદું છે. તેનું ચૈતન્યતત્ત્વ શરીરાદિ સાથે જરા પણ એકમેક થયું નથી, રાગરૂપ અશુદ્ધ પણ થયું નથી. એવું ને એવું જ્ઞાનાનંદથી ભરપૂર શુદ્ધ ચૈતન્યતત્ત્વ શાશ્વતપણે બિરાજે છે. પરદ્રવ્ય-પરભાવથી ભિન્ન એવા સ્વતત્ત્વને દેખતાં જ પરમ આનંદની, પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે.
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૫૬ (પત્રાંક-૧૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org