________________
ગાથા-૧૧૭
૬૧૯
પ્રાપ્તિ થઈ જતી નથી. જેણે આત્મપ્રાપ્તિની અંતિમ ઊંચાઈ સુધી પહોંચવું છે, તેણે નિર્વિકલ્પતાની પરાકાષ્ઠાએ પહોંચવું જ જોઈએ. અધ્યાત્મના શિખર ઉપર ચઢતાં ચઢતાં અંતે જગ્યા એટલી સાંકડી થઈ જાય છે કે ત્યાં આત્મા સંબંધી વિચાર પણ ઊભા નથી રહી શક્તા. ત્યાં તો માત્ર એકલી નિર્વિકલ્પતા જ ઊભી રહી શકે છે. કેવળ એક અખંડ અભેદ ઉપયોગ માત્ર! જ્ઞાનીઓ વિચારોને ઉલ્લંઘીને જ ત્યાં પહોંચ્યા છે, જ્યારે અજ્ઞાની વિચારમાં જ અટકી રહ્યો છે. વિચારધારામાંથી નિર્વિચારધારામાં કૂદકો મારવાનો છે. શબ્દમાંથી શૂન્યમાં કૂદકો મારવાનો છે. એવી જગ્યાએ છલાંગ લગાવવાની છે કે
જ્યાં કેવળ મૌન છે. જીવ જ્યારે સર્વ વિકલ્પોનો ત્યાગ કરે છે, અર્થાત્ આત્મસંબંધીના વિચારો પણ જ્યારે વિરામ પામે છે, ત્યારે જ તેને સાચો આરામ - આત્માનંદ પ્રાપ્ત થાય છે.
મોક્ષરૂપી કાર્યની સિદ્ધિ માટે જ્ઞાનીઓ જે ઉપદેશ આપે છે, તેમાં બન્ને પ્રકારનાં વચનો આવે છે. જ્ઞાનીઓ પ્રારંભમાં વિચાર કરવાનો શ્રમ લેવાનો બોધ આપે છે અને અમુક અંશે પ્રગતિ થયા પછી તે શ્રમ છોડવાનું પણ તેઓ કહે છે. પ્રથમ દૃષ્ટિએ તે પરસ્પર વિરુદ્ધ લાગે છે, પણ વાસ્તવમાં તે વિરોધી નથી. જેમ અગાશીમાં જવા માટે સીડીની સહાય લઈને ઉપર ચઢતાં સીડીના છેલ્લા પગથિયે પહોંચાય છે ત્યારે પણ હજી અગાશીમાં પહોંચાતું નથી, છેલ્લું પગથિયું છોડતાં જ અગાશીમાં પગ મૂકી શકાય છે. અગાશીમાં જવા ઇચ્છનાર એમ નથી કહેતો કે છેલ્લે જો સીડી છોડવાની જ છે તો તેને પકડવાની જ શી જરૂર છે? કારણ કે તે સમજે છે કે સીડી પકડવાથી કામનો પ્રારંભ થાય છે અને તેને છોડવાથી કાર્યની પૂર્ણતા થાય છે. તેમ ધર્મની પણ બે ભૂમિકાઓ છે અને તે સમજવી જરૂરી છે. કાર્યપદ્ધતિ આટલી સરળ અને સીધી હોવા છતાં તેની સમજણના અભાવે, સ્વની પ્રાપ્તિ અર્થે પુરુષાર્થ કરનારા જીવોમાંથી બહુ ઓછા જીવો સફળતાને વરે છે.
આમ, સ્વરૂપનો અનુભવ કરવા માટે આત્મવિચારને પણ છોડવાના છે, તે છતાં શરૂઆત તો આત્મવિચારથી જ થાય છે. આત્મવિચાર દ્વારા જ સ્વરૂપના અભ્યાસની શરૂઆત થાય છે. ચિત્તને આત્મવિચારમાં ગૂંથેલું રાખતાં તે પરભાવમાં ખેંચાતું નથી. ‘હું ચિદાનંદ છું', હું શુદ્ધ છું', ‘હું સહજ સુખ સ્વરૂપ છું', ‘હું અનંત શક્તિનો નિધાન છું', ‘હું સર્વજ્ઞ સ્વભાવી છું' ઇત્યાદિ પ્રકારે પોતાના નિજસ્વરૂપમાં જ અહંબુદ્ધિ કરી, નિજાત્માના અનુસંધાનમાં રહેવાથી ચૈતન્યનો રસ ઘૂંટાય છે. ફરી ફરીને એ જ બોધનું દઢીકરણ કરવાથી ચૈતન્યનો રસ વધતો જાય છે. જેમ કેરીનો સ્વાદ જાણ્યા પછી જીવ ફરી ફરી કેરી ખાય છે અને તેની રુચિ ઓછી થતી નથી પણ વધે જ છે; તેમ વારંવાર એ જ વિચારણાથી સાધકનો ચૈતન્ય તરફનો રસ ઓછો થતો નથી, બલ્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org