________________
ગાથા-૧૧૭
૬૦૭ સમ્યજ્ઞાન છે. જે રાગાદિ વિભાવને હુંપણે માને છે તે જીવ પર્યાયદષ્ટિવાળો છે. તેને ત્રિકાળી, જ્ઞાયક, ધ્રુવ સ્વભાવની દૃષ્ટિ કે રુચિ ન હોવાથી તેને પર્યાયમૂઢ કહ્યો છે. આ પર્યાયબુદ્ધિ છોડવી અને દ્રવ્યસ્વભાવમાં ઉપાદેયબુદ્ધિ કરવી એ જ મોક્ષનો ઉપાય છે.
અહીં પ્રશ્ન થાય કે જો પર્યાય વસ્તુનો સ્વભાવ છે. જો પર્યાયને ન માનવામાં આવે તો તે માન્યતા મિથ્યા છે. તો પછી પર્યાયનો સ્વીકાર કરનારને પર્યાયમૂઢ કેમ કહ્યો? પર્યાય ઉપરની દષ્ટિ છોડી દેવાને મોક્ષનો ઉપાય શા માટે કહ્યો?
તેનું સમાધાન - પર્યાયનું અસ્તિત્વ આત્મામાં છે, પણ તે માત્ર વર્તમાન ક્ષણિક અંશ છે. પર્યાયની મુદત એક સમયની છે અને કાયમી રહેનાર ધ્રુવ સ્વભાવની મુદત ત્રિકાળી છે. બદલાતા ક્ષણિક અંશમાં આખું ત્રિકાળી તત્ત્વ આવી જતું નથી. વર્તમાન અંશ ઉપર દષ્ટિ રાખતાં ત્રિકાળી આત્મતત્ત્વનો અનાદર થાય છે. જે ભાવ ક્ષણિક છે, ઉપરટપકે છે, તેટલો જ પોતાને માનવો; અર્થાત્ ત્રિકાળી આત્મસ્વભાવને ન સ્વીકારતાં માત્ર પર્યાયરૂપ પોતાને માનવો તે મિથ્યા છે, મૂઢતા છે. પર્યાયષ્ટિથી વિકારની ઉત્પત્તિ થાય છે અને વિકારનો સંબંધ પરદ્રવ્યો સાથે હોવાથી પર્યાયદષ્ટિવાળો જીવ પરદ્રવ્યો સાથેની એકત્વબુદ્ધિના કારણે પોતાને પરદ્રવ્યોનો કર્તા માને છે. આનું જ નામ મિથ્યાત્વ છે. આ જ અધર્મ છે. તેથી દષ્ટિને ત્રિકાળી દ્રવ્ય તરફ ઢાળવી જોઈએ. પર્યાયબુદ્ધિને છોડી ત્રિકાળી ધ્રુવ તત્ત્વ તરફ દૃષ્ટિ કરવી જોઈએ. વસ્તુમાં પર્યાય છે, પરંતુ તેના ઉપર દૃષ્ટિ નથી રાખવાની, તેના ઉપર વજન નથી આપવાનું. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેરે ત્રિકાળી ગુણો અને તેની વર્તમાન પર્યાયો આત્મામાં છે, પણ તે ગુણભેદ ઉપર કે વર્તમાન બદલાતી પર્યાય ઉપર જે દૃષ્ટિ રાખી છે, તેને છોડવાની છે. રુચિનું વજન માત્ર નિજ શુદ્ધ, ધ્રુવ દ્રવ્યસ્વભાવ ઉપર જ રાખવાનું છે.
પૂર્ણ, શુદ્ધ, ધ્રુવ આત્મસ્વભાવ જ અમૃતરૂપ છે. એની ઓળખાણ સિવાય બીજા જેટલા ભાવો કરે તે બધા જ ઝેરરૂપ છે, સંસારરૂપ છે. પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરી, તેની શ્રદ્ધા કરવી તે ધર્મ છે. આત્મસ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે. જેમ નાળિયેરની છાલથી અને કાચલીથી ટોપરું જુદું છે, તેમજ ટોપરા ઉપરની રાતપ - તે પણ કાચલી તરફનો ભાગ છે, વાસ્તવિક ટોપરું નથી. માત્ર અંદર ધોળો, મીઠો ગોળો તે જ ટોપરું છે. તેમ શરીર છે તે નાળિયેરની છાલરૂપ છે, કાર્મણ શરીર છે તે નાળિયેરની કાચલીરૂપ છે. તે બન્ને આત્મા નથી. રાગરૂપી રાતપ તે પણ પર તરફની છે, આત્માની નથી. ટોપરારૂપ આત્મા તો ત્રિકાળી શુદ્ધ છે. એની શ્રદ્ધા કરવી તે ધર્મ છે. શ્રીમદ્ અહીં ગર્ભિતપણે કહે છે કે - “તારો શુદ્ધ સ્વભાવ જ ઉપાદેય છે. તેનો જ તું સ્વીકાર કર. એ સિવાય બીજું કાંઈ ગ્રહણ કરવા જેવું નથી. પર્યાયમાં રાગાદિ હોવા છતાં તે રહણ કરવા જેવા નથી. એકમાત્ર શુદ્ધ સ્વભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org