________________
૧૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
આત્માને બંધ ન હોય. વળી, બંધ વિના મોક્ષ પણ ન જ હોય. બંધનો અભાવ થવાથી મોક્ષનો પણ અભાવ જ થાય છે.
કર્મની નિર્દેતુક ઉત્પત્તિ પણ સંભવતી નથી. જો કર્મની ઉત્પત્તિમાં કોઈ પણ કારણ ન હોય છતાં તે ઉત્પન્ન થતું હોય તો તેનો વિનાશ પણ નિહેતુક જ માનવો જોઈએ. પરંતુ ઉત્પત્તિ કે વિનાશ બને નિર્દેતુક તો હોઈ શકે નહીં, માટે કર્મને જીવથી પહેલાં માની શકાય નહીં. પ્રથમ કર્મ પછી જીવે એમ પણ સંભવિત નથી. (૩) ત્રીજો વિકલ્પ છે કે શું આત્મા અને કર્મ એકીસાથે ઉત્પન્ન થાય છે? આ વાત પણ બરાબર નથી. જીવ તથા કર્મ જો બન્ને સાથે ઉત્પન્ન થતાં હોય તો તેમાં જીવને કર્તા અને કર્મને તેનું કાર્ય કહી શકાય નહીં. સાથે ઉત્પન્ન થયેલી વસ્તુમાં એક કર્તા અને બીજું તેનું કાર્ય એમ કર્તુત્વ-કાર્યત્વ ઘટી શકતું નથી. લોકમાં એક જ સાથે ઉત્પન થનારાં ગાયનાં શિંગડાં અને પૂછવામાં જેમ એકને કર્તા અને બીજાને કાર્ય કહેવાતું નથી, તેમ જીવ અને કર્મ પણ જો એકસાથે જ ઉત્પન્ન થતાં હોય તો તેમાં પણ કર્તાકાર્યનો વ્યવહાર ઘટી શકતો નથી. જો આત્મા અને કર્મ એકી વખતે ઉત્પન્ન થાય તો તેમાં કર્તા કોણ? કાર્ય કોણ? અને બંધ કોનો? સાથે ઉત્પન્ન થયેલા હોવાથી તે બન્ને વચ્ચે બંધક અને બંધ્યભાવ પણ ઘટી શકતો નથી. જો આત્માને બંધ જ ઘટતો ન હોય, તે અબદ્ધ હોય તો તેને મોક્ષનો અભાવ હોય છે.
આ પ્રમાણે પ્રથમ જીવ પછી કર્મ એમ પણ હોઈ શકતું નથી, પ્રથમ કર્મ પછી જીવ એમ પણ બની શકતું નથી અને જીવ-કર્મ એકસાથે ઉત્પન્ન થવાં પણ સંભવિત નથી. પાછળથી, પ્રથમ અથવા સાથે - એમ કોઈ પણ પ્રકારે આત્મા અને કર્મ વચ્ચે સંબંધ હોઈ શકતો નથી. આત્માને કર્મબંધ છે જ નહીં. આત્માની સાથે કર્મના સંબંધની અવ્યવસ્થા - અનુત્પત્તિ છે, તેથી મોક્ષ જેવી કોઈ વસ્તુ જ નથી. આત્માને કર્મનો બંધ કોઈ રીતે ઘટી શકતો નથી, માટે આત્માનો મોક્ષ થવાની વાત પણ સંભવતી નથી. કર્મરૂપી બંધન ન હોવાથી તેનો મોક્ષ પણ નથી. આત્માને બંધ ન હોવાથી મોક્ષ છે જ નહીં. આમ, જીવને બંધ-મોક્ષ નથી એમ સિદ્ધ થાય છે.
આની સામે મોક્ષવાદીઓ એમ દલીલ કરે છે કે આત્મા અને કર્મનો સંબંધ અનાદિ કાળથી છે. આત્મા અને કર્મ બન્ને હંમેશાં સાથે હોય છે, બનેનો અનાદિ સંબંધ છે. આત્મા-કર્મનો સંયોગ અનાદિ છે; તેથી પાછળથી, પહેલાં કે એકસાથે ઉત્પત્તિનો પ્રશ્ન જ સંભવતો નથી. આ દલીલનો પ્રત્યુત્તર આપતાં અમોક્ષવાદીઓ કહે છે કે જો આત્મા અને કર્મનો સંબંધ અનાદિ હોય તો એ સંબંધ અનંત પણ બની જાય છે. જેનો આદિ ન હોય તેનો અંત પણ ન હોય, માટે જીવ કર્મથી મુક્ત થતો નથી, તેથી તેનો મોક્ષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org