________________
૪૫૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
પકડે છે. તે કોઈ પુણ્યોદયમાં લેપાતો નથી અને જગતની કોઈ પણ પ્રતિકૂળતાથી ભય પામતો નથી. તે અનુકૂળતામાં લીન થતો નથી અને પ્રતિકૂળતામાં દીન થતો નથી. તેને અનુકૂળતામાં ઠીકપણાની અને પ્રતિકૂળતામાં અઠીકપણાની લાગણી થતી નથી. સ્વના અભ્યાસમાં દક્ષતા આવતાં કોઈ પણ પરિસ્થિતિ તેને અનુકૂળ-પ્રતિકૂળ લાગતી નથી. બહારના સંયોગો તેને સુખી કે દુ:ખી કરી શકતા નથી. કોઈ પણ પરિસ્થિતિમાં તે સુખ-દુઃખ અનુભવતો નથી. તેનાથી તે અપ્રભાવિત જ રહે છે. જે પણ પરિસ્થિતિ આવે તેને જીવનની સ્વાભાવિક ઘટમાળ ગણીને તે સ્વીકારી લે છે. તે પરનો માત્ર જ્ઞાતા રહેવાનો અભ્યાસ કરે છે. પોતાના આવા વિશિષ્ટ અભિગમના કારણે તે ગમે તેવા સંજોગોમાં પણ પોતાનો આત્મવિકાસ સાધે છે. તે સંજોગો પ્રત્યે લક્ષ ન કરતાં રાત-દિવસ ચૈતન્યપદને જ ચાહે છે. જેમ જેમ સ્વરૂપદૃષ્ટિનું બળ વધતું જાય છે, તેમ તેમ આનંદનું ધામ તેને પોતાની અંદર જ વધુ ને વધુ નજીક દેખાતું જાય છે. સ્વસન્મુખ પુરુષાર્થ આગળ વધીને સ્વાનુભવમાં પરિણમે છે અને તેને સ્વાધીન આનંદની ઉપલબ્ધિ થાય છે. અંતરસંશોધનના અભ્યાસથી નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ અનંત પરિભ્રમણનો છેદ ઊડી જાય છે.
આમ, જિજ્ઞાસુ જીવ સદ્ગુરુના નિરંતર તથા વિશેષ સમાગમના આશ્રયે બોધ પ્રાપ્ત કરી સ્વરૂપની સમજણ કરે છે. સદ્ગુરુના સદુપદેશને અનુસરી તત્ત્વનિર્ણય કરી તે વ્યવહાર સમકિતની પ્રાપ્તિ કરે છે. સદ્ગુરુના બોધનો આશ્રય કરી તે અંતરશોધનની કળામાં પારંગત થાય છે. આધ્યાત્મિક ચેતનાના વિકાસમાં આ મહત્ત્વનો તબક્કો છે. અનાદિથી જે વિકારભાવ ક્ષીણ થતો ન હતો તે નિજ અવલોકનથી પકડાય છે, સ્વભાવ-વિભાવ વચ્ચે ભેદજ્ઞાન થાય છે; પરિણામે ઉપયોગનું જોડાણ ચૈતન્યસત્તામાં થઈ વિકારનો નાશ થાય છે. જિજ્ઞાસુ જીવ આ પ્રકારે અપૂર્વ અંતરસંશોધનથી ક્રમે કરીને નિશ્ચય સમકિતની પ્રાપ્તિ કરે છે. જેમ પાતાળકૂવો ખોદતાં, જ્યારે પથ્થરનું છેલ્લું પડ તૂટીને તેમાં કાણું પડે છે ત્યારે તેમાંથી ઊડેલા પાણીની સેરની ઊંચાઈ જોતાં, પાતાળમાં રહેલા પાણીના જોરનો અંદાજ આવે છે; તેમ સૂક્ષ્મ ઉપયોગ વડે ઊંડાણમાં ચૈતન્યતત્ત્વના તળિયા સુધી પહોંચી જતાં, નિશ્ચય સમકિત પ્રગટતાં જે આંશિક શુદ્ધ પર્યાય ફૂટે છે, તે પર્યાય વેદતાં આત્મતત્ત્વનું અનંત ધ્રુવ સામર્થ્ય અનુભવમાં - સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. શ્રી કાનજીસ્વામી કહે છે કે
‘આગળ કહ્યા તેવા આત્માર્થી સુલક્ષણવાન જીવને, સદ્ગુરુનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તેને સત્ શ્રવણ કહેવાય છે, તે સદ્ગુરુનો ઉપદેશ થતાં પોતાને અંતરમાં બેસે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ આમ જ છે, એવો નિઃસંદેહ ભણકાર આવે છે, તેને અવ્યક્તપણે કારણ પ્રગટ થાય છે, અને દૃઢ રુચિ વધે છે, તેને “વર્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org