________________
ગાથા-૧૦૯
૪૫૩
થાય છે.
નિજ અવલોકનથી પુષ્કળ લાભ થતો હોવા છતાં પણ બહિર્દષ્ટિ જીવ પોતાના અંતરનું અવલોકન કરતો નથી. એવું નથી કે તેની પાસે અવલોકન કરવાની શક્તિનો અભાવ છે અને તેથી નિજ અવલોકન થઈ શકતું નથી. અવલોકન કરવાની શક્તિ તો સર્વ જીવમાં છે, પણ બહિર્દષ્ટિ જીવ તેનો ઉપયોગ વિપરીત દિશામાં કરે છે. દૂરબીન તો તેની પાસે છે જ, પરંતુ તેની દિશા તે ઊલટી રાખે છે. દૂરબીનને પર તરફ તાકીને રાખેલું છે, તેથી તે દ્વારા તેને પરનું જ દર્શન થાય છે. તેનો ઉપયોગ બહારની તરફ કેન્દ્રિત છે, પરમાં લાગેલો છે. અવલોકનની શક્તિ આવે છે તો ભીતરમાંથી જ, પરંતુ ધ્યાન બહારની વસ્તુઓ પર છે, એટલે ભીતરમાં અંધારું છે. ભીતરનું ભાન નથી અને જગતનો જાણકાર થઈને ફરે છે. જીવે બીજાની ફિકર છોડીને પોતાની ભીતરમાં જવું જોઈએ. દૃષ્ટિ સ્વ તરફ કેન્દ્રિત કરવી જોઈએ. અવલોકનના દૂરબીનને અંતર તરફ વાળવું જોઈએ કે જેથી ભીતરમાં શું છે તે જોવાનું શરૂ થાય. જેમ જેમ પોતાના દોષોને જોવાનો પ્રયાસ વધતો જાય છે, તેમ તેમ તે પ્રયાસમાં સૂક્ષ્મતા આવતી જાય છે. તેની દષ્ટિ સંજોગો પ્રત્યે ન જતાં પોતાની ભૂલ પ્રત્યે જાય છે. તે આત્મનિરીક્ષણ દ્વારા સ્વદોષને પકડે છે, તેનો સ્વીકાર કરે છે.
દોષનો અપક્ષપાતપણે સ્વીકાર થતાં તેને તે દોષથી છૂટવાની તાલાવેલી જાગે છે. તે વિચારે છે કે “મેં આવું કાર્ય કેમ કર્યું? હવે શુદ્ધિ કેવી રીતે કરું? કઈ રીતે તે દોષોને દૂર કરું? મારે હવે તે દોષો પુનઃ કરવા નથી.' તે પોતાનાં વિરાધક પરિણામોનો ખરા અંતઃકરણથી પશ્ચાત્તાપ કરી, પુનઃ ન કરવાની પ્રતિજ્ઞા કરે છે. ‘દોષનો એક કણ પણ કલંકરૂપ છે, તે મને ન જોઈએ' એવો દઢ નિશ્ચય કરે છે. પોતાની વર્તમાન અવસ્થામાં રહેલા દોષો તેને અત્યંત ખેંચે છે અને એ દોષોને દૂર કરવાનો ઉગ્ર પુરુષાર્થ તે આદરે છે.
અપક્ષપાતપૂર્વકના નિજ અવલોકનના આવા અભ્યાસથી જીવની યોગ્યતા વધતી જાય છે, કારણ કે દર્શનમોહનો રસ મોળો પડે છે. ચારિત્રમોહના દોષ અત્યંત સ્થળ હોવાના કારણે બધાને સમજાય છે, દેખાય છે; જ્યારે દર્શનમોહનો દોષ મોટો હોવા છતાં પણ સૂક્ષ્મ હોવાના કારણે બીજાની સમજમાં આવતો નથી. સામાન્ય રીતે લોકો દર્શનમોહ ઘટાડવાનો પ્રયત્ન કરતા નથી અને ચારિત્રમોહનો દોષ ઘટાડવાના પ્રયત્નમાં લાગેલા રહે છે, તેથી તેમનો દર્શનમોહ બળવાન થતો જાય છે અને તેથી તેઓ મોક્ષમાર્ગે એક ડગલું પણ ભરી શકતા નથી. મોક્ષમાર્ગની યાત્રાનું મંડાણ દર્શનમોહને ટાળવાથી થાય છે. નિજ અવલોકનથી ક્રમશઃ દર્શનમોહની બળવત્તરતા ઘટે છે અને જીવ આત્મદશાની ઊંચી ને ઊંચી પાયરીએ ચઢતો જાય છે. જેમ જેમ નિજ અવલોકન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org