________________
૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સાથે તે આત્માનો વિલક્ષણ સંયોગ ફરી કદી પણ થતો નથી; આ જ મોક્ષ છે. અદષ્ટનો અભાવ થવાથી, અર્થાત્ કર્મચક્રની ગતિનો અંત આવવાથી આત્માનો શરીર સાથેના સંબંધનો વિચ્છેદ થાય છે. જન્મ-મરણની પરંપરા નષ્ટ થવાથી બધા પ્રકારનાં દુઃખોથી જીવાત્મા હંમેશને માટે છુટકારો મેળવે છે. દુઃખના ૨૧ ભેદ માનેલ છે - ૧ શરીર + ૬ ઇન્દ્રિયો + ૬ વિષયો + ૬ બુદ્ધિ + ૧ સુખ + ૧ દુઃખ. આ સર્વ દુ:ખોનો આત્યંતિક નાશ તે જ મોક્ષ છે. મોક્ષ અવસ્થામાં આત્માનો કોઈ વિશેષ ગ જોડે સંયોગ થતો નથી, પણ ઔપાધિક ગુણોથી તેનો વિચ્છેદ થાય છે અને ત્યારે જ આત્મા તેના શુદ્ધ સ્વરૂપે જણાય છે. (૬) સાંખ્ય દર્શનની દૃષ્ટિએ મોક્ષ
પુરુષ પ્રકૃતિથી ભિન્ન છે, છતાં પોતાને પ્રકૃતિ સાથે ગૂંચવી નાખી પ્રકૃતિની ક્રિયાઓને અહંકારવશ એ પોતાની માની લે છે અને એ રીતે તે સ્વયં પોતાના માર્ગમાં દુઃખ ઊભાં કરે છે. પુરુષ પોતે પ્રકૃતિથી જુદો છે એમ માનવું તેનું નામ વિવેકજ્ઞાન છે. આ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરી પ્રકૃતિના બધા વિકારોથી મુક્ત થવું એ જ પુરુષની મુક્તિ છે. પ્રકૃતિ અને પુરુષનો વિયોગ થવો - પ્રકૃતિથી અલગ એવી પુરુષની સ્થિતિ એ જ તેને માટે મોક્ષ છે. મોક્ષધર્મ વસ્તુતઃ પ્રકૃતિનો છે - પુરુષનો નહીં, કારણ કે પુરુષ સ્વયં ન તો બદ્ધ છે કે ન તો મુક્ત છે. પ્રકૃતિ જ બંધાય છે, તે જ સંસારનો અનુભવ કરે છે અને તેનો જ મોક્ષ થાય છે. પુરુષના સંબંધમાં જે મોક્ષની વાત છે તે માત્ર પ્રતિબિંબરૂપ થતાં મિથ્યા દુઃખનો વિયોગ છે. સાંખ્ય શાસ્ત્રમાંથી જીવન્મુક્તિ તથા વિદેહમુક્તિ - બન્ને પ્રકારની મુક્તિને ટેકો મળે તેવા વચનો ઉપલબ્ધ થાય છે. જીવન્મુક્ત વ્યક્તિ કાર્યરત રહે છે. તેનાં પ્રારબ્ધકર્મો તો ચાલુ જ રહે છે, પરંતુ નવાં કર્મો તેને બંધનરૂપ નીવડતાં નથી. બુદ્ધિરૂપી ભૂમિમાં ક્લેશરૂપી જળનું સિંચન થવાથી કર્મબીજ ઉત્પન્ન થાય છે. તત્ત્વજ્ઞાનરૂપી ગરમીના કારણે ક્લેશરૂપી જળ સુકાઈ જવાથી તે પડતર જમીનમાં કર્મબીજ ઊગતું નથી. નિરપેક્ષ, દ્રષ્ટા, સાક્ષીસ્વરૂપ પુરુષ જ્યારે પ્રકૃતિને બરાબર સમજી લે છે ત્યારે પ્રાપ્ત થયેલા વિવેકજ્ઞાનના કારણે તે ફરીથી પ્રકૃતિના બંધનમાં પડતો નથી. આ જીવન્મુક્તિની અવસ્થા છે. સમ્યક જ્ઞાન પ્રાપ્ત થતાં ધર્મ આદિ બંધનાં કારણ બનતાં અટકી જાય છે, તેથી જ્ઞાની ફરતા ચાકડાની જેમ સંસ્કારને વશ, શરીર ધારણ કરતા રહે છે. અંતિમ શરીરનો નાશ થયા પછી તે વિદેહમુક્તિ પ્રાપ્ત કરે છે. દેહનો પાત થતાં અને પ્રકૃતિ કૃતાર્થ થઈ નિવૃત્ત થતી હોવાથી પુરુષ ઐકાંતિક અને આત્યંતિક એમ બન્ને પ્રકારનું કૈવલ્ય પ્રાપ્ત કરે છે. આ વિદેહમુક્તિ એ જ વાસ્તવિક મુક્તિ છે. દુઃખત્રયની આત્યંતિક નિવૃત્તિ એ જ મોક્ષ છે. મુક્ત અવસ્થામાં આનંદનો અનુભવ થાય છે એમ સાંખ્યમત સ્વીકારતો નથી. સાંખ્યમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org