________________
૩૭૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જેવી કોઈ એકાદ બાબતમાં પણ રહેલ વિચારભેદ કે ચર્યાભેદનાં પ્રસંગે, દષ્ટિરાગવિવશ, પોતાથી જુદી છાવણીમાં રહેલ જનોની અવહેલના, અનાદર, ઉપહાસ થતાં રહે એ શું હકીકત નથી? આના મૂળમાં ધર્મના પૂર્વોક્ત બે અંશનું અજ્ઞાન રહેલું છે.
માત્ર જૈનોમાં જ નહિ પણ જૈન, હિંદુ, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ વગેરે કોઈ પણ ધર્મના અનુયાયીઓ તરફ દષ્ટિ કરતાં ત્યાં આવી સંકીર્ણ મનોદશા જોવા મળે છે. ઉદાહરણ તરીકે હિંદુ ધર્મના ત્રણ મુખ્ય સંપ્રદાયો : વૈષ્ણવ, શૈવ અને શાક્તની વાત લઈએ તો આપણને દેખાશે કે એ ત્રણમાંના પ્રત્યેકના અનુયાયીઓનો મોટો ભાગ પોતાના સંપ્રદાય કે પેટા સંપ્રદાયને અને તેમાં વિકસેલ કર્મકાંડ, વિધિનિષેધ તથા આચાર-વિચારની પ્રણાલીને જ સાચો ધર્મ માને છે અને અન્ય સંપ્રદાયમાં પ્રચલિત અને માન્ય રહેલ જે રીતરસમ, વિચાર-વર્તન કે માન્યતાઓને તેના સંપ્રદાયે અમાન્ય કે વર્ય ગણાવેલ હોય તેના પ્રત્યે તે પૂર્વગ્રહ, તિરસ્કાર અને ઉગ્ર વિરોધ સુદ્ધાં સેવે છે. જેમ કે આડું ટીલું કે, ગેરુઆ વસ્ત્રને વૈષ્ણવો વર્જ્ય ગણે છે, જ્યારે શૈવો ગેરુઆ રંગને વાસના ઉપરના વિજયનું પ્રતીક ગણી સંન્યાસીઓ માટે એ રંગના વસ્ત્રપરિધાનનો આગ્રહ રાખે છે. વૈષ્ણવો સાધુ માટે સફેદ અને તે બાળબ્રહ્મચારી હોય તો પીળા રંગના વસ્ત્રપરિધાનને માન્યતા આપે છે, અને તિલક ઊભી લીટીઓની ભૂમિકા પર રચે છે; જ્યારે શૈવ સંપ્રદાયો તિલક માટે આડી લીટીની ભૂમિકાનો આગ્રહ રાખે છે.....
એ જ રીતે, શીખધર્મના અકાલી અને નિરંકારી જૂથો વચ્ચે તેમજ ઇસ્લામ ધર્મના શિયા-સૂન્ની પંથો અને તેના અવાંતર સંપ્રદાયો વચ્ચે પણ ખૂનરેજીભરી અથડામણોનો ઈતિહાસ છે. ખ્રિસ્તી ધર્મના પ્રમુખ સંપ્રદાયો - રોમન કેથોલિક, પ્રોટેસ્ટન્ટ, યુરિટન, પ્રીટેરિયન અને તેના સેંકડો પેટા સંપ્રદાયો - જૂથોમાં પણ આવાં ભાવ-વલણો પ્રચલિત રહ્યાં છે, એની સાક્ષી ઈતિહાસ પૂરે છે.'
વિવેકદ્રષ્ટિસંપન્ન સાધકો વિભિન્ન મત-પંથના ક્રિયાકાંડોમાં વિભિન્નતા જોઈને મૂંઝાતા નથી. તેમનો લક્ષ પરમાર્થમાર્ગ પ્રત્યે હોય છે. સાધનાના આંતરિક અંશનું મહત્ત્વ હોવાથી તેઓ બાહ્ય અંશની વિભિન્નતામાં અટકી જતા નથી. પરંતુ સંકુચિત મનોવૃત્તિવાળા અને સાંપ્રદાયિકતાને જ મહત્ત્વ આપનારા જીવો ક્રિયાકાંડોની વિભિન્નતાથી મૂંઝાય છે. તેમને સાધનાના બાહ્ય અંશનું જ મહત્ત્વ હોવાથી પોતાના સંપ્રદાયનાં ક્રિયાકાંડનો આગ્રહ રાખે છે તથા અન્ય મત-પંથના ક્રિયાકાંડોનો અસ્વીકાર કે નિંદા કરે છે અને તેથી તેઓ મોક્ષમાર્ગના પરમાર્થતત્ત્વથી અજાણ રહી જાય છે.
ધર્મારાધકોને બાળ અને બુધ એમ બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે. ૧- મુનિશ્રી અમરેન્દ્રવિજયજી, ‘આપણે આત્મનિરીક્ષણ કરીશું?', બીજી આવૃત્તિ, પૃ. ૨૭-૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org