________________
ગાથા-૧૦૨
૩૧૯ આત્માને વિકાર નથી કરાવતાં, જીવ સ્વયં પોતાને ભૂલીને રાગ-દ્વેષ-અજ્ઞાનરૂપ વિકારી પરિણમન કરે છે. જો કર્મ રાગ-દ્વેષ કરાવે તો આત્મા પરાધીન થઈ જાય, પરંતુ આત્મા સ્વતંત્ર છે, સ્વાધીન છે. રાગ-દ્વેષમાં જોડાવું કે ન જોડાવું એ જીવના પોતાના હાથમાં છે. ગમે તેવા સંયોગો આવે તો પણ આકુળતા ન કરવી, ખેદ ન કરવો એ તેના પોતાના હાથની વાત છે. જીવ પોતે જ સ્વતંત્ર રીતે દોષ કરે છે અને તે દોષથી પોતે જ પાછો વળે છે. ગમે તે સંજોગોમાં પણ રાગ-દ્વેષ ન કરવાનો અને શાંતિ રાખવાનો ભગવાનનો ઉપદેશ છે. જો જીવ પોતે કંઈ ન કરી શકતો હોય તો ભગવાનનો આ ઉપદેશ વ્યર્થ જાય. જો કર્મ જ બધું કરાવતું હોય તો તેઓ જીવને દોષ ન કરવાનો ઉપદેશ શા માટે આપે?
જીવને બીક છે કે જો રાગ-દ્વેષની જવાબદારી મારા ઉપર લઈશ તો કોઈ કહેશે કે તો પછી તમે રાગ-દ્વેષને શા માટે દૂર કરતા નથી? રાગ-દ્વેષને જીવ દૂર કરી જ શકે છે એમ સ્વીકારતાં દોષ પોતાની જાતને જ દેવો પડે છે. સ્વીકારવું પડે છે કે કલ્યાણપ્રાપ્તિને ટાળનાર પોતે જ છે. તેથી તે જવાબદારી પોતાના માથેથી ઉતારી કર્મ ઉપર નાખે છે. તેને રાગ-દ્વેષ સામે લડવું નથી, તેમાંથી છૂટવા પગલાં લેવાં નથી તે માટેનો આ માત્ર એક બચાવ છે. તે બતાવે છે કે પોતે કશું કરતો નથી, કારણ કે પોતે કશું કરી શકતો નથી, પરંતુ વાસ્તવિક્તા એ છે કે તે કશું કરી શકતો નથી, કારણ કે તેને કશું કરવું નથી. તેનામાં કાર્ય ઉપાડવાનો ઉત્સાહ નથી, કાર્યને અંત સુધી લઈ જવાની ધગશ નથી, તેથી તે બધી જવાબદારી કર્મ ઉપર ઢોળી નાખે છે.
કર્મસિદ્ધાંતનું આવું અવળું અર્થઘટન કરી જીવ આ રીતે પુરુષાર્થ કરવાનું ટાળે છે. તે કર્મસિદ્ધાંતની આડ લઈ પોતાના પ્રમાદને પોષવાની સુવિધા ઊભી કરે છે. આમ કરવાથી તેને ઘણી સગવડ રહે છે! તે જેવો છે તેવો રહી શકે છે. તે કષાય કરે છે, પ્રમાદ કરે છે અને બતાવે છે કે કોઈ ઉપાય નથી. સ્વયં રાગ-દ્વેષ કરે છે અને કર્મોને દોષ આપે છે કે ‘કર્મોએ મને પકડ્યો છે', ‘કર્મો મને તંગ કરી રહ્યાં છે; પરંતુ તેમાં કર્મોનો તો કોઈ દોષ છે જ નહીં. જીવ સ્વયે રાગ-દ્વેષને આમંત્રણ આપે છે. તેના ઉપર કોઈની જબરદસ્તી કે દબાણ નથી. તે પોતે સ્વતંત્રપણે રાગ-દ્વેષમાં તત્પર રહે છે અને પછી કર્મોને બદનામ કરે છે. જીવ પુરુષાર્થ કરે તો કર્મોએ સાથ છોડવો જ પડે છે. બે ઘડીમાં અનંતાં કર્મો નાશ પામે છે.
આના ઉપરથી સિદ્ધ થાય છે કે ખરેખર તો આત્માની અવસ્થામાં ભૂલ છે. એ ભૂલમાં કર્મ નિમિત્ત છે, પણ કર્મ ભૂલ કરાવતું નથી. જીવ ભૂલ કરવાનું છોડી દે તો કર્મ ભૂલ કરાવી શકતું નથી. ભૂલ ટળતાં કર્મનો સંયોગ પણ સ્વયં ટળી જાય છે. આ ભૂલ ટાળવા જીવ પૂર્ણપણે સમર્થ છે. તે સ્વયં શક્તિનો પૂંજ છે. તેથી જીવે કર્મબંધનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org