________________
૨૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જો આત્માનું સ્વલક્ષણ હોય તો તે રાગના નાશથી આત્મા પણ નાશ પામે, પણ રાગનો નાશ થવા છતાં સિદ્ધ જીવો સાદિ-અનંત કાળ સમાધિસુખ ભોગવે છે, માટે રાગ આત્માનું લક્ષણ નથી. ઉપયોગ એ આત્માનું લક્ષણ છે, કારણ કે તે આત્માથી કદી જુદું પડતું નથી. ઉપયોગના અભાવમાં આત્માનો અભાવ હોય છે, અર્થાત્ આત્મા ઉપયોગ લક્ષણ વગરનો કદી હોતો નથી.
આત્માને પોતાના ઉપયોગસ્વરૂપમાં સદા તન્મયપણું છે. શરીરાદિમાં કે રાગાદિમાં તેને તન્મયપણું નથી. તે ઉપયોગ કોઈથી રચાયેલો નથી, પોતાની હયાતી ટકાવવા તે કોઈ ઇન્દ્રિયની કે રાગની અપેક્ષા રાખતો નથી. આત્માનું સ્વરૂપ ઇન્દ્રિયો કે રાગાદિ વગર સ્વયંસિદ્ધ છે. પોતાનું ઉપયોગપણું છોડીને આત્મા કદી પુદ્ગલરૂપ થઈ જતો નથી. જેમ અંધકારને અને પ્રકાશને એકપણું કદી નથી, પણ સદા જુદાપણું જ છે; તેમ રાગાદિ ભાવોને અને ચેતનપ્રકાશરૂપ ઉપયોગને કદી એકપણું નથી, પણ સદા જુદાપણું જ છે. આત્મા સદા ઉપયોગસ્વરૂપ જ રહ્યો છે, તેનું ઉપયોગસ્વરૂપ ક્યારે પણ હણાયું જ નથી. આત્મા અને અનાત્મા બને જુદા હતા, છે અને રહેશે. એ કદાપિ એકાકાર થયા નથી, પણ ભ્રાંતિના કારણે શ્રદ્ધાનમાં એકરૂપ ભાસે છે. મિથ્યાત્વના કારણે હું દેહધારી છું'ને બદલે હું દેહરૂપ છું' એમ ભાસવાથી તેનો દેહાધ્યાસ પુષ્ટ થયો છે. હું દેહને જાણનારમાત્ર છું' એમ શ્રદ્ધવાને બદલે ‘હું દેહ છું' એવું માની બેઠો હોવાથી શ્રદ્ધાન વિપરીત થતાં આત્મા-અનાત્મા એકાકાર થઈ ગયા છે. વાસ્તવમાં બને જુદા છે. જીવ જુદો છે અને દેહ જુદો છે. તે પોતાને દેહરૂપે માને છે, પણ તે એક, શાશ્વત, જ્ઞાન-દર્શન લક્ષણયુક્ત આત્મા છે. જીવે સત્સંગના યોગે આવા સ્વતત્ત્વનું ભાન કરવા યોગ્ય છે. જો તે આત્મા-અનાત્માનું ભિન્નપણે જાણે તો જ તે શુદ્ધ ઉપયોગરૂપ ધર્મને સાધી શકે. નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી વિમુક્ત ઉપયોગસ્વરૂપનો અનુભવ, શુદ્ધોપયોગ તે જ ધર્મ છે. ઉપયોગ લક્ષણ વડે પોતાને સમસ્ત જડથી અને રાગથી જુદો જાણી, ઉપયોગસ્વરૂપે પોતાને અનુભવમાં લેતાં અત્યંત આનંદ પ્રગટે છે. રાગાદિ ભાવો ઉપયોગથી વિપરીત છે. તેમાં આનંદ નથી, પણ ભાવમરણ છે. ચેતનાનું રાગરહિત નિર્મળ પરિણમન તે જ સાચો ધર્મ છે, કેમ કે તેમાં પોતાનો ઘાત થતો નથી, પણ આનંદમય સ્વભાવની ઉપલબ્ધિ થાય છે. ઉપયોગની શુદ્ધ અવસ્થા હોય ત્યારે તેની સાથે શાંતિ, આનંદ વગેરે સર્વ ગુણોથી આત્મા શોભી ઊઠે છે.
આમ, શ્રીમદે સૂત્રાત્મક શૈલીથી આ ગાથામાં બતાવ્યું કે આત્માનું સ્વરૂપ નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ આદિના આભાસથી રહિત છે. જેમ તેલનાં ટીપાં ગમે તેટલો વખત પાણી સાથે રહે તોપણ પાણીના દળમાં પ્રવેશતાં નથી, ઉપર ને ઉપર જ રહે છે; તેમ પરદ્રવ્ય અને પરભાવ અનંત કાળે પણ આત્મસ્વભાવમાં પ્રવેશી શકતાં નથી, ધુવતળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org