________________
૨૦૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવો મહિમા વર્તે છે કે પરની રુચિ તેને રહેતી નથી, સંયોગોની કામના તેને થતી નથી. સરોવરમાં કમળો ખીલેલાં હોવા છતાં હંસલો પોતાની હંસલીની પ્રીતિ છોડીને કમળ ઉપર પ્રીતિ કરતો નથી, તેમ આત્માર્થી પોતાના આત્માની પ્રીતિ છોડીને લક્ષ્મી, અધિકાર વગેરેની પ્રીતિ કરતો નથી. ધન, પ્રતિષ્ઠા વગેરેની પ્રાપ્તિના પુરુષાર્થમાં તેને રુચિ રહેતી નથી. આથી વિપરીત, બહિર્દષ્ટિ જીવો આત્માનો મહિમા ન હોવાથી બહાર રખડે છે. લક્ષ્મી હોવા છતાં પણ આનંદ મળતો નથી એમ જાણવા છતાં તેઓ લક્ષ્મી મેળવવા માટે જિંદગી વેડફી નાખે છે. સત્તા હોવા છતાં પણ શાંતિ નથી મળતી એમ અનુભવવા છતાં સત્તા માટે ફાંફાં મારે છે. જે ખાડાઓમાં બીજા પડ્યા, તે જ ખાડા તરફ તેઓ ચાલે છે. સંસારનો ભય કે થાક લાગ્યો ન હોવાથી તેમને સ્વરૂપ સમજવામાં કંટાળો આવે છે. સ્વની વાતો સાંભળવામાં રસ પડતો નથી. પરંતુ શિષ્ય આત્માર્થી હોવાથી તેને સ્વરૂપની વાતમાં હર્ષ-ઉત્સાહ-આનંદ ઊભરાય છે. તે અત્યંત રુચિપૂર્વક છ પદ સમજવા શ્રીગુરુનો સત્સંગ કરે છે. સત્સંગ કરતાં કરતાં ક્ષણે ક્ષણે તેને આત્મા વિશેષ ને વિશેષ રુચતો જાય છે. શબ્દ શબ્દ નિજતત્ત્વની રુચિ વધતી જાય છે અને શ્વાસે શ્વાસે તેને આત્માની જ મુખ્યતા રહે છે.
શિષ્યને આત્મપ્રાપ્તિ માટે ઉત્કટ તૃષા જાગી છે. આ તરસ જાગ્યા વિના આત્માની પ્રાપ્તિ થવી અસંભવિત છે. તરસ ન લાગી હોય તો પાસેનું સરોવર પણ દેખાતું નથી. તરસ ન હોય તો પાણીની કિંમત થતી નથી. જો પોતાને આત્મપ્રાપ્તિની તરસ ન લાગી હોય અને બીજાના કહેવાથી કે દેખાદેખીથી આત્માને શોધવા નીકળે તો આત્મપ્રાપ્તિ થવી સંભવતી નથી. જેને આત્મપ્રાપ્તિના રસ્તામાં વચ્ચે પર્વતો દેખાય છે, તેને જ્વલંત પિપાસા જ જાગી નથી. રસ્તાની અડચણો અભીપ્સાના અભાવની સૂચક છે. જ્યાં પિપાસા હોય ત્યાં વિરાટ પહાડ પણ દૂર થઈ જાય છે. જ્યારે જીવ પૂરી ત્વરાથી, પૂરી લગનીથી પ્રાણપૂર્વક પોતાની જાતને, પોતાના સમગ્ર અસ્તિત્વને દાવ ઉપર લગાવી દે તો કઈ ચીજની તાકાત છે તેને અટકાવવાની? સમગ્રતાથી જીવનને દાવ ઉપર લગાડનારની સામે ન કદી કંઈ આવ્યું છે, ન કંઈ આવી શકે છે. અભીપ્સા સર્વ અંતરાયોનો અંત લાવે છે. શિષ્યને આત્મપ્રાપ્તિની પિપાસા એટલી તીવ્ર જાગી છે કે તેની બધી શક્તિ કાર્ય કરવા માટે એકઠી થઈ ગઈ છે.
પ્રસ્તુત ગાથામાં શિષ્યની પાત્રતાનો શ્રીગુરુએ કરેલો સ્વીકાર પ્રગટ થાય છે. શિષ્યને શુદ્ધાત્માની પ્રાપ્તિની તાલાવેલી લાગી છે. તેને પરિભ્રમણથી છૂટવાની ચિંતા જાગી છે. તેથી તે પોતાનો સમગ્ર પુરુષાર્થ તત્ત્વનિર્ણય કરવામાં લગાડે છે. તે મુક્તિની યુક્તિ જાણવાનો પ્રયત્ન કરે છે. તે શ્રીગુરુને પૂછે છે કે યથાર્થ મોક્ષમાર્ગ શું છે? તેનું સ્વરૂપ શું છે? સંસારનું મૂળ કારણ દૂર કરવાનો ઉપાય શું છે? સર્વસમ્મત મોક્ષમાર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org