________________
૧૩૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બૌદ્ધ દર્શન માને છે કે નિર્વાણ થતાં આત્માનો વિલય થઈ જાય છે, અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. આત્માનું પોતાનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. આ પ્રકારના નિર્વાણની કલ્પના અસંગત છે. મુક્ત થયા પછી અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે એ વાત જૈન દર્શન સ્વીકારતું નથી. તે આવી મુક્તિ સાથે સમ્મત નથી. કર્મનો આત્યંતિક નાશ થવાનું ફળ જો અજરામર જ્ઞાનાનંદમય સ્થિતિની પ્રાપ્તિ ન હોય તો તેવું ફળ જૈન દર્શનને સમ્મત નથી. જૈન દર્શનને એવો આત્મવાદ જ સમ્મત છે કે જેમાં આત્માનું નિત્યાનિત્ય સ્વરૂપ બતાવી આત્માને જ વ્યવહારથી કર્મનો કર્તા-ભોક્તા માન્યો છે અને કર્મનો નાશ થવાથી આત્માની ત્રિકાળ મુક્તિ માની છે તથા જેમાં મુક્ત આત્માની આત્મા તરીકેની વ્યક્તતા નાશ પામતી નથી. આવું સ્વરૂપ નય, નિક્ષેપ, સપ્તભંગી આદિ વડે જૈન દર્શને યુક્તિપુર:સર પુરવાર કર્યું છે. તે કહે છે કે જો મોક્ષમાં આત્માનું અસ્તિત્વ રહેતું જ ન હોય તો પછી સર્વ ક્રિયાઓ કરી તેને કર્મ આદિથી મુકાવાની વાતનો કોઈ જ અર્થ સરતો નથી. જે કરણીનું ફળ આત્માના અસ્તિત્વનો જ નાશ હોય તે કરણી નિરુપયોગી છે.
જેનાથી પોતાની જ સત્તા નાશ થાય એવા કાર્યને ઉપાદેય કઈ રીતે માની શકાય? પોતાનો જ અભાવ કોણ ઇચ્છે? ધારો કે કોઈ વ્યક્તિ એમ જાહેર કરે કે આ ફાંસીના માંચડે જે લટકી જશે તેને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે', તો બધા લોકો તો હસીને ચાલતા જ થશે. પરંતુ માનો કે કોઈ એક માણસ એવો નીકળે કે જે એક લાખ રૂપિયાનું ઇનામ લેવા ફાંસીને માંચડે લટકે અને તે મરી જાય. આમ, એ લટકીને મરી પણ ગયો, પરંતુ હવે એ ઇનામ કોણ લેશે? ઇનામ લેનારનું અસ્તિત્વ જ ન રહ્યું તો ઇનામનું પ્રયોજન શું? શું બૌદ્ધોનો મોક્ષનો ખ્યાલ પણ આવો જ નથી? મોક્ષ માટે જેણે અપાર સાધના કરી, તકલીફ ઉઠાવી, તે અંતે પોતાનું અસ્તિત્વ જ ખોઈ બેસે! મોક્ષને માનવો અને પોતાની સમાપ્તિને પણ માનવી એ એક નવાઈભરી વાત છે.
આમ, ન્યાય આદિ કેટલાંક દર્શનો મોક્ષને જ્ઞાન, સુખ આદિ ગુણોના અભાવરૂપ કહે છે, જેનો અત્રે નિજ અનંત સુખભોગ' દ્વારા નિષેધ કરી શ્રીમદે જણાવ્યું છે કે મોક્ષમાં ઇન્દ્રિયજનિત જ્ઞાન, સુખ આદિ ગુણોનો અભાવ છે; પણ કેવળજ્ઞાન, અવ્યાબાધ સુખ આદિ અનંત ગુણોનો ત્યાં અભાવ નથી. મોક્ષ જ્ઞાન તથા સુખથી રહિત નથી. મોક્ષમાં અનંત જ્ઞાન અને અનંત સુખ છે. બૌદ્ધ દર્શનની માન્યતા મુજબ દીપનિર્વાણ સમાન જીવના અભાવરૂપ મોક્ષ નથી; પરંતુ જીવની વિશુદ્ધિરૂપ મોક્ષ છે, જે શાશ્વત એમ શ્રીમદે “શાશ્વત પદે' દ્વારા જણાવ્યું છે. આમ, શ્રીમદે આ ગાથાની બીજી પંક્તિ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ' દ્વારા મોક્ષ થયા પછી જીવનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org