________________
ગાથા-૯૧
૧૩૫ ઉચ્છેદ થતો નથી. બૌદ્ધોએ માન્યું છે કે દીપનિર્વાણની જેમ મોક્ષમાં જીવનો નાશ થઈ જાય છે, પરંતુ વાસ્તવમાં તો દીપના અગ્નિનો પણ સર્વથા નાશ થતો નથી. દીવો પણ પ્રકાશપરિણામને છોડીને અંધકારપરિણામને ધારણ કરે છે, જેમ દૂધ દહીંરૂપ પરિણામને ધારણ કરે છે અને ઘડાનાં ઠીકરાં અને ઠીકરાંની ધૂળ બને છે. દૂધ દહીંરૂપે પરિણમે છે ત્યારે દૂધનો સર્વથા નાશ થતો નથી, માત્ર દૂધનું રૂપાંતર થાય છે. ઘડો ફૂટી જતાં તે ઠીકરાંરૂપે અને પછી ધૂળરૂપે પરિણમે છે, પરંતુ ઘડાનો સર્વથા નાશ થતો નથી. આ તો કેવળ પર્યાયનું પરિવર્તન છે. તત્ત્વનો સર્વથા ઉચ્છેદ માનવો એ તો અવૈજ્ઞાનિક છે. એટલે દીપની જેમ જીવનો પણ સર્વથા નાશ માની શકાય નહીં.
અહીં કોઈને પ્રશ્ન થાય કે દીપનો જો સર્વથા નાશ ન થતો હોય તો તે બુઝાઈ ગયા પછી સાક્ષાત્ કેમ દેખાતો નથી? તેનો ઉત્તર આ પ્રમાણે છે - બુઝાઈ ગયા પછી તે અંધકારપરિણામને પામે છે અને તે તો પ્રત્યક્ષ છે જ. અંધકાર નથી દેખાતો એમ તો ન જ કહેવાય, કારણ કે આ ઓરડામાં તો સાવ અંધારું છે' એમ જે કહેવામાં આવે છે તે શેના આધારે કહેવાય છે? આંખ વડે જોઈને જ કહેવામાં આવે છે, એટલે આંખ વડે અંધારું દેખાય છે એ વાત સાચી છે. છતાં પણ દીવો બુઝાઈ ગયા પછી તે દીવારૂપે કેમ નથી દેખાતો? આનો ખુલાસો એ છે કે દીવો ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરિણામોને ધારણ કરે છે, તેથી વિદ્યમાન છતાં તે દેખાતો નથી. જેમ કાળાં વાદળાં જ્યારે વીખેરાઈ જાય છે ત્યારે તેનાં સૂક્ષ્મ પરિણામના કારણે તે વિદ્યમાન છતાં આકાશમાં દેખાતાં નથી અને જેમ સુરમો ડબીમાં હોય ત્યારે દેખાય છે, પરંતુ જો હવાના કારણે ઊડી જાય તો તે વિદ્યમાન છતાં પણ તેની સૂક્ષ્મ રજના કારણે દેખાતો નથી; તેમ દીપ પણ બુઝાઈ ગયા પછી સૂક્ષ્મ પરિણામના કારણે વિદ્યમાન છતાં દેખાતો નથી. તે અસતું હોવાના કારણે નહીં પણ સૂમ હોવાના કારણે દેખાતો નથી. આથી દીપનો સર્વથા નાશ માની શકાય નહીં; તો પછી તેના દષ્ટાંતથી નિર્વાણમાં જીવનો સર્વથા અભાવ સિદ્ધ થઈ શકે નહીં.
- આ રીતે દીપ જ્યારે બુઝાઈ જાય છે ત્યારે તે પરિણામાંતરને પામે છે, પરંતુ તે સર્વથા નષ્ટ થતો નથી; તેમ જીવ પણ જ્યારે પરિનિર્વાણને પામે છે ત્યારે સર્વથા નષ્ટ થઈ જતો નથી, પણ તે નિરાબાધ સુખરૂપ પરિણામાંતરને પામે છે. આથી દુઃખના ક્ષયવાળી એવી જીવની વિશેષ અવસ્થાને જ નિર્વાણ માનવું જોઈએ. દીપકનું બુઝાઈ જવું એટલે તેની જ્યોતનું નષ્ટ થવું નહીં પણ તેનું રૂપાંતર અથવા પરિણામાંતર થવું, કારણ કે જે અસ્તિત્વ ધરાવે છે તે નષ્ટ થઈ શકતું નથી. આ રીતે જ જીવનું નિર્વાણ પામવું એટલે નષ્ટ થવું, અસ્તિત્વહીન થવું એમ નહીં પણ અવ્યાબાધ સુખરૂપ સ્વાભાવિક પરિણતિ પ્રાપ્ત કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org