________________
૧૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ફેલાવી શકે છે. પરંતુ જેમ દીપક ઉપરનું તે છિદ્રવાળું આવરણ દૂર કરવામાં આવે તો તે પોતાના પૂર્ણ રૂપમાં પ્રકાશે છે, તેમ આત્મા પણ તેનાં ઉપરનાં સર્વ આવરણો દૂર થવાથી સંપૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. મુક્તાત્મામાં આવરણનો સર્વથા અભાવ હોવાથી તે સર્વજ્ઞ બની જાય છે.
નિષ્કર્ષ એ છે કે જ્ઞાન અને સુખ આત્માના સ્વતઃસિદ્ધ ગુણો છે. ભલે તે આત્મા સંસારમાં હોય કે મુક્તિમાં હોય, ગુણોનું ઉલ્લંઘન કશે પણ થઈ શકતું નથી. સંસારપર્યાયમાં આત્માને સાધારણ ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને સુખ હોય છે અને મુક્ત થતાં જ તે આત્માને નિરાવરણ જ્ઞાન અને સુખ હોય છે. મુક્તિમાં જ્ઞાન અને સુખની પૂર્ણતા છે. જ્ઞાન અને સુખ આત્માના નિત્ય ગુણ છે. મુક્તાત્મા અનંત અવ્યાબાધ જ્ઞાન, સુખ આદિથી યુક્ત હોય છે. જો આમ ન માનવામાં આવે તો મુક્તાત્મા અને જડ પદાર્થમાં કોઈ જ ફરક રહે નહીં.
મીમાંસા દર્શનના આત્મા તથા મોક્ષ અંગેના વિચાર ન્યાય-વૈશેષિકને મળતા આવે છે. તે પણ એમ માને છે કે ચેતના એ આત્માનો સ્વભાવ નહીં પણ આગંતુક ગુણ છે. આત્મા સ્વભાવથી અચેતન છે, પરંતુ મન અને ઇન્દ્રિયોના સંસર્ગમાં આવવાથી તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. સુષુપ્ત અવસ્થામાં આ સંયોગનો અભાવ હોવાથી તે જ્ઞાનશૂન્ય બની જાય છે. એ જ રીતે મોક્ષ અવસ્થામાં પણ આત્મા આ બધા વિશેષ ગુણોથી રહિત થઈ જાય છે.
મુક્તાત્માને જ્ઞાન નથી એમ મીમાંસકોનું કહેવું ન્યાયયુક્ત નથી, કારણ કે જ્ઞાન એ તો આત્માનું સ્વરૂપ છે. જેમ પરમાણુ કદી રૂપાદિથી રહિત હોય નહીં, તેમ આત્મા પણ જ્ઞાનરહિત હોઈ શકે જ નહીં. એટલે “આત્મા છેઅને ‘તે જ્ઞાનરહિત છે' એમ કહેવું તે પરસ્પર વિરુદ્ધ વાત છે. જો સ્વરૂપ ન હોય તો સ્વરૂપવાનની સ્થિતિ જ ન હોય. જીવ જો જ્ઞાનરહિત બની જાય તો તે જડ બની જાય, પરંતુ જીવ અને જડ એ તો પરસ્પર અત્યંત વિલક્ષણ જાતિવાળાં દ્રવ્યો છે અને કોઈ પણ દ્રવ્ય કદી વિલક્ષણ જાતિના પરિણામને પામતું જ નથી; તેથી જીવ કદી જડ બની શકે નહીં, અર્થાત્ કદી પણ જ્ઞાનનો અભાવ જીવમાં થઈ શકે જ નહીં.
મીમાંસકમત પ્રમાણે આત્મા સ્વભાવથી સુખ અને દુઃખથી અતીત છે અને મોક્ષ આત્માની સ્વાભાવિક અવસ્થાની પ્રાપ્તિ છે, જેમાં સુખ અને દુઃખનો અત્યંત વિનાશ થઈ જાય છે. મોક્ષ દુઃખના આત્યંતિક અભાવની અવસ્થા છે, પણ તેમાં આનંદની અનુભૂતિ હોતી નથી. જ્યાં સુધી વાસનાદિ સર્વ આત્મગુણ ઉચ્છેદ થતા નથી, ત્યાં સુધી આત્યંતિક દુઃખનિવૃત્તિ થતી નથી. સુખ-દુઃખનો સંભવ ધર્મ અને અધર્મના નિમિત્તથી થાય છે, ધર્મ-અધર્મનો ઉચ્છેદ થતાં તેના કાર્યરૂપ શરીરનો નાશ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org