________________
ગાથા-૯૧
૧૨૫ અતીન્દ્રિય હોય છે. તેમને ઇન્દ્રિયવિલાસ નથી, છતાં નિરુપમ સુખ ઉપલબ્ધ છે. કોઈ પણ ભોગ વિના તેઓ પરમ સુખી છે. જ્યાં ખાવા-પીવાનું નથી, હરવા-ફરવાનું નથી, પહેરવા-ઓઢવાનું નથી, રમત-ગમત નથી, વેપાર-ધંધો નથી, વિષય-કષાય વગેરે કાંઈ જ નથી; તેવી સ્થિતિમાં પણ સિદ્ધ પરમેષ્ઠી પરમ સુખી છે. મોક્ષમાં તેમણે શરીર ધારણ કરીને ખાઈ-પીને, હરી-ફરીને સુખ ભોગવવાનું હોતું નથી. તેઓ તો શરીર વિના જ પોતાના આત્માનું સ્વચ્છ, અવિનાશી અને અપરિમિત સુખ ભોગવે છે. નિજના અનંત આનંદમાં અનંત કાળ માટે તરબોળ રહે છે.
આ પ્રમાણે કોઈ પણ કર્મનો ઉદય ન હોય તોપણ અને શરીર, ઇન્દ્રિય આદિ ન હોવા છતાં પણ મોક્ષમાં જીવને સર્વશ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે. સુખ તો આત્માનો સ્વાભાવિક ગુણ છે, પરંતુ મોદાદિ કર્મોના ઉદયકાળમાં તેનું સ્વાભાવિક પરિણમન ન થતાં દુઃખરૂપ વૈભાવિક પરિણમન થાય છે. મુક્ત જીવોને આ મોહાદિ કર્મોનો સર્વથા અભાવ હોય છે, માટે તેમના સુખ ગુણનું સ્વાભાવિક પરિણમન થાય છે અને તેઓ અનંત સુખી હોય છે.
સિદ્ધનું સુખ પરાધીન નથી, પણ સ્વાધીન છે. શરીર, ઇન્દ્રિયો અને મન વડે ભોગવાતાં સુખો પરાધીન છે, પૌગલિક પદાર્થો ઉપર આધારિત છે. સંપત્તિ આદિના સંયોગથી જે સુખ થાય છે તે પરાધીન છે, તેથી જ્યાં સુધી તેને અનુરૂપ એવો પુણ્યનો ઉદય રહે છે, ત્યાં સુધી તે સુખ રહી શકે છે. પુણ્યોદય પૂરો થતાં સુખ પણ નષ્ટ જ થઈ જાય છે. વિષયસુખ પરાધીન અને અસ્થિર હોવાથી દુઃખરૂપ છે. પરંતુ સિદ્ધને જે સુખ છે તે સ્વાધીન છે, અવિનાશી છે, શાશ્વત છે. સિદ્ધ પરમાત્મામાં સ્વાધીન સુખ સંપૂર્ણપણે પ્રગટ છે, તેથી તેઓ મહાસુખી છે.
પરપદાર્થની અપેક્ષા દુઃખરૂપ છે. આત્માથી અન્ય કોઈ પણ વસ્તુની અપેક્ષા જ દુઃખરૂપ છે. મોક્ષ પામેલા જીવને કોઈ પરપદાર્થની અપેક્ષા રહેતી નથી. મુક્તાત્માને સર્વ પરપદાર્થ સંબંધી અભિલાષા અત્યંત નિવૃત્ત થઈ હોય છે. સિદ્ધ જીવને અન્ય પદાર્થ પ્રાપ્ત કરવાની ઇચ્છાનો પ્રપંચ દૂર થયો હોય છે અને તેથી નિરભિલાષપણું પ્રાપ્ત થયું હોય છે, આત્માથી અન્ય પદાર્થમાં નિરપેક્ષપણું પ્રાપ્ત થયું હોય છે; તેથી જ તેમને સર્વોત્કૃષ્ટ સુખ હોય છે. આત્માથી અન્ય પૌગલિક વસ્તુની અપેક્ષાથી સર્વથા રહિત થવાથી તેઓ પરમાનંદમાં હોય છે. ઉત્સુકપણાની અત્યંત નિવૃત્તિ થવાથી સિદ્ધ જીવને નિરુપમ સુખની સિદ્ધિ થઈ હોય છે. દુઃખ તો ત્યારે જ હોય કે જ્યારે કંઈક ઇચ્છા હોય. સિદ્ધ ભગવાનને મિથ્યાત્વનો અભાવ હોવાથી અતત્ત્વની શ્રદ્ધાનો અભાવ છે. અતત્ત્વની શ્રદ્ધાનો અભાવ હોવાથી ઇચ્છાનો અભાવ છે. તેમને ઇચ્છા તો બિલકુલ છે જ નહીં. ઇચ્છા અને ઇચ્છાનાં કારણોનો સર્વથા અભાવ થવાથી તેઓ સર્વ દુઃખથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org